તમે સૌના તારણહાર.
પાલક પ્રભુ છો રક્ષક સૌના વિઘ્ન વિદારણહાર. ....તમે.
ભક્તોનું મંગલ કરનારા, સંસારતણા સાર;
ત્રિગુણાતીત સમર્થ ખરેખર, શરણાગત પ્રતિપાળ. ....તમે.
દીનબંધુ, દેવેશ, દયામય, કાળતણાયે કાળ;
જગ રક્ષાના વ્રતને માટે જન્મો વારંવાર. ....તમે.
પરમ શાંતિમય, સુખકર, પૂરણ, મંગલ તેમ રસાળ;
પ્રેમ સ્વરૂપ પ્રસન્ન સદાયે, સદ્ ગુણ શોભાસાર. ....તમે.
વર્ણન કોણ કરે મહિમાનું, મહિમા છેક અપાર;
અમાપ કેમ શકાયે માપી, પ્રયાસ સર્વ અસાર. ....તમે.
તોફાનમહીં સપડાયાને કરો પ્રેમથી પાર;
પાવન કરો પતિતને જલદી તેમ કરો ઉદ્ધાર. ....તમે.
આવ્યો એવી કથા સાંભળી આજે 'પાગલ’ બાલ;
જોજો ટેક ટળે ન તમારી, લો મારી સંભાળ. ....તમે.
- શ્રી યોગેશ્વરજી