if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભારતમાં બધે ઠેકાણે એક જાતની સર્વસામાન્ય મનોવૃત્તિનું દર્શન થાય છે. લોકોને પૂછીએ કે જપ શા માટે કરો છો, ધ્યાન શા માટે ધરો છો, તીર્થયાત્રાએ કેમ નીકળો, તો લગભગ એકસરખો જ ઉત્તર મળે છે કે કેમ ? પુણ્યનો સંચય કરવા કે પરલોકમાં સુખી થવા. શરીર છૂટ્યા પછી સદગતિ થાય તથા સ્વર્ગાદિ લોકમાં રહેવાનું અને એશઆરામ કરવાનું મળે એ જ અમારું લક્ષ્ય છે. એ લક્ષ્યથી પ્રેરાઈને જ અમે ધાર્મિક ક્રિયાઓ કર્યા કરીએ છીએ. આ લોકમાં તો જેમતેમ કરીને જીવી રહ્યા છીએ, પરંતુ પરલોકને નથી બગાડવો. પરલોકમાં આ લોકને દુર્લભ ભોગપદાર્થોની પ્રાપ્તિ થશે ને સુખી થવાશે, તો ઘણું છે. એવી રીતે ધર્મકર્મ કરનારા લોકોની વૃત્તિ વધારે ભાગે પરલોકવાદી બની ગઈ છે. ધર્માનુષ્ઠાન કે સત્કર્મને આ જીવન અને આ લોકની સાથે કોઈ સંબંધ જ ના હોય અને પરલોકના અથવા તો વર્તમાન જીવન પછીના બીજા જીવનના સુખોપભોગ સાથે જ લેવાદેવા હોય, એવું મનાવા લાગ્યું છે. એટલે એના સ્વાભાવિક પરિણામરૂપે ધર્મનું અનુષ્ઠાન કરીને, આ લોકમાં જ સુખશાંતિ પ્રાપ્ત કરવાની ને વર્તમાન જીવનને જ સત્વશીલ કે સમૃદ્ધશાળી બનાવવાની વૃત્તિ ભાગ્યે જ સેવાય છે. એ તરફ લક્ષ પણ ઓછું રહે છે, અને એને માટેના પ્રયત્નો પણ ભાગ્યે જ કરવામાં આવે છે.

પ્રશ્ન એ થાય છે અને કેટલાય લોકો તરફથી એવો પ્રશ્ન પૂછવામાં પણ આવે છે, ભારતનો ધર્મ શું આવો ઉધાર છે ? એને આ લોકની સાથે કશો જ સંબંધ નથી ? એનું અનુષ્ઠાન પરલોકને લક્ષ્ય કરીને જ, પરલોકના સુખોપભોગને માટે જ કરવામાં આવે છે, અને સાંપ્રત જીવનની એ સદાને માટે ઉપેક્ષા કરે છે ? એની મદદથી વર્તમાન જીવનની સમસ્યાનો ઉકેલ કરીને એને સુખી ને સમૃદ્ધ ના બનાવી શકાય ? એ ધર્માચરણનું ફળ આ જીવનમાં તો પ્રાપ્ત જ નહિ થવાનું, એનો અર્થ એમ કે એને માટે પરલોકમાં જ પ્રતિક્ષા કરવાની એમ ને ? અને પરલોકમાં એ ફળ મળશે એની ખાતરી શી ? અરે, પરલોકની પોતાની જ ક્યાં ખાતરી છે ? એના અસ્તિત્વમાં જ શંકા છે. અને ધારો કે શંકા ના હોય તો પણ, કેવળ પરલોકનો જ વિચાર કરીને ધર્માચરણ કરવું અને આ લોક તરફ બિલકુલ ઉદાસીન રહેવું એ શું બુદ્ધિસંગત છે ? એવા ધર્માચરણને અને એનો ઉપદેશ આપનારા ધર્મને આદર્શ કેવી રીતે કહી શકાય ?

આવી પ્રશ્નપરંપરા પેદા થાય એ તદ્દન સ્વાભાવિક છે. એ પ્રશ્નપરંપરાને અને પાછળ કામ કરનારા મનને સહાનુભૂતિથી સમજી શકાય તેમ છે. એટલા માટે તો એના ઉત્તરમાં આપણે કહીએ છીએ કે ભારતીય ધર્મ તથા ધર્માચરણ તમે જેમ માનો છો તેમ ઉધાર નથી, પરંતુ નગદ છે. પરલોકનો વિચાર ને સ્વીકાર એમાં કરવામાં આવ્યો છે એ સાચું છે, પરંતુ એકલા પરલોકને જ લક્ષ્ય કરીને ધર્માનુષ્ઠાન કરવું એવું નથી કહેવામાં આવ્યું. આ લોક તથા વર્તમાન જીવન એમાં મહત્વનો ભાગ ભજવે છે, કેન્દ્ર સ્થાને છે, તથા તેને સુધારવા, શીલવાન કરવા, શક્તિશાળી બનાનવા તેમજ સુખશાંતિથી સંપન્ન કરવા માટે જ એનો આશ્રય લેવાનો છે. માણસ તન, મન અને અંતરના અથવા તો અવિદ્યાના પરિણામે  પેદા થયેલા અહંતા, મમતા, આસક્તિ અને રાગદ્વેષના જે અનેકાઅનેક બંધનોથી બંધાયેલો છે તે બંધનોમાંથી મુક્ત કરીને આત્માના અપરોક્ષ અનુભવ દ્વારા એને પરમશાંતિ ને પૂર્ણતાની મૂર્તિ બનાવી દેવો એ ધર્મનું પ્રયોજન કે લક્ષ્ય છે. અને એ ધ્યેની સિદ્ધિ આ વર્તમાન જીવનમાં તથા આ લોકમાં જ કરી લેવાની છે : બીજા જીવનમાં તથા બીજા લોકમાં નહિ. એ વાત ભારતના ધર્મગ્રંથોએ કેટલેય ઠેકાણે સ્પષ્ટ કરી છે. એના પ્રતિનિધિત્વરૂપે જ ઉપનિષદે પેલી વિચારધારા રજૂ કરી છે કે  इह येदवेदीदथ सत्यमस्ति, न येदिहावेदित महती विनष्टिः  -  જો આ જીવન દ્વારા, આ લોકમાં જ આત્માને જાણી લીધો તો ઘણું સારું થયું. કિન્તુ જો આ લોકમાં, આ જીવન દ્વારા આત્મદર્શન ના કર્યું તો મોટું નુકશાન થયું, અથવા તો સર્વનાશ થઈ ગયો. માટે उत्तिष्ठ -ઊઠો, जाग्रत -જાગો, प्राप्य वरान्निबोधत - મહાન પુરૂષોની પાસે પહોંચીને આત્મા વિશે જાણી લો.

એટલે આ લોકનો અનાદર કરવાનો તથા પરલોકને જ સર્વકાંઈ માની આગળ વધવાનો આદેશ ભારતીય ધર્મ કે તત્વજ્ઞાને નથી આપ્યો. પરલોકનો સ્વીકાર એણે અવશ્ય કર્યો છે, એનો વિચાર કરવાનું પણ કહ્યું છે. આ લોકમાં અને આ જીવનમાં પૂર્ણતાને માટે અપૂર્ણ રહેલો પુરૂષાર્થ બીજા જીવનમાં આગળ ચાલે છે. અને ફળે છે. જીવનના સાતત્યની સાંકળનો આ જીવન તો એક અંકોડો માત્ર છે. એ બધું એણે શીખવ્યું છે ખરું, પરંતુ આ લોક તેમજ વર્તમાન જીવનના ભોગે, એની ઉપેક્ષા કરીને ધર્માનુષ્ઠાન કરવાનો ઉપદેશ એણે નથી આપ્યો; સાથે સાથે જે લોકો ઈહલોકને તથા વર્તમાન જીવનને જ સર્વકાંઈ સમજી બેઠા છે અને આંખ મીંચીને ગળાબૂળ ડૂબી રહ્યા છે તેવા -‘આ લોક મીઠો, પરલોક કોણે દીઠો’- ની ફિલસૂફીવાળાની સામે તે લાલબત્તી ધરે છે ને કહે છે કે આ જીવનને અને આ લોકને જ સર્વકાંઈ ના સમજી લેતા. તમારી બુદ્ધિ અને વિચારશક્તિ અથવા અનુભૂતિ કાચી હોય એટલે જન્માંતર નથી ને પરલોક પણ નથી એવું ના માની લેતા. આ લોકને જ સર્વસ્વ સમજી લેવાની ને પરલોકની જ સુખોપભોગ સામગ્રી તથા સદગતિની આશા રાખીને આગળ વધનારી એ બંને પ્રકારની મનોવૃત્તિનાં ભયસ્થાનો કે જોખમો રજૂ કરીને એ સૌને સાવધ કરે છે. આ લોક ને પરલોક - બંનેના સુધારનો એનો ઉપદેશ છે.

છતાં પણ પરલોકની જ લાલસા રાખીને લોકો ધર્માચરણ કરે છે એ વિચિત્ર છે. એવા લોકોને આપણે કહીશું કે કેવળ પરલોકનો ને બીજા જીવનનો જ વિચાર કરીને બેસી ના રહો. એની મોહિનીમાં ના પડો. ધર્મનું આચરણ આ લોકને સુખી કરવા, શાંતિમય બનાવવા ને વર્તમાન જીવનને પુષ્ટ કરવા માટે છે. માટે આ લોકને સુધારો, સુખી કરો, ને શાંતિમય બનાવો. તમારે બીજા કયા સ્વર્ગલોકની લાલસા છે ? સ્વર્ગલોકની લાલસા રાખવા કરતાં આપણી આ પૃથ્વીને પવિત્ર, પ્રેમમય, મધુમય તથા સુંદર ને સરસ બનાવો. એમાંથી નરકની નિશાનીઓનો નાશ કરીને એને સ્વર્ગની સૌરભથી ભરી દો. જે વર્તમાન છે કે તમારી સામે છે, તેને સાચા દિલથી ચાહતાં, સુધારતાં ને સમૃદ્ધ કરતાં શીખો. ધર્મ ને તત્વજ્ઞાનના નામે અત્યાર સુધી આપણે વર્તમાન જીવનની, સમાજની ને લોકની ભારે હાનિ કરી છે. હવે એ ભૂલને સુધારવી પડશે. જે જીવનનો આપણે લાભ લઈએ છીએ, ને જે ધરતી પર શ્વાસ લઈએ છીએ એની અવજ્ઞા કરવાનો આદેશ આપણા ધર્મે કદી પણ નથી આપ્યો. એ વાતને સમજી લઈએ તો જીવનમાં નવો પ્રાણ પેદા થાય, સુખશાંતિ છવાઈ જાય અને આ મૃત્યુલોક આપણે માટે અમૃતલોક બની જાય. ધર્મનું આચરણ આપણને અહીં પણ આત્મસંતોષ આપે સુખી કરે, અને આપણા માટે ઉધાર નહીં પરંતુ ખરેખર નગદ થાય.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.