રામબાણ વાગ્યા હોય તે જાણે
રામબાણ વાગ્યા હોય તે જાણે.
ધ્રુવને વાગ્યાં, પ્રહલાદને વાગ્યાં, ઠરી બેઠા ઠેકાણે,
ગર્ભવાસમાં શુકદેવજીને વાગ્યાં, વેદ-વચન પરમાણે.
મોરધ્વજ રાજાનાં મન હરી લેવા, વહાલો પધાર્યા તે ઠામે,
કાશીએ જઈને કરવત મેલાવ્યાં, પુત્ર-પત્ની બેઉ તાણે.
બાઈ મીરાં ઉપર ક્રોધ કરીને, રાણો ખડગ લઈ તાણે,
ઝેરના પ્યાલા ગિરધરલાલે, અમૃત કર્યા એવે ટાણે.
નરસિંહ મેહતાની હૂંડી સિકારી, ખેપ કરી ખરે ટાણે,
અનેક ભક્તોને એણે ઉગાર્યા, ધનો ભગત ઉર આણે.
- ધનો ભગત