કેનોપનિષદ

Chapter 3, Verse 02

तद्धैषां विजज्ञौ तेभ्यो ह प्रादुर्बभूव तन्न व्यजानत किमिदं यक्षमिति ॥२॥

tad dhaisham vijajnau tebhyo ha pradurbabhuva
ta na vyajanata kim idam yaksham iti.

દેવ થયા વિજયી યુદ્ધમહીં પ્રભુની કેવલ શક્તિથકી,
પરંતુ ઈન્દ્ર વગેરે દેવો બનવા માંડ્યા અભિમાની.
અમે જ યુદ્ધ ખરેખર જીત્યું એમ કહેતા તે વાણી,
દિવ્ય યક્ષનું રૂપ લઈને પ્રકટ્યા પ્રભુ ત્યારે આવી. ॥૧-૨॥

અર્થઃ

તત્ - એવું પ્રસિદ્ધ છે કે એ પરમાત્માએ
એષામ્ -અ દેવોના (અભિમાનને)
વિજજ્ઞૌ - જાણી લીધું (અને એમના અભિમાનનો અંત આણવા)
તેભ્યઃ - એમની આગળ
હ - જ
પ્રાદુર્બભૂવ - સાકારરૂપમાં પ્રકટ થયા.
તત્ - એને (યક્ષરૂપે પ્રકટેલા પેખીને પણ)
ઇદમ્ - આ
યક્ષમ્ - દિવ્ય યક્ષ
કિમ્ ઇતિ - કોણ છે એ વાતને
વ્યજાનત - દેવો ના જાણી શક્યા.

ભાવાર્થઃ

પરમાત્મા અતર્યામી હોવાથી એમનાથી કશું પણ અજાણ્યું નથી હોતું. દેવોના મિથ્યાભિમાનને એ સમજી ગયા. સમજીને કાંઇ પણ ઉપાય કર્યા વિના એનો ઉપાય કર્યા વિના બેસી રહે તો તે પરમાત્મા શેના ? જીવ ભૂલ કરે છે, અહંકારથી અંધ બને છે, ને પરમાત્માને ભૂલે છે, તો પરમાત્મા એના પ્રત્યેની અનંત અહેતુકી અનુકંપાથી પ્રેરાઇને એની ભૂલને સુધારવાનો, એના અહંકારને ઓગાળવનો અને એને પોતાનું ફરીવાર સ્મરણ કરાવવાનો પ્રયત્ન કરે છે. જે વિષયગામી બને છે તેને સન્માર્ગગામી બનાવે છે. પથભ્રાંતને સાચા પથનું સ્મરણ કરાવીને પથ પર મુકે છે. એમની કૃપા અસીમ છે. જીવ એમને ભુલે તોપણ એ જીવને નથી ભુલતા. જીવ એમનાથી વિમુખ થાય અથવા એમનો વિરોધી થાય તોપણ એ વિમુખ અથવા વિરોધી નથી બનતા. એ તો માતાની પરમ મમતાથી સદા સંપન્ન હોય છે. એમણે અહંકારની ગાઢ અસર નીચે આવેલા દેવોના દૃષ્ટિદોષને દુર કરવા યક્ષનું સ્વરૂપ લીધું. દેવોએ એમને જોયા તો ખરા પણ ઓળખ્યા નહિ. એટલી એમની અશક્તિ કહેવાય. જીવ ગમે તેટલું અભિમાન કરતો હોય તોપણ છે તો અલ્પજ્ઞ અને અલ્પ શક્તિવાળો જ . એનું અભિમાન અસ્થાને છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.