કેનોપનિષદ

Chapter 1, Verse 06

यन्मनसा न मनुते येनाहुर्मनो मतम् ।
तदेव ब्रह्म त्वं विद्धि नेदं यदिदमुपासते ॥६॥

yan manasa na manute
yenahur mano matam
tad eva brahma tvam viddhi
nedam yad idam upasate

મનથી ના સમજાયે જે, પણ જેનાથી મન બલ પામે,
તે જ બ્રહ્મ છે; નથી નથી તે જેને ચંચલ મન માને. ॥૬॥

અર્થઃ

યત્ - જેને
મનસા - મન દ્વારા
ન - નથી
મનુતે - સમજી શકતું (કોઇ)
(અપિ તુ - પરંતુ)
યેન - જેને  લીધે
મનઃ - મન
મતમ્ - જાણેલું થઇ જાય છે.
તત્ - તેને
એવ - જ
ત્વમ્ - તું
બ્રહ્મ - બ્રહ્મ
વિદ્ધિ - જાણી લે.
ઇદમ્ યત્ - મન તથા બુદ્ધિ દ્વારા જણાનારા જે તત્વને
ઉપાસતે - જનતા ઉપાસે છે
ઇદમ્ - એ
ન - બ્રહ્મ નથી.

ભાવાર્થઃ

જે વાણીના વિષયમાં છે તેવું જ મનના સંબંધમાં પણ સમજી લેવાનું છે, મન એ પરમાત્માનું ચિંતનમનન કરવાની કોશિશ કરે તો પણ એનું ચિંતનમનન અધૂરું જ રહે છે. પરમાત્મા મન તથા બુદ્ધિથી અતીત હોવાથી, એમના સપૂર્ણ સ્વરૂપનો વિચાર અથવા નિર્ણય મનબુદ્ધિ દ્વારા નથી થઇ શકતો. મનની મદદથી પરમાત્મા વિશે જે કાંઇ ચિંતનમનન કે પરિશીલન કરવામાં આવે છે તે મર્યાદિત હોય છે. પરમાત્માના સમ્યક ચિંતનમનન અને અનુભવાત્મક જ્ઞાનને માટે માનવે મનથી ઉપર ઉઠવું પડે છે, ધ્યાનની અંતરંગ સાધનાનો આધાર એને માટે જ લેવાતો હોય છે.

મન પરમાત્માને નથી પકડી શકતું, નથી સમજી શકતું અને પરમાત્માનું પૂરેપૂરું ચિંતનમનન નથી કરી શકતું એ સાચું છે, પરંતુ એ પણ એટલું જ સાચું છે કે એ પરમાત્માની પરમશક્તિ પર નિર્ભર છે. પરમાત્માની લીધે જ એ સજીવ બને છે અને એની અંદર ચિંતનમનન કરવાની શક્તિ પ્રકટી શકે છે. મન અથવા બુદ્ધિના સઘળા વ્યાપારો એમને લીધે જ શક્ય બને છે. એટલે મનનો આધાર લઇને અંતર્મુખ બનાવનારી ધ્યાનની શાંત સાધનામાં ધીમેધીમે આગળ વધવાથી છેવટે મનબુદ્ધિથી પર પરમાત્માની પાસે પહોંચી શકાય છે.

ઋષિ જણાવે છે કે મનની મર્યાદામાં રહીને મન દ્વારા નિર્ણય કરીને મનની મદદથી પરમાત્માને માટે જે સાધના થાય છે તે સાધના સાચી અથવા સંપૂર્ણ નથી. પરમાત્માને જગતમાં જુદીજુદી રીતે માનવામાં કે ઉપાસવામાં આવે છે. પરંતુ એમને મનના સ્વામી, શક્તિપ્રદાયક તથા મૂળાધાર માનીને ઉપાસવા એ જ બરાબર છે, વધારે સારું છે.


We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.