વારંવાર નમું, તમોને વારંવાર નમું.
પૂરણકામ પ્રભુ, તમોને વારંવાર નમું.
અનેક યુગથી પ્રેમ તમારો, ઉરમાં ભરી ફરું;
તમારો પુજારી હું પ્રેમી, જીવનદાન કરું......તમોને
તમારા વિના ગતિ ના કોઈ, પ્રિય કોઈ ન ખરું ;
કોને ચરણે લળી પડું ને કહો પ્રણામ કરું ?......તમોને
તમારા સમું કોણ દિલાવર, કોને દિલડું ધરું ?
સમર્થ બીજું કોઈ ન મળે, કોને કહો વરું ?......તમોને
પ્રેમ કરી દો પૂરણ મુજને ત્યારે ઠામ ઠરું;
'પાગલ’ કે વરસો કરુણા તો, સ્મિતથી સિંધુ તરું......તમોને
- શ્રી યોગેશ્વરજી