પ્રશ્નોપનિષદ

શાંતિપાઠ ને શરૂઆત

પ્રશ્ન ઉપનિષદ પણ બીજાં બધાં જ મહત્વનાં ઉપનિષદોની પેઠે શાંતિપાઠથી જ શરૂ થાય છે. માનવના નિર્મળ ને ભાવમય હૃદયમાં રહેલી મંગલમય ને પ્રભુમય જીવન જીવવાની ભાવના તેના શાંતિપાઠમાં પ્રકટ થાય છે. ઋષિ કહે છે કે દેવતા કે પરમાત્માએ નક્કી કરેલું આયુષ્ય અમે ભોગવીએ. એ શબ્દોમાં પ્રભુપરાયણતા ને સમર્પણતાની સુવાસ દેખાય છે. પરંતુ એ આયુષ્ય અમંગલ હોય તો ? તો તો જીવવાનો આનંદ ભાગ્યે જ મળે ને તેવા જીવનમાં રસ કે સાર પણ ભાગ્યે જ રહે. જીવન થોડું હોય કે વધારે ને લાંબુ હોય કે ટૂંકું તેના કરતાં કેવા સ્વરૂપનું છે તે મુદ્દો વધારે મહત્વનો છે. જો તે ગંગાના નીર જેવું નિર્મળ ને સુમનસમું સુવાસિત હોય તો તો સદાને સારું પોતાને તથા બીજાને માટે આશીર્વાદરૂપ થઈ પડે. તેથી ઊલટું, તે અશુદ્ધિ, અનાચાર ને અધર્મનું  ઘર હોય તો પોતાને તથા બીજાને નુકસાનકારક ને અભિશાપરૂપ  થઈ જાય. તેથી જ શાંતિપાઠમાં ઋષિ ઉત્તમ જીવનની પ્રાર્થના કરે છે. શરીર, મન ને ઈન્દ્રિયોની પ્રવૃત્તિને પવિત્ર તથા આત્મોન્નતિની મહાન સાધનામાં સહાયક કરી જીવનને મંગલમય કરવાની કામના કરે છે. ઋષિ ભાવના કરે છે કે હે પ્રભુ ! કાનથી અમે જે કલ્યાણકારક છે તે જ સાંભળીએ; આંખ દ્વારા બધે તમારી લીલા ને તમારા વિશ્વરૂપનું દર્શન કરીએ; શરીરને નીરોગી ને દ્રઢ કરીએ તથા તેની મદદથી તમારી પ્રસન્નતા થાય તેવાં કામ કરતા કહીએ; એ રીતે મંગલતાની મૂર્તિ થઈને અમે તમારા મહાન ઉપહાર જેવા આ જીવનને ભોગવીએ. ઈંદ્ર ને બીજા રૂપે રહેલા તમે અમારું કલ્યાણ કરો.

પૂર્વભૂમિકા

મંગલમય જીવનની એવી ઉત્તમ ભાવનામાં સ્નાન કરવાનો આપણને પણ આનંદ આપીને આ ઉપનિષદ આગળ વધે છે. ઉપનિષદના નામ પ્રમાણે આ પ્રશ્ન ને ઉત્તરનું જ ઉપનિષદ છે તેમાં જુદાજુદા જિજ્ઞાસુ તરફથી પુછાયેલા છ પ્રશ્નો ને તેના ઉત્તરો છે. શરૂઆતમાં જ આપણી જિજ્ઞાસા શાંત કરતાં કહેવામાં આવે છે કે પિપ્પલાદ નામે એક મહર્ષિ હતા. તે બ્રહ્મજ્ઞાની હતા. તેમની પાસે જુદાજુદા છ જીજ્ઞાસુ હાથમાં સમિધ લઈને ગયા. તે બધા પરમાત્માનું ચિંતન કરનારા ને પરમાત્મામાં શ્રદ્ધા રાખનારા હતા. તે છ જિજ્ઞાસુ આ પ્રમાણે હતા − (૧) ભરદ્વાજનો પુત્ર સુકેશા (૨) શિબિનો પુત્ર સત્યકામ (૩) ગર્ગ ગોત્રનો સૌર્યાયણી−સૂર્યનો પૌત્ર (૪) અશ્વલનો પુત્ર કૌસલ્ય (૫) વિદર્ભ દેશનો ભાર્ગવ ને (૬) કત્યનો પ્રપૌત્ર કબંધી.

તે બધા ઋષિની પાસે પહોંચ્યા એટલે ઋષિએ તેમને તપ, બ્રહ્મર્ચય ને શ્રદ્ધા સાથે એક વરસ રહેવાની ને તે પછી જે પૂછવું હોય તે પૂછવાની આજ્ઞા કરી. વળી કહ્યું કે જો હું જાણતો હોઈશ તો તમને સારી રીતે સમજાવીશ. ઋષિના એ શબ્દો બરાબર મનન કરવા જેવા છે. જ્ઞાન મેળવવા માટે ઋષિએ છ જિજ્ઞાસુઓને એક વરસ વિધિપૂર્વક     રહીને રાહ જોવાની સલાહ આપી. તેમાંથી એક સાર એ નીકળે છે કે આત્મજ્ઞાન કેવળ વાતોનો કે ચર્ચાનો વિષય નથી, તેની સાથે કેટલીક જરૂરી ધીરજ ને સાધના પણ સંકળાયેલી છે. બીજી વાત એ કે એક વરસ તપ ને શ્રદ્ધાપૂર્વક રહેવાથી નવો વિકાસ થાય, અજ્ઞાન દૂર થાય, લાયકાત વધે ને પ્રશ્નોના કેટલાક ઉત્તર અંતરમાંથી જ આપોઆપ મળી જાય. જ્ઞાનની કિંમત પણ સમજાય.

