Text Size

Kriya (ક્રિયા)

Kapalbhati (કપાલભાતિ)

હઠયોગ પ્રદીપિકામાં કપાલભાતિ વિશે આ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવેલો છે.

अथ कपालभातिः ।
भस्त्रावल्लोहकारस्य रेचपूरौ ससम्भ्रमौ ।
कपालभातिर्विख्याता कफदोषविशोषणी ॥३५॥
षट्कर्म निर्गतस्थौल्य कफदोष मलादिकः ।
प्राणायामं ततः कुर्यादनायासेन सिद्ध्यति ॥३६॥
प्राणायामैरेव सर्वे प्रशुष्यन्ति मला इति ।
आचार्याणां तु केषांचिदन्यत्कर्म न संमतम् ॥३७॥

સંસ્કૃત ભાષામાં કપાલ નો અર્થ ખોપરી અને ભાતિનો અર્થ ચમકવું અથવા પ્રકાશિત દેખાવું તેવો થાય છે. અર્થાત્ કપાલભાતિ કરવાથી મુખપ્રદેશ અને વિશેષતઃ કપાળનો ભાગ તેજોમય બને છે. કપાલભાતિમાં શ્વાસને ધમણની માફક અંદર અને બહાર કાઢવાનો હોવાથી ઘણાં એમ માને છે કે એ પણ પ્રાણાયામ જ છે. પરંતુ પ્રાણાયામમાં શ્વાસ અંદર લેવો (પૂરક ક્રિયા), અંદર રાખવો (કુંભક ક્રિયા) અને બહાર કાઢવો (રેચક ક્રિયા) એમ ત્રણેયનો સમાવેશ થાય છે. જ્યારે કપાલભાતિમાં કેવળ પૂરક અને રેચક ક્રિયાનો સમાવેશ થતો હોવાથી તેને શુદ્ધિ માટે કરવામાં આવતી ષટ્ ક્રિયાઓમાંની એક ક્રિયા ગણવામાં આવે છે.

પદ્ધતિ
કપાલભાતિ બેસીને કે ઊભા રહીને કરી શકાય છે, પરંતુ બેસીને કરવાનું વધુ સુગમ પડશે. પદ્માસનમાં બેસી, બંને હાથથી જ્ઞાન મુદ્રા કરી તેને કોણીએથી વાળ્યા વગર ચત્તા ઢીંચણ પર મૂકો. એમ કરવાથી ખભા સહેજ ઊંચે રહેશે. પણ તેથી ઉરોદરપટલની હલનચલનમાં સરળતા રહેશે.

ઉપર જણાવ્યા પ્રમાણે સ્થિતિ કર્યા પછી શ્વાસોશ્વાસની ક્રિયા શરૂ કરો. કપાલભાતિમાં લુહારની ધમણની માફક ઝડપથી શ્વાસ લઈ તુરત થોડાક બળપૂર્વક બહાર કાઢવાનો હોય છે. એટલે કે શ્વાસ લેવાની અને કાઢવાની ક્રિયા વચ્ચે શ્વાસને રોકવાનો હોતો નથી. આમ શ્વાસ લેવાની ક્રિયા બળપૂર્વક નહીં પરંતુ સહજ થવી જોઈએ. શ્વાસ કાઢવાની ક્રિયામાં જ સહેજ બળ વાપરવાનું હોય છે.

આ ક્રિયામાં બળ ઉરોદરપટલના સ્નાયુઓ વડે જ વાપરવાનું હોય છે. (diaphragm and abdominal muscles) એ કરવા માટે છાતીના સ્નાયુઓને તસ્દી આપવાની હોતી નથી. બળપૂર્વક શ્વાસને બહાર કાઢો એથી ખાલી થયેલ ફેફસાં એની મેળે ભરાશે. શ્વાસ ભરતી વખતે પૂરેપૂરાં ફેફસાં ન ભરાય તો તેની ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ જેટલી પણ હવા ભરાય તેને સંપૂર્ણપણે ધક્કો મારી બહાર કાઢવાની જ ફિકર કરવાની જરૂર છે.

એક સાથે પંદરથી વીસ વાર શ્વાસને અંદર લઈને બહાર કાઢવાની ક્રિયા કરો. આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન મોં બંધ રહેવું જરૂરી છે. અને ઉદરપટલના સ્નાયુ સિવાયના સ્નાયુ અને આખું શરીર તદ્દન સ્થિર રહેવું જોઈએ.

ફાયદાઓ
કપાલભાતિ ફેફસાં માટેની સર્વશ્રેષ્ઠ કસરત છે. કપાલભાતિ કરવાથી ફેફસાંની અંદર રહેલી સૂક્ષ્મ રક્તકેશિકાઓમાં લોહીનું પરિભ્રમણ વધશે, અને ઓક્સિજનનો સંચાર થશે. વળી ખોપરીનાં છિદ્રો તથા મસ્તિષ્કના કોષોમાં ઓક્સિજનનો પ્રવાહ વધશે. એથી ચેતાતંત્રને નવજીવન મળશે.

ખૂબ શરદી થાય અને શ્વાસનળી દ્વારા વારંવાર કફ નીકળે તેવી સ્થિતિમાં સૂત્ર નેતિ અને ધૌતિ ક્રિયા કરવાથી ઈચ્છિત સફાઈ થતી નથી. એવે વખતે કપાલભાતિ બહુ લાભદાયક સિદ્ધ થાય છે. આ ક્રિયાથી ફેફસાં અને સર્વે કફ વહન કરનાર નાડીઓમાં કફ બળીને પરસેવા દ્વારા બહાર નીકળે છે, જેથી ફેફસાં શુદ્ધ અને નિરોગી બને છે. મસ્તિષ્ક અને આમાશયની શુદ્ધિ થાય છે, પાચનશક્તિ વિકસે છે. ઉધરસ, શ્વાસ અને દમ મટે છે. મુખ પર કાંતિ આવે છે, લોહી શુદ્ધિ થાય છે. ચિત્તની સ્થિરતા વધે છે. કફનો પ્રકોપ શાંત થતા પ્રાણ સુષુમ્ણા નાડીમાં વહેવાથી માનસિક શાંતિનો અનુભવ થાય છે.

સાવધાની
ઉરઃક્ષત, હૃદયની નિર્બળતા, કમળો, પાંડુરોગ, જ્વર, નિંદ્રાનાશ, ઉર્ધ્વ રક્તપિત્ત, આમ્લપિત્ત ઈત્યાદિ રોગવાળાઓએ અને યાત્રા દરમ્યાન, વર્ષાકાળમાં, અતિશય ઠંડા અને પવનવાળા સ્થાનમાં આ ક્રિયા ન કરવી. અત્યંત જોરથી શ્વાસોશ્વાસ કરવાથી નાડીઓ આઘાત પહોંચવાનો સંભવ રહે છે. વળી કપાલભાતિનો અતિ પ્રમાણમાં પ્રયોગ કરવાથી ફેફસાંની શિથિલતા ને જીવનશક્તિનો હ્રાસ થવાનો પણ સંભવ રહે છે. સાધકે અનુભવી ગુરુના માર્ગદર્શનમાં મધ્યમ પ્રમાણમાં કપાલભાતિનો આધાર લેવો જોઈએ.
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok