if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વાત કદાચ નહિ માનવામાં આવે, પરંતુ તદ્દન સાચી બનેલી છે. હજી હમણાં જ થોડાંક વરસો પહેલાં તેને પ્રકટ કરવામાં આવી છે.

ભગવાનના એકનિષ્ઠ અથવા તો અનન્ય ભક્તોની ભગવાન પોતે કેવી રીતે સંભાળ લે છે, અને એમની સર્વ પ્રકારના સંજોગોમાં કેવી રીતે રક્ષા કરે છે, તેની પ્રતીતિ આપણને એ વાત પરથી સહેજે થઈ રહે છે, અને એના પરિણામરૂપે, ભગવાનમાં અને ભગવાનની કૃપામાં આપણી શ્રદ્ધા વધે છે.

વાત બદરીનાથની યાત્રા દરમિયાન બનેલી છે.

બદરીનાથની વરસોવરસ થતી યાત્રામાં કેટલાય ભક્તો, ભાવિકો, જિજ્ઞાસુઓ ને પ્રવાસીઓ ભાગ લે છે. ગંગાના કિનારા પરના પર્વતોની અંદરથી કોરી કાઢેલા માર્ગ પરથી કેટલાય મુસાફરો જીવનને કૃતાર્થ કરનારી તથા શાંતિ આપનારી મુસાફરી કરતાં આગળ વધતા હોય છે. કેટલી સરસ મુસાફરી ! કેટલી બધી મંગલમય તેમ જ આનંદકારક ! એ પ્રદેશનું કુદરતી સૌન્દર્ય અને એની ગહન શાંતિ જોઈને એ સ્તબ્ધ બને છે, પ્રેમપુલકિત બને છે, અને એવા  અદ્ ભુત પુણ્યપ્રદેશમાં પ્રવાસ કરવાનો અવસર આપવા બદલ ઈશ્વરનો અંતઃકરણપૂર્વક આભાર માને છે.

એવી જ રીતે ઈશ્વરનો અંતઃકરણપૂર્વક આભાર માનતા માનવોની એક નાનીસરખી મંડળી બદરીનાથની યાત્રા કરી રહી હતી. એ મંડળમાં એક સંન્યાસી મહારાજ પણ હતા. ઈશ્વરના ગુણાનુવાદ ગાતી એ મંડળી આગળ ને આગળ વધતી જતી હતી. કુદરતી સૌન્દર્યથી છવાયેલાં અદ્ ભૂત દ્દશ્યોને જોઈને સૌ ઈશ્વરના મહિમાનું જયગાન કરતા હતા.

યાત્રામંડળીના માણસોથી સંન્યાસી મહારાજ વિખૂટા પડી ગયા, ને યાત્રાના મૂળ માર્ગ ભૂલીને ભળતે માર્ગે જ ચઢી ગયા. ચાલતા ચાલતા જંગલમાં એ એક એવા સ્થાન પર આવી પહોંચ્યા કે જે સ્થાનમાંથી આગળ વધવાનો કોઈ રસ્તો જ ન દેખાયો. ચારે તરફ ઘોર જંગલ અને વચ્ચે એ એકલા. ક્યાંય જઈ શકાય તેમજ  ન હતું. એમને થયું કે હવે શું કરવું ? જંગલમાંથી જવાનો રસ્તો તો ક્યાંય દેખાતો નથી. અંધારૂ થવા આવ્યું છે, અને થાક પણ લાગ્યો છે. કોણ જાણે કેટલો બધો ચાલી નીકળ્યો છું, થાક પણ એવો લાગ્યો છે કે હવે એક ડગલું પણ આગળ વધવાની હિંમત નથી. માટે હવે તો અહીં જ આરામ કરું.

સદ્ ભાગ્યે સંન્યાસી મહારાજની નજર એક ગુફા પર પડી. ગુફા બાજુમાં જ હતી. એમણે એમાં પ્રવેશ કર્યો, પોતાનું આસન પાથર્યુ, ને લાંબા થઈને સૂઈ ગયા. પરંતુ ઠંડી તથા થાકને લીધે એ થરથરવા લાગ્યા, અને એમને તાવ આવી ગયો.

આખી રાત એ તાવની પીડા સહન કરતા ભૂખેતરસે પડી રહ્યા.

સવારે થોડો તાપ નીકળ્યો ત્યારે એમની પાસે કોઈ પર્વતીય છોકરો આવ્યો ને કહેવા લાગ્યો : 'બાબા, આપ રાસ્તા ભૂલ ગયે હૈં ક્યા ?

સંન્યાસી મહારાજ એને જોઈને આનંદ પામ્યા. એમણે એ છોકરાને પોતાની આપવીતી કહી સંભળાવી એટલે છોકરાએ એમને હિંમત આપી ને કહ્યું : 'હરકત નહિ, મેરા ગાંવ યહાં પહાડ કે ઉપર હૈ. મૈં રોજ યહાં ગૌ ચરાનેકો આતા હું. આપકે લિયે મૈં દૂધ ઔર ભોજન લાયા કરુંગા. જબ આપ ઠીક હો જાયેંગે તો મૈં આપકો યાત્રા કા રાસ્તા ભી બતાઉંગા.’

થોડીવારમાં તો છોકરો દૂધ લઈને પાછો આવ્યો.

એ પછી બપોરે એ ભોજન લઈ આવ્યો, ને સાંજના પણ દૂધ લાવ્યો. એવી રીતે લાગલગાટ ત્રણ દિવસ સુધી એણે સંન્યાસી મહારાજની સેવા કરી.

ચોથે દિવસે સવારે સ્વસ્થ થયેલા સંન્યાસી મહારાજ બહાર નીકળીને ચારે તરફ જોવા લાગ્યા તો ક્યાંય કોઈ ગામનો રસ્તો જ ન દેખાયો. એમને થયું કે છોકરો ક્યાંથી આવતો હશે ? એમને શંકા થઈ.

રોજના ક્રમ પ્રમાણે પેલા પર્વતીય છોકરાએ ભોજન આણ્યું એટલે સંન્યાસી મહારાજ થોડી પૂછપરછ કરીને એના પગમાં પડ્યા ને કહેવા લાગ્યા : 'મુજે આપકા સચ્ચા પરિચય દો, નહિ તો ભોજન નહિ કરુંગા.

એ જ વખતે ગુફામાં પ્રકાશ પ્રકાશ થઈ રહ્યો. છોકરાને બદલે ભગવાનને સામે ઊભેલા જોઈને સંન્યાસી મહારાજ અત્યંત પ્રસન્ન થયા તેમજ ગદ્ ગદ બની ગયા. એમણે ભાવવિભોર બનીને કહ્યું : 'આપને મેરે લિયે બહુત તકલીફ ઉઠાઈ હૈ.’

ભગવાને કહ્યું : તકલીફ ક્યા ? ભક્તકી સેવા કરના મેરા ધર્મ હૈ. ભક્ત બસ્તી મેં હોતા હૈ તો કિસીકે દિલમેં પ્રેરણા કરકે મૈ ઉસકી સેવા કરતા હું, લેકિન અકેલા હોતા હૈ તો મૈં સ્વયં હી ઉસકી સેવામેં હાજર હોતા હું.

ભોજનની જરૂર રહી નહિ. દર્શન જ ભોજન બની ગયું.

પછી ભગવાને સંન્યાસી મહારાજના મસ્તક પર હાથ મૂકીને એમને એમના સામાન સાથે એમની મંડળીની બાજુમાં મૂકી દીધા. એમને જોઈને ને એમની વાત સાંભળીને બધા આશ્ચર્યચકિત બની ગયા.

ભક્તિ શું નથી કરતી ? બધું જ કરી શકે છે. પરંતુ એ જાણે તથા સ્થિર થાય તેમ જ ગાઢ બને ત્યારે ને ?

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.