કવિજનને
મનુકુળનું મંગલ કરનારી કવિતા હે કવિ, ગાજે,
જગતતણા ક્રંદન હરનારી સુરાવલી ગા આજે...મનુકુળનું
વિષમય વાયુ વહે સંસારે, તેમાં અમૃત ભરવું મારે
શબ-સરખા માનવ કૈં ફરતા સુહાવવા સંજીવન ધારે.
પૃથ્વીના પરિતાપ હરે તે કવિતા હે કવિ, ગાજે....મનુકુળનું
કષ્ટ કારમાં, રોદન કૈંનાં, કુસંપની હોળી છો થાયે
ભેદભાવનો નાશ ભલે હો, હિંસા ના દેખાયે ક્યાંયે
અશાંતિમાં શાંતિ ભરી દેતા બોલ જરીક અવાજે...મનુકુળનું
અભિનવ વર્ષા જેવી તારી કવિતા પ્રગટ કરી લે ન્યારી
વાહન મુજને કરતાં ભર તું ભુખ્યાંના ભોજનની થાળી
માનવતાનું ખાતર બનતા પ્રકટી લે સ્વર તાજે...મનકુળનું
- શ્રી યોગેશ્વરજી