Text Size

00. માહાત્મ્ય

ભાગવતકથાનો શ્રોતા કેવો હોવો જોઈએ

 

વક્તાની પેઠે શ્રોતાએ પણ કેટલીક અનિવાર્યરૂપે આવશ્યક સુયોગ્યતાથી સંપન્ન બનવાનું છે. શ્રોતા જીવનના આધ્યાત્મિક ઉત્કર્ષ સારુ શ્રવણ કરવાની ભાવનાવાળો, શ્રદ્ધાળુ, નમ્ર તથા ગ્રહણશીલ હોવો જોઇએ. એ સર્વપ્રકારે સંયમી બનીને શ્રવણ કરે એ આવશ્યક છે. એ વિતંડાવાદી, વ્યર્થ વાદવિવાદ કરનારો અને શંકાકુશંકાથી ઘેરાયલો ના હોય તો સારું. એ સદ્દગુણી ને સદાચારી, જીવનનો પક્ષપાતી તથા પ્રેમી ને ભગવદ્દપ્રેમી હોવો જોઇએ. કથાશ્રવણને એ શોખ નહિ પરંતુ સાધના સમજે.

શ્રોતા મનની સ્થિરતા અથવા એકાગ્રતાપૂર્વક શ્રવણ કરે છે ત્યારે પ્રશાંતિના પાવન તીર્થની પ્રતિષ્ઠામાં વિલંબ નથી થતો. શ્રવણ કરતાં કરતાં એના અંતરમાં સંવેદન પેદા થાય છે અને અનુરાગનો અર્ણવ ઊછળવા માંડતાં અષ્ટ મહાભાવોનો તથા ઇશ્વરની સંનિધિનો સ્વાનુભવ એને સારુ સહજ બને છે. એનું જીવન કૃતાર્થ થાય છે. કથાશ્રવણથી મનના દોષો ક્રમશઃ દૂર થતાં સાયુજ્ય, સામીપ્ય, સાલોક્ય તેમજ સારુપ્ય ચારે પ્રકારની મુક્તિ આવી મળે છે.

આપણે ત્યા વૈષ્ણવ મતાનુસાર માનવામાં આવેલી ચાર પ્રકારની મુક્તિ મરણોત્તર છે પરંતુ આદર્શ ઇશ્વરભક્તને એમની પ્રાપ્તિ જીવન દરમિયાન જ થતી હોય છે. એના મનની બધીયે વૃત્તિઓ અને એનું સમસ્ત જીવન ઇશ્વર સાથે જોડાઇ જાય છે. એના હૃદયમાં ને રોમેરોમમાં ઇશ્વરની મંગલમયી મધુરી મૂર્તિ જ રમતી હોય છે. એના જીવનમાં ઇશ્વર સિવાયની બીજી કોઇ જ ઝંખના કે ચાહના શેષ નથી રહેતી. એ અવસ્થાને સાયુજ્ય મુક્તિની અવસ્થા કહી શકાય. ભક્ત સર્વસ્થળે ને સર્વે સમય દરમિયાન, કોઇ પણ પ્રવૃત્તિ કરતાં, ઇશ્વરની શાશ્વત સુખદ સંનિધિનો અનુભવ કરે છે. એ સદા ઇશ્વરની સમીપે જ રહેતો હોય છે. એ એની સામીપ્ય નામની મુક્તિ છે. કીટભ્રમર ન્યાયે ઇશ્વરનું સતત સ્મરણમનન તેમજ નિદિધ્યાસન કરનારો ભક્ત ઇશ્વરમય બની જાય છે; એના રૂપરંગ બદલાય છે; એની અંદર ઇશ્વરનો પવિત્રતમ પ્રકાશ અને ઇશ્વરના ગુણધર્મો ધીમે ધીમે પ્રકટવા માંડે છે; એને એની સારુપ્ય મુક્તિ કહી શકાય. અને ભક્ત બહારથી જોતાં આ પાર્થિવ પૃથ્વી પર કે મૃત્યુલોકમાં શ્વાસ લેતો હોવાં છતાં આજુબાજુ બધે જ ઇશ્વરની અલૌકિક સત્તાનો અનુભવ કરતો ઇશ્વરના અમૃતમય લોકમાં જ વસતો ને વિહરતો હોય છે. સર્વ ખલ્વિદં બ્રહ્મ નો અનુભવ એને સારું સ્વાભાવિક હોય છે. એટલે એ અખંડ રીતે સાલોક્ય મુક્તિને માણે છે એવું કહી શકાય.

