12. દ્વાદશ સ્કંધ

કલિયુગને તરવાનો ઉપાય

કલિયુગ ગમે તેટલો ખરાબ હોય તો પણ ભયંકરતાના વધારે ને વધારે વિપરીત શબ્દચિત્રો દોરવાથી ને બહુજનસમાજને ભયભીત કે હતાશ કરવાથી કશું નહિ વળે. એથી કશો વિશેષ ઉપયોગી હેતુ નહિ સરે. કાદવમાં કમળની સુંદર સૃષ્ટિ થાય છે અને અંધકારથી આવૃત્ત આકાશમાં તારા તથા ચંદ્ર પ્રકાશી ઊઠે છે તેમ, ક્લેશો અને દોષોથી ભરેલા કલિયુગની પણ કેટલીક લાક્ષણિકતાઓ અથવા વિશેષતાઓ છે. શાસ્ત્રોએ ને સંતોએ એમનું વિષદ વર્ણન કરેલું છે. એ વર્ણન ખૂબ જ રોચક અને વાંચવા વિચારવા જેવું છે.

કલિયુગ સાથે બીજા યુગોનું વર્ણન કરતાં ભાગવતમાં કહેવામાં આવે છે કે સત્યયુગમાં ધર્મનાં ચાર ચરણ સત્ય, દયા, તપ તથા દાનનો મહિમા સંપૂર્ણપણે સચવાય છે. એ યુગમાં મનુષ્યો શાંત, સંતોષી, સંયમી, દયાળુ અને સત્યપરાયણ હોય છે. સૌ કોઇ ધર્મપાલનમાં પ્રવૃત્ત રહે છે. મોટાભાગના માનવો સમદર્શી, આત્મારામ અને આત્મસાક્ષાત્કારની સાધનામાં રસ લે છે. ત્રેતાયુગમાં માનવો કર્મકાંડમાં તથા તપશ્ચર્યામાં નિષ્ઠા રાખે છે. ધર્મના ચાર ચરણો ઉત્તરોત્તર હ્રાસ પામે છે. દ્વાપરમાં ધર્મની દશા એથી પણ વધારે દુઃખદ થઇ જાય છે. સત્યયુગની સરખામણીમાં એનું સ્તર અત્યધિક દુષિત બને છે ને નીચે ઉતરે છે. કલિયુગમાં એની સ્થિતિ વિશેષ વિપરીત કે કફોડી બની જાય છે. અસત્ય, હિંસા, અસંતોષ અને કલહ કલિયુગમાં વધી પડે છે. કલિયુગમાં મોટાભાગના લોકો લોભી, લાલસાવાળા, દુરાચારી, કઠોર હૃદયના ભાતભાતના વ્યસનોવાળા અને અંદર અંદર લડનારા થાય છે.

સત્યયુગ સાત્વિકતાનો, જ્ઞાનનો, સંયમનો તથા તપનો યુગ છે. માનવના જીવનમાં જ્યારે એ બધાનું દર્શન થાય છે ત્યારે એ સત્યયુગમાં જીવે છે એમ સમજી લેવું. માનવનું મન લૌકિક સુખોપભોગ તરફ વધારે વળે અને રજોગુણથી રંગાઇ જાય ત્યારે એના જીવનમાં ત્રેતાયુગ શરૂ થયો છે એવું સમજવું. જીવનમાં દંભ, અસંતોષ, અહંકાર તથા લોભ દેખાય અને સકામ કર્મો વધી જાય ત્યારે દ્વાપરયુગની સત્તા સમજી લેવી અને સર્વપ્રકારના દુર્ગુણોનું અથવા આસુરી સંપત્તિનું અને અજ્ઞાનનું વર્ચસ્વ વધી જાય ત્યારે કલિયુગનું સામ્રાજ્ય છવાયું છે એવું માની લેવું. માનવના વ્યક્તિગત જીવનમાં જોઇએ તો એ ચારે યુગોનો પ્રભાવ વારાફરતી પડતો જોઇ શકાય છે.

