Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રશ્ન : એક વિદ્વાને કહ્યું છે કે કૃષ્ણ કૃષ્ણ કરવાથી કાંઈ ના વળે. કૃષ્ણ શબ્દનો અર્થ જાણ્યા વિના કાંઈ ફળ મળે નહીં. તો શું પ્રભુના નામનો અર્થ જાણ્યા વિના તે જપીએ તો તેનું ફળ ના મળે ?

ઉત્તર : તમે કહો છો તે વિદ્વાન જ્ઞાની છે. એટલે જ્ઞાનની રીતે તેમણે આ વિચાર રજૂ કર્યો છે. જ્ઞાની હંમેશા કોઈ પણ શબ્દના અર્થમાં ને તેની વ્યુત્પત્તિ કરવામાં વધારે આનંદ માને છે. પણ ભક્તનું તેવું નથી. પ્રભુના નામજપનો રસ વધારે ભાગે ભક્ત પુરુષ માણે છે. તેવા ભક્તને પ્રભુના કોઈયે નામનો અર્થ જાણવાની જરૂર નથી. તે જાણે તો ભલે- તેથી વધારે આનંદ આવશે, પણ નહીં જાણે તોય ખોવાનું તો કંઈ જ નથી. જે નામ પોતે જપે છે કે સ્મરે છે, તે નામ પ્રભુનું નામ છે એટલું જ જાણવું ભક્તને માટે પૂરતું થાય છે. પોતે પ્રભુનું મધુર નામ રટી રહ્યો છે એથી વધારે અર્થ ભક્તને જાણીને શું કરવું છે ? તે તો પ્રભુના નામને આનંદથી ગાય છે, ઉલ્લાસથી જપે છે ને સ્મરણના રસથી તરબોળ બને છે. તેનાથી તેને પ્રભુની પ્રાપ્તિ થઈ જાય છે, ને પછી જરૂર હોય તો પ્રભુ પોતે જ તેને પોતાના અર્થ ને પોતાનું રહસ્ય જણાવે છે. બાકી શબ્દાર્થમાં પડવાથી ભાવ કરતાં બુધ્ધિની કસરત જ વધારે સૂઝે છે, ને શંકા વધારે થાય છે.

પ્રભુ તો કેવળ વિશ્વાસથી મળે છે. પ્રભુના નામમાં અટલ વિશ્વાસ એ જ પ્રેમીની મૂળભૂત આવશ્યકતા છે. આની સાથે હૃદયશુધ્ધિ સાધવા કામ, ક્રોધ, દ્વેષ, અભિમાન, મમતા વિગેરેને દૂર કરવા-પ્રયાસ કરવો જોઈએ. નામનો અર્થ નહિ જાણો તો ચાલશે, પણ હૃદયશુધ્ધિ નહિ હોય ને વિશ્વાસ નહિ હોય તો પ્રભુ નહીં મળે. અંધારાનું આવરણ દૂર કરો એટલે પ્રકાશરૂપી પ્રભુ તરત દેખાશે. આ જ જરૂરી વસ્તુ છે ને આની જ પર ભાર મૂકવાનો છે.

જુઓને, આ વિશ્વાસના બળથી વાલ્મીકિ તરી ગયા. ‘મરા મરા’ કરતાં તે પ્રભુદર્શન પામ્યા. નારદજીએ તેમને પ્રભુનામ જપવા કહ્યું. બસ, એ જ તેમને માટે પૂરતું થયું. તેના અર્થની પંચાતમાં તે પડ્યા નહિ. નરસી ને તુકારામ કયા વ્યાકરણ શાસ્ત્રીને ત્યાં ભણ્યા હતાં ? છતાં પ્રેમના બળથી તે પ્રભુને પામી ગયા ને પ્રભુના રહસ્યને તેમની જ દયાથી તેમણે જાણ્યું.

ગંગામાં તમે તેનો ભૌગોલિક ને આધ્યાત્મિક મહિમા જાણીને ન્હાવા પડો, કે તે ગંગા છે એટલું જ જાણીને પડો, પણ તમે ભીંજાવાના તો ખરા જ, ને સ્નાનનો આનંદ પણ તમને મળવાનો. તેવું જ પ્રભુના નામનું છે. માટે તેને તો જપ્યે જ જવું. તેથી પ્રભુ જરૂર મળે. એક સાધારણ માણસનું નામ રટીએ તો પણ આવતું જતું કોઈ તેને ખબર પહોંચાડે, ને નામના પ્રભાવથી તે માણસ છેવટે મળે. તો પછી આ તો સર્વ સમર્થ પરમાત્મા છે, સર્વશક્તિમાન પ્રભુ છે. તે તમારો પોકાર સાંભળીને કેમ ના આવે ? ફક્ત અચલ શ્રધ્ધાથી તે પૂકાર ચાલુ જ રાખવો જોઈએ. તે પૂકાર જ પ્રભુના હૃદયમાં પહોંચી પ્રભુને તમારી પાસે ખેંચી  લાવશે.