Wednesday, June 03, 2020

પ્રશ્નોપનિષદ

ચોથો પ્રશ્ન − સુષુપ્તિ અથવા નિદ્રાવસ્થા વિશે

ચોથા પ્રશ્નમાં નિદ્રા અથવા સુષુપ્તિ વિશે ઉપલક વિચાર કરવામાં આવ્યો છે. સૂર્યના પૌત્ર ગાર્ગ્યે મહર્ષિ પિપ્પલાદને પ્રશ્ન કર્યો છે : ‘પુરૂષ જ્યારે સૂઈ જાય છે ત્યારે તેનામાં રહેલા કયા કયા દેવો સૂઈ જાય છે ને કયા જાગે છે ? કોણ સ્વપ્ન જુએ છે ? નિદ્રાનું સુખ કોને પ્રાપ્ત થાય છે ? ને બધા ઈન્દ્રિયાદિ દેવો કોને આધારે રહ્યા છે?’ 

મહર્ષિ તેને ઉત્તર આપતાં સમજાવે છે કે સૂર્યાસ્ત સમયે સૂર્યનાં કિરણો તેના તેજોમંડળમાં એક થાય છે ને સૂર્યોદય સમયે તેજ પાછાં બધે ફેલાય છે, તેવી જ રીતે બધા ઈન્દ્રિયાદિ દેવતા મનમાં એક થાય છે. તે દશામાં પુરૂષ કાંઈ સાંભળતો નથી, જોતો નથી, સૂંઘતો નથી, સ્વાદ લેતો કે સ્પર્શતો નથી, બોલતો નથી, ગ્રહણ કરતો નથી, આનંદ માણતો નથી, મળત્યાગ કરતો નથી ને અવરજવર પણ નથી કરતો. તે વખતે બહારની બધી ઈન્દ્રિયો લગભગ બેકાર જેવી બની જાય છે ત્યારે તે સૂતો છે એમ કહેવામાં આવે છે તે વખતે શરીરમાં પ્રાણ જાગતો હોય છે. તે પ્રાણ મનને પરબ્રહ્મ પરમાત્માની પાસે લઈ જાય છે. એ મનરૂપી દેવ જ સ્વપ્નમાં પોતાની શક્તિનો અનુભવ કરે છે; સ્વપ્નાવસ્થામાં તે અનેક જાતનાં દ્રશ્યો જુએ છે; જે જોયું હોય તે પાછું જુએ છે; અનેક પ્રકારના શબ્દો સાંભળે છે, ને અનેક પ્રકારના અનુભવો કરે છે. દેશપરદેશમાં જે અનુભવ્યું હોય તે ફરી અનુભવે છે. એટલું જ નહિ, પણ જોયેલું ને ન જોયેલું, સાંભળેલું ને ન સાંભળેલું, અનુભવેલું, સત્ય ને અસત્ય બધું જ તે જુએ, સાંભળે ને અનુભવે છે. પરંતુ શરીરની અંદરના તેજ અથવા પિત્તને લીધે જ્યારે દબાઈ જાય છે ત્યારે તે મનરૂપી દેવતા સ્વપ્ન જોતો નથી પરંતુ કેવળ સુખનો અનુભવ કરે છે. તે વખતે બધું પરમાત્મામાં લીન થઈ જાય છે.

કેવી રીતે લીન થાય છે તે સમજાવવા મહર્ષિ એક સુંદર બંધબેસતી ઉપમા આપે છે. પક્ષીઓ જેમ વૃક્ષ પરના પોતાના માળામાં ભરાઈ જાય તેવી રીતે સુષુપ્તિ દશામાં ઈન્દ્રિયો ને બધી વૃત્તિઓ આત્મામાં એકાકાર બની જાય છે અથવા મળી જાય છે. ઋષિ કહે છે કે એ આત્મા જ વિજ્ઞાનાત્મા પુરૂષ છે. તે જ જુએ છે, સ્પર્શ કરે છે, સાંભળે છે, સૂંઘે છે, સ્વાદ લે છે, વિચાર કરે છે, કર્મ કરે છે ને જાણે છે. તે આત્મા છેવટે પરમાત્મામાં મળી જાય છે. તે પરમાત્મા છાયારહિત, શરીરરહિત, રૂપરંગરહિત, શુદ્ધ ને અવિનાશી છે. તેને જે જાણે છે તે પરમાત્માને જ પામે છે. ઈન્દ્રિયોરૂપી બધા દેવો સાથે બુદ્ધિની ઉપાધિવાળો આત્મા એટલે વિજ્ઞાનાત્મા, પ્રાણો ને પંચમહાભૂતો તે અવિનાશી પરમાત્મામાં જ લીન થાય છે. તે પરમાત્માને જે જાણી લે છે તે બધું જ જાણી જાય છે, જાણવા જેવું જાણી જાય છે, ને પરમાત્મા સાથે એકતાનો અનુભવ કરી લે છે.

સ્વપ્નાવસ્થાના રહસ્ય વિશે હવે તો ઘણું ઘણું શોધાયું ને લખાયું છે. તેનું વિવેચન કરવાનું અહીં અસ્થાને છે. પરંતુ આજથી હજારો વરસો પહેલાં ઠેઠ વૈદિક કાળમાં ભારતના ઋષિવરોએ તેનું પણ ચિંતન-મનન કર્યું હતુ તેની પ્રતીતિ આપણને આ બધું વાચતાં વિચારતાં સહેજે થઈ રહે છે. મન વિશે ઊંડું મનન કર્યા પછી તેમણે મનને વશ કરવાની ને શક્તિશાળી બનાવવાની આખી સાધના શોધી કાઢી હતી. તેને જ યોગસાધનાનું નામ આપવામાં આવ્યું છે. તે મહાન ઋષિવરોના અનુભવભંડાર અથવા જ્ઞાનવારસાનો વિચાર કરતાં તેમના તરફ આપણને જરૂર માન થાય છે.

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok