Text Size

10. દસમ સ્કંધ

કુરુક્ષેત્રમાં

ભગવાન કૃષ્ણ તથા બળરામ એક વાર સર્વગ્રાસ સૂર્યગ્રહણના સર્વોત્તમ શુભ અવસર પર કુરુક્ષેત્રમાં ગયા ત્યારે ભારતવર્ષના વિભિન્ન વિભાગોની જનતા ત્યાં એકઠી થયેલી. નંદે, વસુદેવે તથા ગોપગોપીઓએ પણ એ આનંદકારક અવસર પર કુરુક્ષેત્રની યાત્રા કરેલી. ગોપીઓ વરસો પછી ભગવાન કૃષ્ણના દેવદુર્લભ દર્શનનો લાભ મેળવી શકી. એમના દર્શનથી એમને અસાધારણ આનંદાનુભવ થાય એ સ્વાભાવિક હતું. ભગવાન ગોપીઓના પવિત્ર પ્રેમભાવને ભૂલી શક્યા ન હતા. એમણે ગોપીઓને પ્રેમપૂર્વક મળીને એમને અધ્યાત્મજ્ઞાનનો સંદેશ સંભળાવીને બનતી શાંતિ આપી.

દિવસો પછી નંદ તથા યશોદા પણ કૃષ્ણ, બળરામ તથા વસુદેવને મળીને આનંદ પામ્યા. કાળની કળા ઘણી અજબ છે. જુદાજુદા જીવોને એ કર્મના સંસ્કારોને અનુસરીને ભેગા કરે છે ને છૂટા પાડે છે. સુખ પ્રદાન કરે છે ને દુઃખ પણ પૂરું પાડે છે. શાંતિ સમર્પે છે અને અશાંતિ જન્માવે છે. આનંદ આપે છે ને વ્યથા પ્રગટાવે છે. કાળની એ અચિંત્ય કળાને જે જાણે છે તે તટસ્થ અથવા અનાસક્ત બની જાય છે અને કાળના સ્વામી પરમાત્માનું શરણ લઇને પરમાત્માને ભજે છે ને ધન્ય બને છે, એની સંસારની મિથ્યા મમતા છૂટી જાય છે.

કૃષ્ણ તથા બળરામના દૈવી દર્શન માટે એ અવસર પર આપ્તકામ આત્મદર્શી મહાન ઋષિમુનિઓ પણ આવી પહોંચ્યા. એમાં શ્રીકૃષ્ણ દ્વૈપાયન વ્યાસ, દેવર્ષિ નારદ, ચ્યવન, વિશ્વામિત્ર, શતાનંદ, ભરદ્વાજ, ગૌતમ, વસિષ્ઠ, સનત્કુમાર, અગસ્ત્ય, યાજ્ઞવલ્ક્ય તથા વામદેવ મુખ્ય હતા. પ્રાતઃસ્મરણીય મહાન સંતપુરુષોનું દર્શન સદા દુર્લભ હોય છે. એમનો સમાગમ સદા સુખમય હોય છે. ભગવાન કૃષ્ણે એ લોકોત્તર ઋષિમુનિઓના દર્શનથી પ્રસન્ન બનીને એમની પ્રશસ્તિ કરી.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok