Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રશ્ન : વિષયી માણસને ઈશ્વરદર્શન થઈ શકે ?

ઉત્તર : વિષયના રસથી મુક્ત થઈ માણસ પવિત્ર ના બને ત્યાં લગી ઈશ્વરદર્શન કદી થઈ શકે નહિ. કાં તો વિષયમાં કે ઈશ્વરમાં, બેમાંથી એકમાં જ માણસ પ્રીતિ રાખી શકે. ઈશ્વરી પ્રેમ ને ઈશ્વરદર્શન માટે કેવળ ઈશ્વરના જ વિષયમાં રત થઈ જવું જોઈએ.

પ્રશ્ન : ૠષિઓએ મંત્રદ્રષ્ટાના બે અર્થ કહ્યા છે તેનું કારણ શું ?

ઉત્તર : મંત્રદ્રષ્ટાના બે અર્થ છે. એક તો અમુક મંત્ર દ્વારા સાધના કરી માણસે સિધ્ધિ મેળવી હોય તો તે મંત્રનો તે દ્રષ્ટા ઋષિ કહેવાય. આ ગૌણ અર્થ છે. બીજો અર્થ વધારે ગંભીર છે. સમાધિપ્રાપ્ત ઋષિઓને ધ્યાનની તીવ્ર દશામાં કે સમાધિમાં દિવ્ય મંત્રો સ્ફુરે છે, દિવ્ય જ્ઞાન થાય છે, ને તે જ્ઞાનનો તે લોકહિતાર્થે ઉપયોગ કરે છે. આ જ્ઞાન અનંત ને અનાદિ છે : તે કોઈ ઋષિઓએ પોતે ઉપજાવેલું નથી. ઋષિઓ તે અનાદિ જ્ઞાનના દ્રષ્ટા છે. માટે તેમને દ્રષ્ટા અથવા મંત્રદ્રષ્ટા કહ્યા છે. મંત્રદ્રષ્ટાનો આવો અલૌકિક અર્થ છે.

પ્રશ્ન : જેમણે કેવળ આત્મવિષયક ઉપદેશ આપ્યા છે ને જેમણે આત્મોપદેશની સાથે સાથે ભૌતિક, સામાજિક, રાજકીય વગેરે ઉપદેશ આપ્યાં છે, તે બેમાં શ્રેષ્ઠ કોણ ?

ઉત્તર : શ્રેષ્ઠ કોણ તે પ્રશ્ન જ નથી. મહાપુરુષોએ સમયની જરૂરિયાત પ્રમાણે જેવા ઉપદેશની જરૂર હતી તેવો ઉપદેશ આપ્યો છે. ભારતીય ઈતિહાસમાં એવો પણ સમય હતો જ્યારે  લોકો બાહ્ય  ક્રિયાકાંડમાં જ અટવાઈ પડ્યાં હતાં. તે વખતે સદાચાર ને સત્યધર્મના ઉપદેશની જરૂર હતી. આ કામ બુધ્ધ તેમજ શંકરે કર્યું છે. જ્યારે વ્યાસ, વાલ્મિકી, કૃષ્ણ, સમર્થ રામદાસ ને નાનક જેવા મહાપુરુષોએ સમયને અનુકૂળ બની આધ્યાત્મિક ઉપદેશની સાથે સાથે ભૌતિક રીતે પણ સહાયતા કરી છે. જેમ કે નાનકે શીખ સામ્રાજ્ય ને રામદાસે શિવાજી દ્વારા હિંદુ સામ્રાજ્યની સ્થાપના  કરી હતી. ગાંધીજીએ પણ પોતાના સમયને પારખી બંને રીતે ઉપદેશ કર્યો છે. પણ તેથી અમુક મહાત્મા બીજાથી શ્રેષ્ઠ છે, ને અમુક મહાત્માએ ભૂલ કરી છે, એમ નથી. દરેકે દેશકાળને અનુરૂપ શિક્ષાદીક્ષા આપી છે.