આજે તો વખત બદલાયો છે ને જ્ઞાન પ્રમાણમાં અત્યંત સુલભ થયું છે. બાકી આજે ચર્ચાજ્ઞાન વધ્યું છે. તેવા માણસોને વરસ કે છ મહિના તો શું પણ એક દિવસે રાહ જોવાનું ને તપ કરીને તૈયાર થવાનું કહેવામાં આવે તો ભૂલેચૂકે લાવેલી સમિધા પાછી લઈને તે તો ચાલતા જ થાય. માણસને મોટે ભાગે ફળ જોઈએ છે પણ તેની કિંમત ચૂકવવાનું નથી ગમતું. ચૂકવવી જ પડે તો ન છૂટકે ઓછામાં ઓછી કિંમત ચૂકવવા તે તૈયાર હોય છે. હા, કોઈ કોઈ સાચા જિજ્ઞાસુ ને સત્યના શોધક પણ હોય છે, ને જ્ઞાનને માટે તે ગમે તેવો મોટો કે નાનો ભોગ આપવા તૈયાર રહે છે. ઉપર કહેલા છ જિજ્ઞાસુ સાચા જિજ્ઞાસુ હતા. તેથી તેમણે ઋષિની શરત કબૂલ રાખી ને ઋષિના આશ્રમમાં શાંતિપૂર્વક રહેવા માંડ્યા.

ઋષિ પણ કેવા નમ્ર ને સરળ છે તેની ખાતરી તેમનાં ટૂંકાં પણ સચોટ વચન પરથી સહેજે થઈ રહે છે. તે કહે છે કે હું જાણતો હોઈશ તો તમને બરાબર ઉત્તર આપીશ. તેમાં તેમની નિખાલસતા, નમ્રતા ને પ્રામાણિકતા ટપકે છે. અનુભવી ને પરમાત્માદર્શી પુરૂષો એવા જ નિખાલસ ને સરળ હોય છે. તેથી તો તેમને શિશુની સાથે સરખાવવામાં આવ્યા છે. ગુરૂ સાચેસાચ એ અર્થમાં શાંતિદાતા છે. સંશયને દૂર કરીને તે અજ્ઞાનમાંથી મુક્તિ આપે છે તેથી મુક્તિદાતા પણ છે. તેવા તારણહાર ગુરૂની પાસે તદ્દન નમ્રતા ને સરળતાથી તથા જિજ્ઞાસુ ભાવે જવાની જરૂર છે. દંભ ને પૂર્વગ્રહથી પ્રેરાઈને તેમની પાસે જનારને કાંઈ જ નહિ મળે, તેનો ફેરો ફોગટ જશે. દોષદ્રષ્ટિને લઈને નહિ પરંતુ ગુણગ્રાહકતાથી પ્રેરાઈને જ તેવા મહાપુરૂષનો સમાગમ કરવો જોઈએ.

માણસ પાસે સૌની અંદરથી સાર લેવાની કળા હોય તો આ પૃથ્વીનો પ્રત્યેક પદાર્થ તેને માટે પ્રજ્ઞાનું પરમ પુસ્તક બનીને પદાર્થપાઠ આપવા પૂરતો થઈ પડે છે. દત્તાત્રેયના ચોવીસ ગુરૂની કથામાં આ વાત સારી રીતે સમાવવામાં આવી છે. તો પછી મહાપુરૂષો પાસેથી તો તેને શિક્ષણનો કેવો કિંમતી ભંડાર મળી શકે ! પણ તે માટેની જરૂરી રુચિ ને દ્રષ્ટિ જોઈએ. બાકી અહંકારી, અક્કડ, દોષદર્શી ને નિંદાખોર માણસને કાંઈ જ નથી મળી શકતું. સૂર્યની સામે ઘરનાં બારી બારણાં બંધ કરનાર માણસ જેમ હાથે કરીને અંધારામાં અટવાય છે, ને ફૂલની ફોરમથી ભરેલા વિશાળ બગીચામાં નાક બંધ કરીને બેઠેલો માણસ જેમ વિના કારણ સુવાસથી વંચિત રહે છે, તેમ તેવો માણસ મહાપુરૂષની પાસે જાય તથા વસવાટ કરે તોપણ તેને કશું નથી મળી શકતું. ‘ઊંડો કૂવો ને ફાટી બોખ, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક’ જ્ઞાની કવિ અખાની એ પંક્તિ પ્રમાણે તેવા માણસનો મહાપુરૂષનો સમાગમ ફોક જ નીવડે છે.

પરંતુ પિપ્પલાદ ઋષિની પાસે આવેલા જિજ્ઞાસુ સાચા હતા. જ્ઞાનના તે પરમ પિપાસુ અથવા ગ્રાહક હતા. તેથી તેમણે ઋષિની આજ્ઞાનુસાર એક વરસ શ્રદ્ધા ને તપપૂર્વક પસાર કર્યું ને પછી ક્રમેક્રમે મહર્ષિ પાસે આવીને પોતાનું દિલ ખોલવા માંડ્યું.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.