કેનોપનિષદ

Chapter 1, Verse 08

यच्छ्रोत्रेण न शृणोति येन श्रोत्रमिदं श्रुतम् ।
तदेव ब्रह्म त्वं विद्धि नेदं यदिदमुपासते ॥८॥

yac chhrotrena na shrinoti
yena shrotram idam shrutam
tad eva brahma tvam viddhi
nedam yad idam upasate

કર્ણથકી ના સંભળાય, પણ જેથી બલ કર્ણો પામે,
તે જ બ્રહ્મ છે; નથી નથી તે સુણવામાં જે કૈં આવે. ॥૮॥

અર્થઃ

યત્ - જેને
શ્રોત્રેણ - કાનથી (કોઇપણ)
ન - નથી
શ્રૃણોતિ - સાંભળી શકતું
(અપિ તુ - પરંતુ)
યેન - જેનાથી
ઇદમ્ - આ
શ્રોત્રમ્ - કાન
શ્રુતમ્ - સાંભળેલા બને છે.
તત્ એવ - તેને જ
ત્વમ્ - તું
બ્રહ્મ - બ્રહ્મ
વિદ્ધિ - જાણી લે
ઇદમ્ યત્ - કાનથી જણાતા જે તત્વને
ઉપાસતે - ઉપાસવામાં આવે છે.
ઇદમ્ - તે
ન - બ્રહ્મ નથી.

ભાવાર્થઃ

અત્યાર સુધીના વિષયના અનુસંધાનમાં આ શ્ર્લોકમાં આગળ કહેવામાં આવે છે કે સાંભળવામાં આવનારા પદાર્થની અથવા સ્થૂળ કાન દ્વારા સંભળાતી જે પણ સામગ્રીની ઉપાસના કરવામાં આવે છે એ ઉપાસના પરમાત્માની નથી. એ બધી પ્રકૃતિની ઉપાસના છે. સાધકે એમાં આસક્તિ કરવાને બદલે પરમાત્મામાં પ્રતિષ્ઠીત થવું જોઇએ. એ પરબ્રહ્મ પરમાત્માની પૂરી માહિતી કાનથી સાંભળીને નથી મેળવી શકાતી. શાસ્ત્રશ્રવણાદિ દ્વારા જે માહિતી મળે છે એ તો અત્યંત અલ્પ અથવા આંશિક જ હોય છે. એમની સંપૂર્ણ સ્વાનુભવપૂર્ણ માહિતી મેળવવા માટે તો કાન જેવી બીજી બધી જ ઇન્દ્રિયોના પ્રદેશથી તથા વ્યાપારથી ઉપર ઉઠવું પડે છે, અથવા અતીન્દ્રિય અવસ્થામાં પ્રવેશવું પડે છે.

પરમાત્માની સનાતન શક્તિને લીધે જ કાન સાંભળી શકે છે. કાન સુધી પહોંચનારું અને કાનમાંથી બહાર નિકળનારું શક્તિકિરણ એનું જ છે એવું સમજીને પરમાત્માની જ્ઞાનપૂર્વક ઉપાસના કરવી જોઇએ.

કાન પરમાત્માની શક્તિથી જ સાંભળે છે એવું સમજીને જે કાંઇ સાંભળીએ તો શુભ, મંગલ અને જીવનોપયોગી સાંભળવાનો જ આગ્રહ રાખવો જોઇએ. એવી ટેવ પડી જવી જોઇએ. અપશબ્દ, નિંદા અને બૂરી વાતો ન સાંભળવી જોઇએ. આંખ પરમાત્માની શક્તિથી જુએ છે એવું સમજીને જે પણ જોઇએ તે પવિત્ર દ્રષ્ટિથી જ જોઇએ, સર્વત્ર પરમાત્માની પરમસત્તાનું દર્શન કરતાં શીખીએ, વિકાર-વાસના અને શત્રુતાની દ્રષ્ટિથી ના જોઇએ. મનની પાછળ રહેવાની શક્તિ પણ પરમાત્માની છે એવું યાદ રાખીને જે મનન કે ચિંતન કરીએ તે સારું કરીએ, ઉત્તમ કરીએ. મનને મંગલમય ભાવો તથા વિચારોથી ભરી દઇએ. પવિત્ર રાખીએ. એને દુર્બુદ્ધિવાળું કરવાને બદલે સદબુદ્ધિથી સંપન્ન કરીએ, આપણા અને બીજાના કલ્યાણની યોજના ઘડીએ. વાણીની પાછળ પણ એ જ પરમાત્માનું પ્રેરક બળ રહેલું છે એવું માનીને કટુ ભાષણ ના કરીએ. અપશબ્દો ના બોલીએ. આવશ્યક હોય તેટલું જ બોલીએ. સત્ય, મધુર અને હિતકારક બોલવાનો ને વાણી દ્વારા પોતાની ને બીજાની સેવા કરવાનો આગ્રહ રાખીએ. વાણીનો દુરુપયોગ કદાપિ ના થવા દઇએ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.