આદર્શ શ્રોતા અને વક્તા બંનેને માટે ચતુર્વિધ મુક્તિની એવી અનુભૂતિ સહજ બને છે ત્યારે શ્રવણ તેમજ વક્તવ્ય બંને સફળ અથવા સાર્થક થાય છે.

ભાગવતની સુધામયી કથાનું શ્રવણ કરનાર મિતાહારી, ફળાહારી કે ઉપવાસી બનીને શ્રવણ કરે એવું સૂચવવાની સાથે સાથે ભાગવતના માહાત્મ્યમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે પ્રત્યેકે પોતાની પ્રકૃતિનો વિચાર કરીને અનુકૂળ નિયમનું પાલન કરવાથી જો કથાશ્રવણમાં વિક્ષેપ પડતો હોય તો ભોજન કરવું વધારે સારું છે. મુખ્ય મહત્વ કથાશ્રવણનું અને એ દ્વારા આત્મિક અભ્યુદયનું છે એ ના ભૂલવુ જોઇએ. ભાગવતનો એ વિચાર નૂતન તથા ક્રાંતિકારી છે.

માહાત્મ્યનો એક બીજો શ્લોક ખાસ ધ્યાન ખેંચે એવો ને યાદ રાખવા કે સમજવા જેવો છે :

कामं क्रोधं मदं मानं मत्सरं लोभमेव च ।

दंभं मोहं तथा द्वेषं दुरयेश्च कथव्रती ॥

(ભાગવતમાહાત્મ્ય, અધ્યાય ૬, શ્લોક ૪૭)

એ શ્લોક સુસ્પષ્ટ સંકેત કરે છે કે કથાશ્રવણ એક જીવનવિકાસની સુંદર સાધના છે. એનો આશ્રય લેનારે પોતાના જીવનવ્યવહારને ઉદાત્ત બનાવવો જોઇએ. કથાશ્રવણ કરતી વખતે અને એ પછી પણ જીવનની વિશુદ્ધિનો આગ્રહ રાખવો જોઇએ અને પાછળથી એવી વિશુદ્ધિ સ્વાભાવિક બની જવી જોઇએ. કથાશ્રવણ કરનારના શિર પર આદર્શ માનવ, ભક્ત ને ઇશ્વરના કૃપાપાત્ર પરમભાગવત થવાની જવાબદારી રહેલી છે. એણે સર્વે મહત્વના માનવોચિત મૂલ્યોને પોતાના જીવનમાં સ્થાપવા ને વિકસાવવા જોઇએ. કામ, ક્રોધ, મદ, અભિમાન, મોહ, મત્સર, લોભ, દંભ તથા દ્વેષ જેવાં આસુરી સંપત્તિનાં વિઘાતક તત્વોમાંથી મુક્તિ મેળવીને દૈવી સંપત્તિમાં સ્થિતિ કરવાનો પ્રામાણિક પ્રયાસ કરવો જોઇએ. એવા પ્રયાસના પરિણામે કથાશ્રવણ અમૂલખ આશીર્વાદરૂપ બની રહે છે.

એવા જ એક બીજા સરસ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે નિયમપૂર્વક કથાશ્રવણ કરનારે સત્ય, પવિત્રતા, દયા, મૌન, સરળતા, વિનય કે નમ્રતા અને ઉદારતાથી સંપન્ન થવું જોઇએ.

*

સપ્તાહયજ્ઞની સમાપ્તિ થતાં શ્રોતાઓએ વક્તાની તથા ભાગવતના પવિત્ર ગ્રંથની પૂજા કરવી. જનતાની વિવિધ રીતે સેવા કરવી. શ્રોતા વિરક્ત હોય તો એણે બીજે દિવસે ગીતા અથવા વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરવો. વક્તાની શક્તિ પ્રમાણે સેવા કરીને કૃતજ્ઞતાને પ્રકટ કરવાનું વિધાન પણ માહાત્મ્યમાં કરેલું છે.

મહામુનિ સનકાદિએ સપ્તાહપર્યંત સંભળાવેલી ભાગવતકથાના શ્રવણથી જ્ઞાન, વૈરાગ્ય તથા ભક્તિને નવજીવનની પ્રાપ્તિ થઇ. એ જોઇને નારદજીની પ્રસન્નતાનો પાર ના રહ્યો. એમણે સનકાદિ ઋષિઓની પ્રેમભાવે પ્રશસ્તિ કરી.

ભાગવતની આ કથા એવી રીતે જ્ઞાન, ભક્તિ તથા વૈરાગ્યને નવજીવન બક્ષે છે.

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok