તીખી તરસ ગઈ લાગી.
મિલન માધુરી માટે તલસે અંતર અનુરાગી;
ઊંડે ઊંડે અવિરત એવી વેણુ રહી વાગી... તીખી
કેટલાય દિવસોથી પ્રાણે પ્રીત ગઈ જાગી;
પ્રતિપળ બનતી જાય પ્રબળ એ, ભીતિ ગઈ ભાગી... તીખી
મનડે મૈત્રી કરી તમારી, બીજાની ત્યાગી;
ભજે તમોને રટે નિરંતર, એવી લહે લાગી... તીખી
કેમે કરતાં મટે નહીં તે, વધતી વણમાગી;
‘પાગલ' કાયાને માગે કેવલ વરણાગી... તીખી
- શ્રી યોગેશ્વરજી