શ્રી યોગેશ્વરજી દ્વારા પોલ બ્રન્ટન કૃત 'A Hermit in the Himalayas' નું ગુજરાતી ભાષાંતર. * જીવનના ઉચ્ચોચ્ચ આધ્યાત્મિક રહસ્યોના ઉદ્દઘાટનની ઈચ્છાવાળા, આત્મિક ઉન્નતિની સાધનાના સર્વોત્તમ શિખર પર પહોંચીને સનાતન શાંતિની અભિરુચિવાળા, અસાધારણ સંસ્કાર-સંપન્ન આત્માઓનો આવિર્ભાવ જેમ ભારતમાં થાય છે તેમ અન્યત્ર પણ થતો રહે છે. એ સત્યના સાક્ષાત્કાર માટે કૃતસંકલ્પ બનીને ઉત્સાહપૂર્વક આગળ વધે છે અને વૈજ્ઞાનિક વિચારધારાને વફાદાર રહીને અવનવા પ્રયોગો કરે છે, કષ્ટો વેઠે છે, અને અનુભવો મેળવે છે. પ્રસ્તુત પુસ્તકમાં એવા એક અસાધારણ પ્રતિભાસંપન્ન પ્રયોગવીરના અનુભવનો ઈતિહાસ છે. એ પ્રયોગવીર પૉલ બ્રન્ટન, હિમાલયના દિવ્ય મહિમાથી આકર્ષાઈને ત્યાં ગયા, વસ્યા, અને કેવા કેવા અનોખા અનુભવોમાંથી પસાર થયા, તેનો અદભૂત આહલાદક ઈતિહાસ ખરેખર પ્રેરક તથા રસપ્રદ છે. ‘ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં’ નામના પુસ્તકના લેખક શ્રી પૉલ બ્રન્ટન એ પુસ્તકમાં વર્ણવેલ અનેકવિધ અનુભવોમાંથી પસાર થયા પછી હિમાલયની દૈવી ભૂમિમાં આત્મિક શાંતિ માટે રહેલા. એમણે એ સમયનાં સંસ્મરણોને જે રીતે લિપિબદ્ધ કર્યાં છે તે રીત અન્ય સાધકોનો ઉત્સાહ વધારનારી અને ઉપયોગી છે. એથી અનેકને લાભ થશે અને માર્ગદર્શન મળશે. ‘ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં’ની પેઠે પ્રસ્તુત પુસ્તક પણ લોકપ્રિય બનશે એવી આશા છે. - યોગેશ્વર | | |