if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દેવપ્રયાગ
તા. ૩૧ જાન્યુ. ૧૯૪૬

પરમપ્રિય ભાઈ,

પત્ર મળ્યો. વાંચી આનંદ થયો. શ્રી ચક્રધરજી હજી અહીં જ છે. બનતાં સુધી વસંતપંચમી પછી તે તરફ આવવાનું નક્કી કરશે. અથવા હોળી પણ અહીં થઈ જાય. મારું આવવાનું તો ચોક્કસ નથી. બધું જ ઈશ્વરની ઈચ્છા પર અવલંબે છે. ગુજરાતનો સમય તો શિયાળામાં જ વિશેષ સુંદર રહે છે. હવે તો તે સમય પૂરો થવા આવ્યો. એટલે આવવાનું અશક્ય જેવું છે, વળી આ વખતે આવવાની એટલી બધી ઈચ્છા પણ થતી નથી.

તને મળવા માટે ઈચ્છા થાય છે તે જાણ્યું. જ્યાં પ્રેમ હોય ત્યાં આ વસ્તુ સ્વાભાવિક છે. ને તારો પ્રેમ તો ઘણો જૂનો ને મજબૂત તથા દિવ્ય છે. તેથી મિલનની ઈચ્છા કોઈ આશ્ચર્ય નથી. પણ શું થાય ? આટલે દૂર હોવા છતાં પણ આત્મસ્વરૂપે તો હું તારી નજીક- સૌથી નજીક છું. સ્થૂલરૂપે દૂર રહીને પણ તારી પવિત્ર પ્રેમધારાને ભૂલી શકવા અસમર્થ છું. આ સંસારમાં મેં કોઈની આગળ શિર ઝુકાવ્યું નથી, તેમજ આત્મગૌરવના સદગુણમાં કોઈનું કશું માન્યું પણ નથી, પરંતુ પ્રેમના આ દૈવી દેવની પાસે હું હંમેશ માટે એક સુમન છું. ને હૃદયમાં ગંગા થઈને વહ્યા કરું છું. તારામાં પૂર્વજન્મના ફલસ્વરૂપ ખૂબ ખૂબ સારા સંસ્કારો છે, ને તેને લીધે જ અમારા જેવા અનિકેત પ્રેમીઓ પર પ્રેમ પણ થાય છે.

સંસારમાં રહેતાં ને તેની અનેકવિધ પ્રવૃત્તિઓમાં બાહ્ય દૃષ્ટિએ મળી જવા જેવું જીવન જીવવા છતાં આત્મામાંથી પૂર્ણ નિર્લેપ રહેવું જોઈએ ને એક ક્ષણને માટે પણ ભૂલવું ન જોઈએ કે સંસારનો આ બધોયે ચમત્કાર, આ સર્વ ખેલ એક વાર અદૃશ્ય થઈ જવાનો છે; ને બહુ જ શક્ય છે કે તે પહેલાં આપણો સ્થૂલ વેશ જ પલટાઈ જવાનો છે. નાટકમાં વેશ ભજવનાર કોઈ પાત્રની જેમ પાઠ પૂરો કરવાનો છે, પણ આપણે કોણ છીએ તે વિચાર હંમેશ માટે તાજો રાખવાનો છે, ને સમય આવ્યે આ બધાય વેશ ને આડંબરને એક બાજુએ ફગાવી પોતાના સત્ય સ્વરૂપમાં સ્થિત થઈ જવાનું છે.

જ્યારે જ્યારે કોઈ અસ્પષ્ટ વાતાવરણ જાગે કે ‘શું સારું ને શું નરસું’ની ગડમથલ ચાલે તથા સ્પષ્ટ માર્ગનું દર્શન ના થાય, ત્યારે મહાન આત્માઓનો વિચાર કરવો જોઈએ. મહાન આત્માઓ એટલે વીર કે પરાક્રમી પુરુષો નહિ, પરંતુ એ અલૌકિક પુરુષો જેમણે જીવનના ઉચ્ચોચ્ચ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સંસારના પ્રલોભનાત્મક પદાર્થોની આસક્તિને તોડી નાખી હતી. આ લોકોને શું જીવન પ્રિય ન હતું ? શું તેમને પણ જીવનનો રસ માણવો ન હતો ? શું તે પણ આનંદના પ્રદેશમાં સ્થિત થવા ઈચ્છતા ન હતા ? અલબત્ત, તેમની તે માટે ઈચ્છા હતી જ, પરંતુ તેમને સાથે સાથે ખબર હતી કે સંસારનો જે રસ ને આનંદ, કે જે ઈન્દ્રિય કે મનની અનુભૂતિની અંતર્ગત આવી જાય છે ને માણસ એક ગુલામની જેમ તેનો ભોગ કરે છે, તેના કરતાં વધારે સ્થાયી ને સાચો રસ કે આનંદ તો મન ઈન્દ્રિયથી પર છે, ને તે મનુષ્યને પ્રાપ્ત થાય છે જે એક સ્વામી છે માટે સત્ય આનંદને માટે સ્વામી થવાની જરૂર છે ને આ સ્વામી એટલે મન ને ઈન્દ્રિયના સ્વામી, પ્રકૃતિના અધિષ્ઠાતા.