કલિયુગના દોષો અનેક છે. એક રીતે કહીએ તો એ દોષોનું ઘર છે. છતાં પણ એમાં રહીને દોષોને દૂર કરવાનો પ્રયત્ન કરીને જીવનનો સમ્યક્ સુધાર કરી શકાય છે. એમાં જો સાચા દિલથી પ્રેરાઇને ભગવાનનું શરણ લેવાય ને ભગવાન સાથે સંબંધ બાંધીને ભગવાનના અસાધારણ અનુગ્રહને અનુભવવાનો પ્રયાસ થાય તો ક્લેશો, દુઃખો, બંધનો તેમજ અશાંતિમાંથી મુક્તિ મળી શકે છે. કલિયુગમાં બીજા યુગો જેવી કઠોર તપશ્ચર્યા નથી કરવી પડતી અને એટલી બધી કસોટી પણ નથી થતી. એમાં નામજપની સર્વોત્તમતા છે, નામજપથી તરાય છે, સર્વોચ્ચ સિદ્ધિ સાંપડે છે, અને સઘળાં હેતુઓની સિદ્ધિ થાય છે.

કલિયુગમાં ભગવન્નનામ કલ્પવૃક્ષ કે કામધેનુનું કામ કરે છે. એના સતત આશ્રયથી શાંતિ સાંપડવાની સાથે સાથે ભગવાનના સુખદ સાક્ષાત્કારનો લાભ થઇ રહે છે. ભગવાનના નામસ્મરણની શક્તિ અમોઘ છે. નામસ્મરણ સર્વપ્રકારે સુખકારક, શાંતિદાયક તથા તારક ઠરે છે. ભાગવતમાં સંતશ્રેષ્ઠ શુકદેવ પરીક્ષિતને જણાવે છે કે બધી જાતના અનર્થોનું મૂળ અંતઃકરણમાં રહેલું છે. એ અશુદ્ધ અંતઃકરણની શુદ્ધિ ભગવાન એમાં વિરાજે છે એટલે સહેલાઇથી થઇ જાય છે.

મૃત્યુનો સમય સંનિકટ હોય ત્યારે માણસે શું કરવું જોઇએ ? જેનો અંતકાળ એકદમ નજદીક હોય એને શાસ્ત્રાધ્યયન કરવા માટે કહેવું અથવા પ્રાણાયામાદિ સાધના શીખવવી ? એ બધા બાહ્ય સાધનોથી શું વળે ? એવાં માણસે તો ભગવાનના સ્વરૂપમાં મન લાગાડીને ભગવાનનું નામ જ લેવું જોઇએ એને માટે એ જ કલ્યાણકારક કહેવાય. શુકદેવજી એટલા માટે જ પરીક્ષિતને કહેવા લાગ્યા કે મૃત્યુનો સમય છેક જ પાસે આવ્યો હોવાથી હવે સાવધાન થઇને મનને લૌકિક લાલસામાંથી પાછું વાળીને ઇશ્વરમાં એકાગ્ર કરો. હૃદયમાં કેવળ ભગવાનની જ સ્થાપના કરી દો. ભગવાનના જ જપ કરો અને ભગવાનનું ધ્યાન ધરો. એવું કરવાથી પરમગતિની પ્રાપ્તિ થશે.

શુકદેવજીના એ શબ્દો ખૂબ જ સારગર્ભિત છે. જીવનનો પ્રત્યેક કાળ અંતકાળ છે. જીવનનો શો ભરોસો ? કાળ ક્યારે આવે એ કેમ કહી શકાય ? માટે જીવનની પ્રત્યેક પળે તૈયાર રહેવું જોઇએ. લૌકિક લાલસાઓનો અંત આણીને જીવનને બનતા પ્રમાણમાં શુદ્ધ તથા સાત્વિક કરીને પરમાત્મામાં જોડવાનો સંકલ્પ અને પ્રયત્ન કરવો જોઇએ. એવા પ્રયત્નથી જીવનનનું સાર્થક્ય સાધી શકાય અને મરણ પણ મંગલમય બની જાય.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.