હે નાથ જોડી હાથ
હે નાથ જોડી હાથ
MP3 Audio
હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ માંગીએ,
શરણું મળે સાચું તમારું એહ હૃદયથી માંગીએ,
જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.
વળી કર્મનાં યોગે કરી જે કુળમાં એ અવતરે,
ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે,
લાખ ચોરાશી બંધનોને લક્ષમાં લઈ કાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.
સુખ-સંપત્તિ, સુવિચાર, સતકર્મનો દઈ વારસો,
જન્મો જનમ સતસંગથી કિરતાર પાર ઉતારજો,
આ લોક ને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.
મળે મોક્ષ કે સુખ સ્વર્ગનાં આશા ઉરે એવી નથી,
દ્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી,
સાચું બતાવી રૂપ શ્રી પ્રભુજી હૃદય તમ સ્થાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.
Comments
વ્હાલાજી હું એટલું માંગી લવ
તારા ચરણ કમળ માં રંવ...
આ સંસાર અસાર છે કેછે પણ, હું કેમ માંગી લવ
હરિનું બનાવેલું હોય મજાનું, એને સમજી લવ...
મુક્તિ કેરો મોહ નથી ભલે, અવિરત જનમો લવ
પણ ભવે ભવે હું માનવ થઈ ને, ગોવિંદ ગાતો રવ...
બાલા વય માં બ્રહ્મ ના વિસારૂં, કૃષ્ણ લીલા રસ લવ
દીન દુખી ને આપું દિલાસા, પીડા પર ની હરી લવ...
દીન "કેદાર" ની એક જ અરજી, તારી નજરમાં રવ
શ્વાસે શ્વાસે સમરણ કરતાં, અંત ઘડી ને માણી લવ....