Text Size

00. માહાત્મ્ય

ભાગવતનો કથાક્રમ

 

ભાગવતની સપ્તાહવિધિમાં સૂચવવામાં આવ્યું છે કે ભાગવતની કથા કરાવનારે ભાગવતના વક્તાને સુવર્ણસિંહાસન પર વિરાજિત ભાગવતનું પૂજા સહિત દાન કરવું, તેમજ બનતી દક્ષિણા આપવી. એ જાણીને કેટલાંકને નવાઇ લાગે છે પરંતુ એની પાછળનો મૂળભૂત ઉદ્દેશ સારી રીતે સમજવા જેવો છે. દીન, હીન કે કંગાળ જીવન કોઇનેય માટે આશીર્વાદરૂપ નથી બનતું, સાંસારિક માનવને માટે તો નહિ જ. જીવનમાં માનવ અભાવમાં અથવા આર્થિક અગવડમાં જ જીવતો હોય તો એની ચિંતા એને કોરી ખાય એ સ્વાભાવિક છે. એવો માનવ પોતાના મનને શાસ્ત્રોના અધ્યયન-અધ્યાપનમાં, સાધનામાં અને જ્ઞાનપ્રચારમાં નિશ્ચિંતતાથી નથી લગાડી શકતો. એ ભૌતિક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવે તથા સ્વસ્થ બને એ આવશ્યક છે. એટલા માટે એના જ્ઞાનનો લાભ લેનારનું કર્તવ્ય થઇ પડે છે કે એની બનતી બધી જ સંભાળ રાખીને એને ચિંતામુક્ત કરવાનો પ્રયાસ કરે. એ જે જ્ઞાનનો લાભ લે છે એની પાર્થિવ કિંમત તો ધન-ઐશ્વર્યથી નથી આંકી શકાય તેમ. તો પણ એના ઋણસ્વીકાર તરીકે બદલામાં જ્ઞાનદાતાની બનતી સેવા કરી છૂટે એ જરૂરી છે. એવા આદાનપ્રદાનથી જ સમાજ ટકી શકે ને જ્ઞાનોપદેશકો કે ધર્મપ્રચારકો કેવળ એ જ કલ્યાણકાર્યની પાછળ જીવનનો સમુચિત સદુપયોગ કરી શકે. એની પાછળ એ સંદેશો સમાયલો છે. એને એવા વિશાળ સંદર્ભમાં વિચારતાં શીખીએ તો એમાં કશું અનુચિત જેવું નહિ લાગે. સાથે સાથે ભાગવતના કથાકારોને ને ધર્મોપદેશકોને પણ આપણે બનતા નિઃસ્પૃહ બનવાની, નિર્લોભ થવાની કે બદલાની અપેક્ષા વિના કર્તવ્યભાવથી તથા પરમાત્મપ્રેમથી પ્રેરાઇને કથા કરવાની ને ઉપદેશ આપવાની ભલામણ કરીશું. કથા કે જ્ઞાનોપદેશને વ્યવસાય બનાવવાની અને અર્થોપાર્જનનું સાધન કરવાની જરૂર નથી. એ દ્વારા એમણે પોતાનો વ્યક્તિગત વિકાસ પણ સાધવાનો છે ને સહજ રીતે અયાચકવૃત્તિથી આવી મળે એને ગ્રહણ કરવાનું છે. એવી રીતે એમનો જીવનવ્યવહાર અન્યને માટે આદર્શ અને અનુકરણીય બની રહેશે.

*

ભાગવતસપ્તાહનો કથાક્રમ વક્તા પોતાની રુચિ, રસવૃત્તિ અથવા અનુકૂળતાને અનુસરીને યોગ્ય લાગે તેમ જાળવી શકે છે. એ સંબંધી પણ કોઇ એકધારો નિશ્ચિત નિયમ ના હોઇ શકે. તો પણ કથાના ક્રમસંબંધી પરંપરાથી ચાલતા આવતા ને સામાન્ય રીતે માન્ય રખાતા આ ઉદ્દગારો ખાસ યાદ રાખવા જેવા છે :

આરંભના દિવસે કેવળ માહાત્મ્યશ્રવણ કરાવ્યા પછી પ્રથમ દિવસે મનુ-કર્દમ સંવાદ સુધી, બીજા દિવસે ભરતચરિત્ર સુધી, ત્રીજે દિવસે સાતમા સ્કંધની સમાપ્તિ સુધી, ચોથે દિવસે ભગવાન કૃષ્ણના પ્રાક્ટય સુધી, પાંચમે દિવસે રુકમણી વિવાહપર્યંત, અને છઠ્ઠે દિવસે હંસોપાખ્યાનપર્યંત કથા કરીને સાતમે દિવસે શેષ ભાગને પૂરો કરવો. એથી કથાની પૂર્ણાહુતિ નિર્વિઘ્ને થાય છે.

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok