Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વિચારની શક્તિ અસાધારણ અને અનંત છે. એની મદદથી નાનાં-મોટાં કેટલાયે કાર્યો કરી શકાય છે. વિચારોનો અથવા ભાવોનો પ્રભાવ આપણા પોતાના આંતરજગત અને બાહ્યજગત પર ઓછાવત્તા પ્રમાણમાં પડ્યા કરે છે. એનાથી આપણું પોતાનું વ્યક્તિત્વ ઘડાય છે અને બાહ્ય વાતાવરણને અસર પહોંચે છે.

એક મનોવૈજ્ઞાનિકે પોતાના ઉદ્યાનમાં એક છોડને, અવજ્ઞા અને અપમાનપૂર્વક પાણી પાયું અને પાસેના બીજા છોડને અભિરૂચિ, આદર, સન્માનસહિત, અનુરાગની અભિવ્યક્તિ કરતાં પાણી પાયું. બન્ને છોડ પ્રત્યેના ભાવ તથા વિચારતરંગો જુદાજુદા અથવા પરસ્પર વિરોધી હતાં. એનું પરિણામ બીજે દિવસે દેખાયું. ત્યારે એને ભાન કે વિચારના અદ્રષ્ટ આંદોલનોનાં સામર્થ્યની પ્રતીતિ થઈ. પહેલા છોડ પર નિસ્તેજ, નીરસ, મ્લાન જેવું પુષ્પ પ્રગટી ઊઠેલું અને બીજા છોડ પર તેજસ્વી, રસમય, તાજાં, પરિમલ પ્રસન્ન પુષ્પની સૃષ્ટિ થયેલી.

એક રોગીને રોગમુક્ત કરના માટેનાં સઘળા દાક્તરી ઉપચારો નિષ્ફળ જતાં સ્નેહીજનોએ ઉપચારોને બંધ કરીને એને માટે પ્રાર્થના પ્રારંભી અને એમના આશ્ચર્ય વચ્ચે થોડાક દિવસો પછી રોગી રોગમુક્ત થયો. એને પુનર્જીવનની પ્રાપ્તિ થઈ. બાબરે પોતાના પુત્ર હુમાયુને પ્રાર્થના દ્વારા વ્યાધિમુક્ત કર્યાની કથા જાણીતી છે.

વિચારો તથા ભાવોના આંદોલનો વિશ્વના વાયુમંડળમાં વહ્યા ને વિહર્યા કરે છે. એમનો સર્વનાશ થતો નથી. આજે આપણે જેવા છીએ તેવા આપણા ભૂતકાલીન ભાવો તથા વિચારોને લીધે જ થયા છીએ અને ભવિષ્યમાં પણ ભાવો તથા વિચારોના અનુસંધાનમાં જ આપણા વ્યક્તિત્વનું નિર્માણ થશે. વિશ્વના, આપણી આજુબાજુનાં વાયુમંડળને વિશદ કરવા ને વિશદ રાખવાના કલ્યાણકાર્યમાં આપણે સુંદર, પ્રેમમય, વિમલ ભાવો ને વિચારોને વહેવડાવીને મહત્વનો ફાળો આપી શકીએ અને રાગદ્વેષયુક્ત સ્વાર્થી અપવિત્ર ભાવો અને વિચારોને વહેતા બંધ કરીને મહત્વનું યોગદાન કરી શકીએ. આપણે બીજાની શાંતિ, સુખાકારી, સમૃદ્ધિ, સમુન્નતિ, મુક્તિ, પૂર્ણતા તથા દુઃખમુક્તિના વિચારોને વહેતા કરીએ અને સૌના મંગલ માટે પ્રાર્થીએ એ પણ એક સેવા છે. એમ કરીને વિશ્વના સદભાવોના ઓક્સિજનની અભિવૃદ્ધિ કરીએ. કોઈનું અમંગલ ના ઈચ્છીએ અને એની રાગદ્વેષ અથવા ઈર્ષ્યા ના રાખીએ, કોઈનું અમંગલ ના ઈચ્છીએ અને એવી રીતે આપણી આજુબાજુના કાર્બોનિક એસીડ ગૅસને જ્ઞાત અથવા અજ્ઞાત રીતે પણ વધારવાનું નિમિત્ત ના બનીએ. વૈદિક ઋષિઓ પ્રાર્થે છે :

તન્મે મન: શિવ સંકલ્પમસ્તુ ! અર્થાત્ મારું મન મંગલ વિચારવાળું બની જાવ.

- શ્રી યોગેશ્વરજી