Text Size

10. દસમ સ્કંધ

રાસલીલા - 3

ભગવાન કૃષ્ણ યમુનાતટવર્તી રમણરેતી પર ગોપીઓની વચ્ચે તારિકાઓની વચ્ચે ચંદ્ર જેવા બેસી ગયા. ગોપીકાઓએ એમને પૂછયું કે તમારી ગણના કેવા માણસોમાં કરવી જોઇએ ? કેટલાક લોકો જે પોતાને પ્રેમ કરે છે તેમને પ્રેમ કરે છે, અને બીજા કેટલાક પ્રેમ ના કરે તેમને પણ પ્રેમ કરે છે. પરંતુ ત્રીજા પ્રકારના પુરુષો તો પોતાને પ્રેમ કરે કે પ્રેમ ના કરે તોપણ કોઇને પણ પ્રેમ નથી કરતા. એમને મન પ્રેમનું કશું મહત્વ જ નથી હોતું. એ ત્રણે પ્રકારના પુરુષોમાં તમને ક્યા પુરુષો સારા લાગે છે ?

ગોપિકાઓનો પ્રશ્ન સાંભળીને ભગવાન કૃષ્ણે સુમધુર સ્મિતપૂર્વક કહેવા માંડ્યું કે જે પ્રેમ કરનારને જ પ્રેમ કરે છે તે તો વ્યાપારી વૃત્તિવાળા કે બદલાની ભાવનાથી ભરેલા છે. એ કોઇ પરાક્રમ નથી કરતા. એ મોટે ભાગે સ્વાર્થી હોય છે ને સ્વાર્થ સચવાય ત્યાં સુધી પ્રેમ કરે છે. જે પ્રેમ ના કરનારને પણ પ્રેમ કરે છે તે સ્વભાવથી જ કરુણાર્દ્ર અને નિઃસ્વાર્થ પ્રેમપ્રધાન હૃદયના હોય છે. માતાપિતા, સદ્દગુરુ, સંતો તેમજ સજ્જનો એ શ્રેણીમાં આવી જાય છે. એ સ્નેહ અથવા સેવાના બદલામાં કશી લાલસા નથી રાખતા.

જે પ્રેમ કરનારાને કે ના કરનારાને કોઇને પણ પ્રેમ નથી કરતા એવા પુરુષોના ચાર પ્રકાર કહી શકાય. એક પ્રકાર તો પોતાના સ્વરૂપમાં મસ્ત રહેનારા આત્મારામ પુરુષોનો છે. એમને દ્વૈત જેવું, પ્રેમ કરવા કે ના કરવા જેવું કશું હોતું જ નથી એટલે એમને માટે એ સમસ્યા જ નથી પેદા થતી.

બીજો પ્રકાર દ્વૈતને અનુભવનારા છતાં જીવનમુક્ત બની ચુકેલા મહાપુરુષોનો છે. એમને પણ કોઇને વિશેષ પ્રેમ કરવામાં કશો રસ નથી હોતો.

ત્રીજો પ્રકાર એવા પુરુષોનો છે જે પોતાને પ્રેમ કરનારને જાણતા જ નથી હોતા, અને ચોથો પ્રકાર એવા લોકોનો છે જે પોતાનું કલ્યાણ કરનારા સ્વજનોનો ને ગુરુજનોને સતાવે છે, નીંદે છે, અને એમનો દ્રોહ કરે છે. રહી મારી વાત. તો મને પ્રેમ કરનારાની સાથે પણ જો હું જેવો કરવો જોઇએ તેવો વ્યવહાર ના કરતો હોઉં તો એનું એકમાત્ર કારણ એ જ છે કે એમની ચિત્તવૃત્તિ મારામાં વધારે ને વધારે પ્રમાણમાં લાગેલી રહે એવી મારી ઇચ્છા હોય છે. તમારા પ્રેમને પ્રબળ બનાવવા માટે જ હું તમારી આગળથી અદૃશ્ય થયેલો. બાકી મને તમારે માટે પ્રેમ છે જ. મને સમજવામાં ભૂલ ના કરશો. તમારા પ્રેમને જાણું છું. તમે મને પ્રિય છો. તેથી તો તમારી પાસે પ્રકટ થયો છું. આપણો સ્નેહસંબંધ સંપૂર્ણ નિર્મળ છે. હું અમર શરીરથી અમર જીવન દ્વારા અનંત કાળ સુધી તમારા પ્રેમ, ત્યાગ તેમજ સેવાભાવનાનો બદલો આપવા માગું તો પણ નથી આપી શકું તેમ. હું તમારો જન્મજન્માંતરનો ઋણી છું.