કેવલ ધન કે વૈભવ ને સાંસારિક પ્રવૃત્તિની અંદર સમાપ્ત થનારું જીવન એ આવા દિવ્ય જીવનની આગળ કશી જ કીંમતનું નથી, ને તેવા જીવનથી આગળ વધવાની તાલાવેલી ના જાગે ત્યાં લગી સાચા જીવનની શરૂઆત પણ નથી. પણ તેનો અર્થ એમ નથી કે વર્તમાન જીવનને માટે તીવ્ર અસંતોષ ઉત્પન્ન કરી દેવો અથવા તો તેનો સદંતર ત્યાગ કરવો. તેથી તો ઘણી વાર વધારે ખરાબ પરિસ્થિતિ પણ જન્મે. કેમ કે જ્ઞાન કે સમજ વિનાના કેવલ પરિવર્તનથી કશું જ વળતું નથી. એટલે સુંદર ઉપાય એ જ છે કે વર્તમાન જીવનમાં એક સતત સાધક બની જવું; તેનો લાભ લઈ બને તેટલા શુદ્ધહૃદય, વિચારક ને ક્રિયાશીલ થવા મથ્યે જવું. આ જ સુંદર ને સાચો સર્વસાધારણ માર્ગ છે. આમ કરતાં કરતાં, એટલે કે સંસારના વ્યવહાર કરતાં કરતાં ને સાધના પણ ચાલુ રાખતાં એક સમય એવો આવશે જ્યારે આત્મદર્શન થશે, પૂર્ણ જ્ઞાન પણ પ્રાપ્ત થશે ને સાચું જીવન મળશે.

યોગાશ્રમમાં જવાનું ચાલુ હશે. નેતિ તથા ધોતી આવડી ગઈ હશે. બને તો બસ્તી પણ કરી લેવી. શરીર શુદ્ધિને માટે તે ખૂબ જ ઉપયોગી છે. ઉપરાંત કુંડલિની જાગરણમાં પણ સહાયક છે. માટે જરૂર શીખવી. આસનનો અભ્યાસ રોજ કરવો. ખાસ કરીને શીર્ષાસન ૦॥ કલાક જેટલું નિયમિત કરવું. યોગાશ્રમનો પણ પૂરો ઉપયોગ કરી લેવો. આગળ માટે સહાયક થાય છે.

જાણ્યું છે કે ગૂજરાતના કવિસમ્રાટ ન્હાનાલાલે શરીરત્યાગ કર્યો. ન્હાલાલ એટલે ગૂજરાતના મહાનમાં મહાન કવિ. પણ તેમનું હૃદય ભક્તહૃદય પણ હતું તે ગયે વરસે ખબર પડી. ગયે વરસે ન્હાનાલાલને મળવાનો પ્રસંગ આવ્યો. તે પોતે કામ પ્રસંગે બંગલે આવેલા. તેમણે ભાઈને કહેલા શબ્દો હજી યાદ છે. તેમણે કહ્યું હતું : ‘તમારો બંગલો શાથી વધારે સુંદર લાગે છે તે તમને ખબર છે ? આ ત્યાગી મહાત્મા પુરુષથી ?’ અનંતસૂરના થોડાં કાવ્યો જોઈને તેમણે કહેલું: ‘તમે તો ભારે મંથન કર્યું છે, ને નવનીત ઉતાર્યું છે.’ તેમને ત્યાં આમંત્રણ પણ આપેલું. અમે ગયા તો તે ખૂબ સાદા પોશાકે હાથમાં તંબૂરો લઈને ભજન ગાતા હતા. એ ચિત્ર ભૂલી શકાય તેમ નથી.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.