પ્રશ્ન : રમણ મહર્ષિ જેવા મહાત્માઓ અત્યારે દેશમાં હશે ?

ઉત્તર : છે.

પ્રશ્ન : તે બધા બહાર આવીને બીજાની જેમ ઉપદેશ, વ્યાખ્યાન કે પ્રવચન શું કામ નથી કરતાં ? તેમ કરવાથી તેઓ વધારે સારી સેવા કરી શકે એમ નથી લાગતું ?

ઉત્તર : સેવા તો તેઓ કરે જ છે. પણ તમે કહો છો તેવી સેવા નહિ. તેનું કારણ જાણવાની જરૂર છે. તેઓ માને છે કે ફૂલ ખીલીને તૈયાર થાય એટલે ભ્રમર આપોઆપ આવે છે તેમ જે જિજ્ઞાસુ ને અધિકારી હશે, જેમને આધ્યાત્મિક ભૂખ લાગી હશે, તે માણસો ઉચ્ચ કોટિના મહાત્માઓને આપોઆપ મળી રહેશે. તેવા પુરુષોને તેમનો રંગ લાગશે, ને તેવા પુરુષો ભલે થોડા નીકળે છતાં કૃપા ને જ્ઞાનપ્રાપ્તિના તેઓ સાચા અધિકારી હશે. આ મહાત્માઓની વિચારસરણી જ આવી છે એટલે તેમને એ રીતે જ સમજવા જોઈએ. જે વ્યાખ્યાનાદિમાં માને તે વ્યાખ્યાનાદિ કરે છે.

વધારે-ઓછી સેવા સેવાના બાહ્ય સ્વરૂપ પરથી નહિ પણ સેવા કરનારની યોગ્યતા, ભાવના ને રીત પરથી નક્કી થાય છે એ ભૂલવું  જોઈએ નહિ.

પ્રશ્ન : ભક્તિ દ્વારા લૌકિક લાભ મળે ખરો ?

ઉત્તર : લૌકિક ને પારલૌકિક બંને પ્રકારના લાભ ભક્તિથી થઈ શકે છે. લૌકિક ઈચ્છાઓ શમી જાય ને ભક્તનું હદય નિર્મળ બની જાય, એવું પ્રભુ ઘણે ભાગે કરી દે છે. છતાં કોઈને લૌકિક સુખસંપત્તિની ઈચ્છા હોય તો તે ઈચ્છા પણ ભક્તિ દ્વારા પૂરી થઈ શકે છે. ભક્તિમાં કોઈ રીતે નુકશાન તો નથી જ નથી, નોકરીમાં પગાર મળે, તહેવાર પ્રસંગે બોણી મળે, ને છેવટે પેન્શન કે પ્રોવિડન્ટ ફંડ મળે, તેમ ભક્તિ દ્વારા લૌકિક લાભ મળવાની સાથે સાથે મુક્તિ જેવો પારલૌકિક લાભ પણ મળી શકે છે. જુઓ, ધ્રુવ ને પ્રહલાદને પ્રભુ મળ્યા ને રાજ પણ મળ્યું. પણ તેમને રાજની તમા ન હતી. રાવણે ભક્તિ દ્વારા અપાર બળ ને સંપત્તિ મેળવી. ભક્તિ દ્વારા જગતની કોઈ વિનાશી વસ્તુ મેળવવા કરતા પ્રભુને મેળવવા તે જ સૌથી ઉત્તમ છે. છતાં તમારે લૌકિક લાભની ઈચ્છા હોય તો તે પણ મેળવી શકાય છે એમાં સંદેહ નથી. તમારી એવી ભક્તિ સકામ અથવા તો ગીતાની ભાષામાં અર્થાર્થી ભક્તની ભક્તિ કહેવાશે. નિષ્કામ ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે ને તે જ કરવા યોગ્ય છે.