એ છેલ્લા શબ્દો ખૂબ જ ભાવભરપુર અને મર્મભેદક હતા. એમને સાંભળીને ગોપીઓ વધારે ભાવવિભોર બની ગઇ. એમની વિરહવેદના સ્વતઃ શાંત થઇ ગઇ.

હવે એમના જીવનની ધન્યતા માટે બાકી શું રહ્યું ? કેવળ રાસ અથવા મહારાસ જ. ભગવાન કૃષ્ણે એમની મનોકામનાની સિદ્ધિનો સંકલ્પ કર્યો જ હતો. એમણે એમને રાસ રમાડવાની તૈયારી કરી. એ એકેક ગોપીની આગળ પ્રકટ થયા. બે બે ગોપીની વચ્ચે એકેક કૃષ્ણ એવો ક્રમ તૈયાર થયો. સર્વૈશ્વર્ય સંપન્ન કૃષ્ણે પોતાના અસાધારણ યોગસામર્થ્યથી એવી રીતે અનેક સ્વરૂપોને ધારણ કર્યાં. મહારાસ શરૂ થયો. ગોપીઓ ભગવાન કૃષ્ણની સાથે નૃત્ય કરવા લાગી. એ રાસ દેહાધ્યાસથી ઉપર ઉઠાવનારો અને આત્મલીન બનાવનારો હતો. એની પવિત્રતા, ઉદાત્તતા તથા ઉત્તમતાનો પરિચય કરાવતાં સ્વનામધન્ય શુકદેવજી પરિક્ષિતને કહે છે -

रेमे रमेशो व्रजसुंदरीभिर्य़थार्भकः स्वप्रतिबिंबविभ्रमः । (અધ્યાય 33, શ્લોક ૧૭ ઉત્તરાર્ધ)

‘રમાપતિ ભગવાન કૃષ્ણે વ્રજની સુંદરીઓ સાથે બાળક પોતાનાં પ્રતિબિંબ સાથે ખેલ કરે તેમ તદ્દન નિર્દોષ રીતે સ્વરૂપોની સાથે કરતા હોય એમ આત્મનિષ્ઠાપૂર્વક આત્મભાવમાં સ્થિત રહીને ક્રીડા કરી.’

રાસલીલાના રહસ્યોદ્દઘાટનમાં એ પંક્તિની મદદ ઘણી મહત્વની છે. એ પંક્તિમાં મહર્ષિ વ્યાસની લોકોત્તર શબ્દકળાનું, શબ્દ અને અર્થનો સુભગ સમન્વય સાધનારી અસાધારણ શબ્દકળાનું દર્શન થાય છે. એ ‘રમેશ’ શબ્દપ્રયોગ કરીને સૂચવવા માગે છે કે ભગવાન કૃષ્ણ કોઇ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ વિભૂતિ, સૌન્દર્યની મહાદેવી લક્ષ્મીના સ્વામી છે. એટલે સ્ત્રીઓ પ્રત્યેના આકર્ષણને લીધે રાસ નથી રમતા. સ્ત્રીઓ પણ વ્રજની સર્વશ્રેષ્ઠ સુંદરીઓ છે. તો પણ એમના મનમાં મલિનતા, ચંચળતા કે ક્ષોભ નથી પેદા કરી શકી. એમની અવસ્થા બાળક જેવી જ સરળ ને નિર્દોષ રહી છે. એમની પ્રવૃત્તિને વિપરીત રીતે વિચારીને કોઇ બીજી ભળતી શંકા કરવી નકામી છે.

રાસલીલાના રહસ્યના પારખુ થવા માગનારે એ પંક્તિને લક્ષમાં લેવાની છે. એના એકેક શબ્દને સમજવાનો છે. એ ધાર્યા કરતાં ઘણો મહાન સંદેશ પૂરો પાડે છે એવું લાગ્યા વિના નહિ રહે.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok