if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

विद्यां चाविद्यां च यस्तद्वेदोभयँ सह ।
अविद्यया मृत्युं तीर्त्वा विद्ययाऽमृतमश्नुते ॥११॥

vidyam chavidyam cha yastadvedobhayaD saha ।
avidyaya mrtyum tirtva vidyaya'mrtamasnute ॥ 11॥

જ્ઞાનતત્વને જે જાણી લે, જાણે કર્મનું તત્વ વળી,
કર્મ કરી તે મૃત્યુ હણી લે, જ્ઞાનથી અમર જાય બની.
દ્વંદ્વમોહ ને અહંભાવને કર્મ કરીને જાય તરી,
પછી જ્ઞાનથી અમૃતરૂપી પરમાત્મામય જાય બની. ॥૧૧॥

અર્થઃ

યઃ - જે માનવ
તત્ ઉભયમ્ - એ બંનેને (એટલે કે)
વિદ્યામ્ - વિદ્યાને
ચ - તથા
અવિદ્યામ્ - અવિદ્યાને
ચ - પણ
સહ - સાથેસાથે
વેદ - જાણી લે છે (તે)
અવિદ્યયા - અવિદ્યાથી
મૃત્યુમ્ - મૃત્યુને
તીર્ત્વા - તરી જઇને
વિદ્યયા -વિદ્યાની મદદથી
અમૃતમ્ - અમૃતને
અશ્નુતે - ભોગવે છે અથવા પરબ્રહ્મ પરમાત્માને પામી લે છે.

ભાવાર્થઃ

વિદ્યા અને અવિદ્યા બંને એવી એકદમ અલગ વસ્તુઓ છે જેમની વચ્ચે કોઇપણ પ્રકારે, કોઇપણ પ્રકારનો સંમિલનસેતુ ના બંધાય ? એમની અંદર કદાપિ એકવાક્યતા નથી થઇ શકે તેમ ? શાસ્ત્રજ્ઞાન, આત્મવિદ્યા અને ભૌતિક કે લૌકિક વિદ્યાઓ પરસ્પર વિરોધી દેખાતી હોવા છતાં પણ એમની વચ્ચે અવિરોધ નથી સ્થાપી શકાય તેમ ? અવિદ્યાનો અર્થ પરંપરાગત રીતે પ્રચલિત માન્યતા પ્રમાણે કર્મ કરીએ તોપણ આત્મજ્ઞાન સાથે એનો સુમેળ નથી સાધી શકાય તેમ ? આપણે ત્યાં પ્રાચીન કાળથી એક પ્રકારના વિદ્વાનો કે વિચારકો કેવળ આત્મજ્ઞાનને જ જીવનના આત્યંતિક અભ્યુદયને માટે અગત્ય આપે છે. તો બીજા પ્રકારના વિદ્વાનો કે વિચારકો લૌકિક વિદ્યાઓને જ ભૌતિક અભ્યુત્થાનને માટે આવશ્યક લેખે છે. બંને પ્રકારના વિચારકો એકમેકને ઉપેક્ષાની નજરે પણ નિહાળે છે. ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ જેવા એ બંને પરસ્પર વિરોધી છેડાઓની વચ્ચે કોઇ પ્રકારનું સુખદ જીવનોપયોગી સાંમજસ્ય સ્થાપી શકાય તેમ છે ખરું ? કે પછી એ બંને અલગ અલગ રીતે રિપુભાવે રહેવા જ સરજાયેલા છે ? આ શ્લોક એનો સમ્યક્ સુવિચારપૂર્વકનો ઉત્તર પૂરો પાડે છે.

અહીં વિદ્યા અને અવિદ્યાને બંનેને જે સાથેસાથે (ઉભયં સહ) જાણે છે એવું કહેવામાં આવ્યું છે. એ કથન સમન્વયાત્મક હોઇને વિદ્યા અને અવિદ્યાના સમન્વયને સૂચવે છે. વિદ્યા અને અવિદ્યા બંનેની, અદ્યાત્મવિદ્યા અને અનાત્મવિદ્યા અથવા લૌકિક વિદ્યા બંનેની, વ્યક્તિગત અને સમષ્ટિગત જીવનવિકાસમાં પોતપોતાની રીતે આવશ્યકતા છે એવું મંતવ્ય રજૂ કરે છે. અધ્યાત્મવિદ્યાની અભિરુચિવાળા કેટલાય માનવો આધ્યાત્મિકતાને નામે લૌકિક વિદ્યાઓનો અથવા ભૌતિક સમૃદ્ધિ અને સમુન્નતિનો તિરસ્કાર કરે છે અને લૌકિક વિદ્યાઓમાં કે સાંસારિક સમૃદ્ધિ અને સમુન્નતિમાં માનનારા આધ્યાત્મિકતાની અવજ્ઞા કરે છે, હાંસી ઉડાવે છે. આદર્શ સામાજિક જીવનનાં એ બંને ભયસ્થાનો છે, અને એમાંથી ઉગરવાનું આવશ્યક છે. વ્યક્તિગત તથા સમષ્ટિગત જીવનની પરિપૂર્ણતા માટે એ ભયસ્થાનોમાંથી બહાર નિકળવાનું ધ્યાન રાખવું જોઇએ.

જ્યાં કેવળ આધ્યાત્મિક ઉત્કર્ષને જ સર્વકાંઇ સમજીને ભૌતિક વિકાસ પ્રત્યે આંખમીંચામણાં કરવામાં આવે છે, ભૌતિક વિકાસની અવહેલના થાય છે ત્યાં ભૌતિક રીતે માનવ પછાત રહી જાય છે, એ કંગાળ થાય છે, દૈન્ય અને પરાધીનતાનો શિકાર બને છે, અને મૃતપ્રાય બનીને જીવે છે. એથી ઉલટું, ભૌતિક વિકાસમાં રચ્યોપચ્યો રહેનારો આધ્યાત્મિકતાની અભિરુચિ વિનાનો માનવ આત્મા વિનાના શરીર જેવો લાગે છે. એ શરીરમાં અને સંસારમાં કેદ થઇ જાય છે પરંતુ આત્માને નથી ઓળખતો અને આત્માનાં રહસ્યોનું ઉદ્ઘાટન કરવા આગળ વધીને જીવનને નિવિષ્ટ, નિર્વાસનિક, પરિપૂર્ણ અને અમૃતમય નથી બનાવી શકતો.

એટલે જ એ બંનેનો સમુચિત ન્યાય કરવાની કે સ્થાન આપવાની અથવા એમનો સમન્વય સાધવાની આવશ્યકતા છે. એનું પરિણામ કેટલું બધું કલ્યાણકારક આવશે એ આટલી ચર્ચાવિચારણા પરથી સહેલાઇથી સમજી શકાશે. ભૌતિક વિદ્યાઓ દ્વારા સધાયેલો વિકાસ મૃત્યુને તરવામાં, મૃત્યુમાંથી મુક્તિ મેળવવામાં મદદરૂપ બનશે. દુઃખ, દરદ, દીનતા, ચિંતા, કંગાલિયત અને પરાધીનતા મૃત્યુ છે; એ બધાં જીવંત મૃત્યુના પર્યાયરૂપ છે. અને અધ્યાત્મવિદ્યા અથવા આધ્યાત્મિકતાથી અમૃતમય બનશે અથવા જીવનની વિશુદ્ધિને સાધીને મન-બુદ્ધિ-ઇન્દ્રિયોનું નિયંત્રણ કરવાની કળામાં કુશળ થઇને, પરમાત્માની પ્રાપ્તિ કરી શકાશે.

સંક્ષેપમાં કહીએ તો કહી શકાય કે જીવનને પ્રશાંત તથા પૂર્ણ કરવા માટે આધ્યાત્મિક બનાવવું જોઇએ. જીવનને અધ્યાત્મ પ્રત્યે વિમુખ બનવું અને આધ્યાત્મિકતાએ જીવન તથા જગત સાથે સંબધવિચ્છેદ કરવાને બદલે એમના પ્રત્યે અભિમુખ થવું જોઇએ અથવા એમની ઉપર પોતાનો પ્રભાવ પાડવો જોઇએ. અવિદ્યાનો અર્થ કર્મ કરીએ તોપણ કર્મ દ્વારા જ જીવનને જ્યોતિર્મય, સુખી, સમૃદ્ધ અને જીવવા જેનું બનાવી શકાય એ સહેલાઇથી સમજાય તેમ છે.

અમૃતમય પરમાત્માની પ્રાપ્તિ અથવા અપરોક્ષાનુભૂતિથી જ મૃત્યુંજયી બની શકાય છે, ધન્ય થવાય છે અને પોતાના શુદ્ધ-બુદ્ધ-મુક્ત આત્મસ્વરૂપને આળખાય છે. એ પછી માનવ પોતાને પંચમહાભૂતના સ્થૂળ શરીરમાં સીમિત નથી સમજતો પરંતુ સમસ્ત સંસારમાં વ્યાપક માને છે. સંસારની સાથે આત્મીયતાનો અનુભવ કરે છે. એ અમૃતમય બને છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.