Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રશ્ન : મીરાંબાઈએ ઝેરનું અમૃત કરી દીધું એ વાત કેવી રીતે બની હશે ? મીરાંએ પોતાના સંકલ્પથી તેમ કર્યું હશે, કે ઝેર તેના શરીરમાં ગયા પછી અસર નહિ કરી શક્યું હોય ને અમૃતમય બની ગયું હશે ?

ઉત્તર : એનું કારણ ઈશ્વરની કૃપા છે. ઈશ્વરને જે અનન્ય ભાવે દિનરાત ભજે છે, તેની સંભાળ ઈશ્વર રાખે છે. આવી સંભાળ રાખવી તેને ગીતા ક્ષેમ કહે છે. જેણે ઈશ્વરભક્તિ કરી ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે કે ઈશ્વરની કૃપાપ્રસાદી મેળવી છે, તેને સંભાળવાનું ને બચાવવાનું કામ ઈશ્વર કરે છે. ઈશ્વર તેની બધી જ જવાબદારી ઉપાડી લે છે. આ જ કારણથી મીરાંબાઈએ જે ઈશ્વરનો પ્રસાદ માની પીધું તે ઝેર હોવા છતાં પણ ઈશ્વરકૃપાથી અમૃત બની ગયું.

પ્રશ્ન : જો કોઈ જ્ઞાની એ પ્રમાણે ઝેર પીએ કે તેને પીવડાવવામાં આવે તો તેનું અમૃત થઈ શકે ?

ઉત્તર : જ્ઞાની જો કોરો જ્ઞાની હોય - એટલે કે તેણે સમાધિ દ્વારા બ્રહ્માનુભવ ના કર્યો હોય, તો તો તેના પર ઝેરની અસર જરૂર થાય ને તે દુ:ખી થાય. ભલે તે દુ:ખ તે શરીરનું માને. આવો જ્ઞાની તો ભેદભાવથી પર થયેલો ના હોઈ વારંવાર શરીરના ગુણધર્મોથી ચલિત થાય, પરંતુ જો જ્ઞાની પૂર્ણ જ્ઞાની હોય એટલે તેણે આત્મદર્શન કરેલું હોય તો શુધ્ધ સંકલ્પના બળથી તે ઝેરની અસર કે ઝેરને અમૃતમાં પલટાવી શકે છે.

પ્રશ્ન : જ્ઞાનેશ્વરે ઓટલો ચલાવ્યો તે વાતમાં શંકા થાય છે, કેમ કે ચેતનવસ્તુ પર તો જ્ઞાની કે યોગીની સત્તા હોય. પણ જડ પર કેવી રીતે હોઈ શકે ?

ઉત્તર : જ્ઞાની કે યોગીની સત્તા ચેતન પર હોય છે. અલબત્ત, આ સિધ્ધ યોગીઓ ને પૂર્ણ બ્રહ્મદશાને પ્રાપ્ત જ્ઞાનીની વાત છે. આવા મહાપુરુષ પ્રકૃતિ પર વિજય મેળવી શકે છે, આ વાત પાતંજલ યોગદર્શનમાં કહી જ છે. જ્યાં પ્રકૃતિ પર વિજય આવ્યો, એટલે પ્રકૃતિના બધાં જ તત્વો કે પંચમહાભૂત પર પણ વિજય આવી જાય છે. ઓટલો પૃથ્વીતત્વમાં આવી જાય છે, એટલે તેને ચલાવ્યો હોય એમ સમજી શકાય છે. એમાં શંકા જેવું કાંઈ જ નથી. જડ ને ચેતન બંને પર મહાપુરુષનો કાબૂ આવી શકે છે.

પ્રશ્ન : આવા મહાપુરુષ અત્યારે કોઈ હશે ?

ઉત્તર : ઈશ્વરની સૃષ્ટિમાં કોઈ વસ્તુની કમી નથી.   

પ્રશ્ન : તે કેવી રીતે મળે ?

ઉત્તર : પહેલાં તે માટે તમારી યોગ્યતા તૈયાર કરવી જોઈએ. તમે સાચા અધિકારી બનશો એટલે તમારી સામે તે આપોઆપ ને સ્વેચ્છાએ પ્રકટ થશે.
 
પ્રશ્ન : સત્સંગી બહેનો આવે તે પહેલાં જ તમારી પાસે આવી જવાની ઈચ્છાથી આજે અમે વ્હેલા આવ્યા છીએ. સ્ત્રીઓ આવે છે એટલે ગમતું નથી. તત્વજ્ઞાન ને ધર્મની વાતોમાં સ્ત્રીઓ શું સમજી શકે ?

ઉત્તર : તમારી વાણીમાં અભિમાનનો સૂર દેખાય છે. સ્ત્રીઓ ધર્મ ને તત્વજ્ઞાનમાં ના સમજી શકે એ વાત ભૂલભરેલી છે. સ્ત્રી ને પુરુષના બાહ્ય કલેવરની અંદર ડોકિયું કરો તો તેમના આત્મા એક જ છે. એક જ વિશ્વનિયંતા પરમાત્માની તે પ્રતિચ્છાયા છે. બંને ધર્મ ને ઈશ્વરની વાતો સારી પેઠે સમજી શકે છે. તમે જ્ઞાનની મોટી વાતો કરશો ને તે કદાચ સમજી ન શકે તો પણ શું થયું ? તેમનાથી જે ગ્રહણ થશે તે તો તે ગ્રહણ કરશે જ.

ને સ્ત્રી પ્રત્યેનો મીઠો તિરસ્કાર પણ જ્ઞાનીમાં હોવો જોઈએ નહી. એવા ભેદથી ભરેલા જ્ઞાનીને જ્ઞાની કહી શકાય જ નહિ. જ્ઞાની તો સારા જગતમાં ઈશ્વરને જુએ છે. તેને સ્ત્રીનો ડર શા માટે ? ભારતીય સંસ્કૃતિનો મહાન ધર્મગ્રંથ ગીતા શું કહે છે ? ‘મારે શરણે આવવાથી હે અર્જુન ! સ્ત્રી, વૈશ્ય ને શુદ્ર પણ તરી જાય છે.’

હા, તમારા મનની ચંચલતાને દૂર કરો એટલે તમને કોઈ વસ્તુ બાધક નહિ થાય. જે ચંચલ છે, વાસનામય છે, તે મન જ માણસનો સૌથી મોટો શત્રુ છે. તેનાથી જ ચેતતા રહેવાની જરૂર છે.

પ્રશ્ન : મુક્તિ કે જીવનના કલ્યાણને માટે સીધો, સુંદર ને સહેલો ઉપાય ક્યો ?

ઉત્તર : સહેલું તો દુનિયામાં કંઈ જ નથી ને તમે સહેલું શોધો છો પણ શું કામ ? વસ્તુનું મહત્વ જેટલું મોટું, તેટલી જ તેની કિંમત પણ ભારે ચુકવવી જ પડે છે. તે ચૂકાવી આપવામાં જ બહાદુરી છે. તેની કલ્પનાથી ડરીને પાછીપાની કરવામાં કાયરતા છે; બાકી સીધો ને સુંદર ઉપાય પૂછતા હો તો તે પ્રભુનો પરમ વિશ્વાસ - જેને સામાન્ય ભાષામાં ભક્તિ કહે છે તે છે.