Text Size

11. એકાદશ સ્કંધ

ભગવદ ભક્તનાં લક્ષણો

મહારાજા નિમિએ એ સુખદ સદુપદેશથી સંતોષાઇને બીજો પ્રશ્ન પૂછયો :

‘એવા ભાગવતધર્મને વરેલા ભગવદ્દભક્તનાં લક્ષણો કહી બતાવો તો સારું. એના સ્વભાવ અને એનો ધર્મ કેવો હોય છે ? એ કેવી રીતે વ્યવહાર કરે છે ને બોલે છે તથા કયાં વિશિષ્ટ લક્ષણોને લીધે પરમાત્માનો પ્યારો કે કૃપાપાત્ર બને છે ?’

નિમિના એ પ્રશ્નની સાથે ગીતાના બીજા અધ્યાયમાં અર્જુને ભગવાન કૃષ્ણને પૂછેલા સ્થિતપ્રજ્ઞ પુરુષના લક્ષણો વિશેનો પ્રશ્ન સરખાવવા જેવો છે. એમની ભાષામાં થોડું ઘણું છતાં અદ્દભુત સામ્ય દેખાશે. ગીતાના બારમા અધ્યાયમાં આવતું ભક્તોનાં લક્ષણોનું વર્ણન પણ ભાગવતના ભક્તવર્ણન સાથે સરખાવી શકાય.

એ પ્રશ્નનો પ્રત્યુત્તર પ્રદાન કરતાં હરિ નામના બીજા યોગીશ્વરે જે કાંઇ જણાવ્યું તે પણ સ્વાનુભવપૂર્ણ ને પ્રેરક હતું. ભગવદ્દભક્તોના ત્રણ પ્રકારો પાડી બતાવતાં એમણે કહ્યું :

‘સંસારના સમસ્ત ભૂતોમાં આત્મારૂપે રહેલા પરમાત્માનું જે દર્શન કરે છે અને સઘળાં ભૂતોને પરમાત્મામાં જુએ છે તે ભક્તોમાં સૌથી ઉત્તમ મનાય છે.’

‘જે ઇશ્વર પ્રત્યે પરમપ્રેમ રાખે છે, એમના શરણાગત શ્રદ્ધાભક્તિ-ભરપુર એકનિષ્ઠ ભક્તો પ્રત્યે મિત્રતા, દુઃખી અને અજ્ઞાનીઓ પર કૃપા રાખે છે, તથા ઇશ્વરનો અને ઇશ્વરભક્તોનો દ્વેષ કરનારની ઉપેક્ષા કરે છે તે ભક્ત મધ્યમ કોટિનો કહેવાય છે.’

‘ભગવાનના શ્રીવિગ્રહની સેવાપૂજાનો આધાર શ્રદ્ધાભક્તિપૂર્વક લેવા છતાં પણ જે ભગવાનના ભક્તોની અને બીજાની સેવા સહાયતા નથી કરતો તે ભક્ત તદ્દન સામાન્ય શ્રેણીનો કહેવાય છે.’
(અધ્યાય ર, શ્લોક ૪પ થી ૪૭)

*

ભગવાનની ભક્તિ મૂળભૂત રીતે એક અંતરંગ વસ્તુ છે એ ખાસ યાદ રાખવાવાનું છે. બહાર તો એનો પ્રકાશ પડે છે એટલું જ. એની દ્વારા માનવની અંતરંગ વિશુદ્ધિની અને એના અંતરંગ વિકાસની સિદ્ધિ થવી જોઇએ. એથી અલંકૃત આદર્શ ભક્તના જીવનમાં સરળતા, સરસતા, પવિત્રતા ને પરમાત્માની પ્રીતિનું દર્શન થવું જોઇએ. એ એના મહત્વના મુખ્ય ગુણો હોય છે. પવિત્રતા હોય ત્યાં અનાસક્તિ આપોઆપ આવે જ. અને પરમાત્માની પ્રીતિ કે શ્રદ્ધાભક્તિનો ઉદય થાય ત્યાં સેવાભાવના પણ પ્રકટે જ. પરમાત્માની પ્રીતિથી પરિપ્લાવિત પ્રાણવાળો ભક્ત ચરાચરમાં પરમાત્માના સુધાસભર સ્વરૂપનું દર્શન કરીને અખિલ અવનીની સાથે આત્મીયતાનો અનુભવ કરે છે અને એને પરિણામે બીજાને ઉપયોગી થવા ને સુખશાંતિ પહોંચાડવાની પ્રવૃત્તિ કરે છે. એવી પ્રવત્તિ એને માટે સહજ બની જાય છે. ભક્તની સૌથી મોટી મહામૂલ્યવાન સેવા જગતના જીવોને આત્મોન્નતિની વાટે વાળવાની અને એમની સુષુપ્ત આત્મશક્તિને જગાડીને પરિપુષ્ટ અથવા પ્રબળ બનાવવાની છે. એ સેવા દ્વારા એ જીવનનું સાર્થક્ય કરવાનું અને મનુષ્યને આદર્શ મનુષ્ય બનાવવાનું શીખવે છે. એ માનવના સંતપ્ત અંતરાત્માને શાંતિ આપે છે ને પ્રેરણા પાય છે.

ભક્ત બોલે છે તો ખરો પરંતુ જ્યારે ને જેટલા પ્રમાણમાં બોલવાની આવશ્યકતા હોય છે ત્યારે ને તેટલા પ્રમાણમાં જ સત્યપૂત સુમધુર વાણી બોલતો હોય છે. એ ચાલે છે તો ખરો જ, બેસી નથી રહેતો, પરંતુ ન્યાય, નેકી, સત્ય ને સદાચારને માર્ગે ચાલે છે, જોઇ વિચારીને પગલાં ભરે છે, અને અનૃત અથવા અનર્થને માર્ગે કદી પણ આગળ નથી વધતો. નથી વધી શક્તો. એના જીવનની પ્રત્યેક પ્રવૃત્તિ પાછળ ઊંડો વિવેક હોય છે. એ વિવેકથી પ્રેરાઇને એ પોતાના નાનાંમોટાં સઘળાં કાર્યો કરે છે. સંસારની ચંચળતાને કે વિનાશશીલતાને સારી રીતે સમજતો હોવાથી સંસારમાં આસક્ત નથી થતો, અહંભાવથી સર્વથા મુક્ત, નિર્ભય ને નિર્મોહ રહે છે અને પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં, શુભાશુભમાં તેમ જ સંપત્તિ ને વિપત્તિમાં મન તથા બુદ્ધિને શાંત, સ્વસ્થ કે સ્થિર રાખે છે.

 

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok