Text Size

Sauptika Parva

વિદુરનું આશ્વાસન

પોતાના પરમપ્રિય પુત્ર દુર્યોધનના અને સમસ્ત કૌરવકુળના નાશ પછી ધૃતરાષ્ટ્રને અતિશય શોક થયો.

એમણે પોતે પ્રમાદ અને મમતાવશ બનીને જે ભયંકર ભૂલ કરેલી તે - દુર્યોધનને કુમાર્ગેથી પાછા ના વાળવાની - ભૂલના એમને ભોગ બનવું પડેલું.

વિદૂરે એમને આશ્વાસન આપ્યું.

એ આશ્વાસનના કેટલાક ઉદગારો ઉલ્લેખનીય હોવાથી અહીં રજૂ કરીએ.

"પ્રાણીઓને માટે અંતે આ જ ગતિ નિર્માણ થઇ છે. સંગ્રહ કરેલા સર્વ પદાર્થો અંતે નાશવંત છે, સર્વ ઉન્નતિનું પરિણામ અંતે અવનતિરૂપ જ હોય છે. સર્વ સંયોગો અંતે વિયોગમાં પરિણામ પામે છે, અને સર્વ કોઇનું જીવન અંતે મરણરૂપે પરિણમે છે."

"સંસારમાં યૌવન અનિત્ય છે, રૂપ અનિત્ય છે, દ્રવ્યસંગ્રહ, આરોગ્ય અને પોતાના પ્રિયજનોની સાથેનો સહવાસ પણ અનિત્ય છે. પંડિત પુરુષે તે પદાર્થોની પ્રીતિ કરવી નહીં."

"માટીનું કોઇ વાસણ ચાકડા ઉપર ચઢતાં જ નાશ પામે છે, કોઇ ચાકડા ઉપર ચઢયા પછી ઘડાતું ઘડાતું નાશ પામે છે. કોઇ ઘડાઇ રહ્યા પછી દોરા વતી કાપીને નીચે ઉતારતાં નાશ પામે છે. કોઇ ઉતાર્યા પછી નીચે પડીને નાશ પામે છે. કોઇ ભીનું ને ભીનું જ ભાંગી જાય છે, કોઇ સુકાયા પછી ભાંગે છે, કોઇ નિભાડામાં પકાવતાં પકાવતાં ભાંગી પડે છે, તો કોઇ નિભાડામાંથી બહાર કાઢીને નીચે ઉતારતાં ભાંગી પડે છે. તે જ પ્રમાણે પ્રાણીઓના શરીરો પણ ગર્ભમાં વિનાશ પામે છે. કોઇ જન્મ્યા પછી તરત નાશ પામે છે. કોઇ જન્મ્યા પછી એક દિવસને અંતરે નષ્ટ થાય છે. કોઇ જન્મ્યા પછી અર્ધમાસને અંતરે નષ્ટ થાય છે. કોઇ એક માસ વીત્યા પછી નાશ પામે છે. કોઇ એક વર્ષ પછી, કોઇ બે વર્ષ પછી, કોઇ યૌવન અવસ્થામાં આવીને, કોઇ મધ્યમ અવસ્થામાં આવીને કે વૃદ્ધાવસ્થામા આવીને વિનાશને પામે છે. સર્વ પ્રાણીઓ પોતપોતાનાં પ્રાચીન કર્મોને અનુસરીને જન્મ ધરે છે અને સમય પૂરો થતાં મરણને પામે છે. આવી અનાદિકાળની સ્વભાવસિદ્ધ પરંપરા છે."

"એક મહાન અરણ્યમાં એક બ્રાહ્મણ જઇ પહોંચ્યો. એ અરણ્ય મોટી મોટી ગર્જનાઓ કરનારા સિંહ, વાઘ, હાથી, રીંછ આદિ અનેક ભયંકર પશુઓથી ભરેલું તેમજ મહાઉગ્ર આકૃતિવાળા માંસાહારી પ્રાણીઓથી વ્યાપ્ત હતું. તે ત્રાસજનક મહાવનને જોઇને તે બ્રાહ્મણના હૃદયમાં અત્યંત ઉદવેગ થવા લાગ્યો."

"તેણે ત્યાં એક ભયંકર સ્ત્રીને પોતાના બંન્ને બાહુઓને લંબાવીને ફરતી જોઇ. પર્વતો સમાન પ્રચંડ શરીરોવાળા અને પાંચ પાંચ મસ્તકોને ધારણ કરનારા મોટા મોટા સર્પોને જોયા. એ વનના મધ્ય પ્રદેશમાં એક કૂવો હતો. તે ઘાસથી વીંટાયેલી મજબૂત લતાઓથી છેક ઢંકાઇ ગયો હતો. પેલો બ્રાહ્મણ એ કૂવામાં ગબડી પડ્યો. પરન્તુ એમાં આસપાસ અનેક લતાઓ ઊગી નીકલી હતી. બ્રાહ્મણ લતાઓનાં એ ગૂંચળાઓમાં ગૂંચવાઇ ગયો. તેના પગ ઊંચા રહી ગયા, મસ્તક નીચું રહી ગયું, અને તે કૂવામાં અધ્ધર લટકી રહ્યો. તેના મસ્તક નીચે તેણે કૂવામાં એક મહાબળવાન મોટો સર્પ જોયો. વળી કૂવાના મુખ પાસે જ મોટો હાથી જોયો. તે હાથીને છ મુખ હતાં; તે અર્ધો કાળો અને અર્ધો ધોળો હતો. તે બાર પગો વડે ધીમે ધીમે ચાલતો હતો, અને આજુબાજુ અનેક વેલાઓથી તથા વૃક્ષોથી ઢંકાયેલો. તે કૂવામાં ઊગી નીકળેલાં વૃક્ષોની શાખાપ્રશાખાઓમાં જુદી જુદી આકૃતિવાલા અનેક ભમરાઓ બેઠેલા. તે બધા ભમરાઓનાં સ્વરૂપ ભયંકર હતાં. તે મધપૂડાને ઢાંકી રહીને બેસી રહેલા, અને મધની ઇચ્છા કરતા હતા. તે મધપૂડામાંથી અનેક મધધારાઓ ઝરી રહેલી. તે મધધારાઓને કૂવામાં લટકી રહેલો બ્રાહ્મણ એકસરખી રીતે પીધા કરતો તે બ્રાહ્મણ મહાસંકટમાં આવી પડેલો તોપણ નિરંતર મધપાન કરતાં કરતાં તેની તૃષ્ણા જરા પણ શાંત થતી ન હતી.

"જે લતાઓના આધારે તે લટકી રહ્યો હતો તે લતાઓનાં મૂળિયાને કાળા અને ધોળા રંગના ઉંદરો કોચી ખાતા હતા. આમ તે મહાભયંકર વનમાં આવી ચઢેલા એ બ્રાહ્મણને ભયંકર શિકારી પશુઓનો, પરમ ઉગ્ર સ્ત્રીનો, કૂવામાં નીચેના ભાગમાં રહેલા મોટા સર્પનો, કૂવાના મોઢા ઉપર ઊભેલા હાથીનો, પોતે જેના આધારે લટકી રહ્યો હતો તે વૃક્ષને ઉંદરોના કાપવાથી તૂટી પડવાનો, અને મધનો લોભ હોવાને લીધે ભમરાઓના કરડવાનો ભય હતો, છતાં પણ પોતાના જીવનની આશામાં ખેદ થતો નહોતો."

"મેં તમને જે કાંઇ કહ્યું તે તો મોક્ષવેત્તા પુરુષોએ વર્ણવેલું એક દૃષ્ટાંત છે. તે રૂપક દ્વારા જ્ઞાન મેળવીને મનુષ્ય પુણ્યમાર્ગે ચાલે છે.

જે ઘોર વનનું વર્ણન કરવામાં આવ્યું તેને ગહન સંસાર સમજવો. વનનાં શિકારી પશુઓને સંસારના વ્યાધિઓ સમજવા. અરણ્યમાં મહાપ્રચંડ શરીરવાળી જે સ્ત્રી વર્ણવી હતી, તેને વિદ્વાનો વૃદ્ધાવસ્થા કહે છે. તે વૃદ્ધાવસ્થા મનુષ્યોના રૂપનો તથા વર્ણનો વિનાશ કરે છે. અરણ્યમા જે કૂવાનું વર્ણન કરવામાં આવ્યું તેને પ્રાણીઓનું શરીર સમજવું. એ કૂવાના નીચેના ભાગમાં જે મોટો સર્પ હોય તેને કાળ સમજવો. તે કાળ સર્વ ભૂતોનો અંતક છે અને સર્વ પ્રાણીઓના સર્વસ્વનું હરણ કરનારો છે. કૂવાના મધ્યપ્રદેશમાં લતાઓના ગૂંચળાઓમાં તે મનુષ્ય લટકી રહ્યો હતો તેને પ્રાણીઓની જીવિતાશા સમજવી. કૂવાના ઉપરના ભાગમાં મુખબંધન પર જે હાથી ઊભેલો તેને સંવત્સર સમજવો. તે હાથીના બાર પગ તે સંવત્સરના બાર મહિના સમજવા. કૂવામાં પુરુષ જેના આધારે લટકી રહેલો તે વૃક્ષના મૂળિયાને કોચી ખાનારા કાળાધોળા ઉંદરોને રાત્રિદિવસ સમજવા. વૃક્ષના ભમરાઓ એટલે કામવાસનાઓ. કૂવામાં મધધારાઓ ઝરતી હતી તેમને કામવાસનાઓના રસ સમજવા. તે રસાસ્વાદમાં મનુષ્યો લીન રહે છે. સંસારચક્રના એવા પરિવર્તનને વિદ્વાનો જ સમજી શકે છે અને તેવા વિદ્વાનો જ યોગ્યરૂપી તલવારની મદદથી સંસારચક્રને તોડી નાખે છે."

સંજયે પણ ધૃતરાષ્ટ્રને આશ્વાસન આપતાં જણાવ્યું કે તમે પુત્રપ્રેમને લીધે તેનું પ્રિય કરવાની ઇચ્છા કરી હતી અને તેથી જ તમને આવો પશ્ચાતાપ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયો છે. માટે હવે તમારે શોક કરવો યોગ્ય નથી. જેમ કોઇ મનુષ્ય કેવળ મધ તરફ જ દૃષ્ટિ રાખીને તેને લેવા જતાં પર્વતના શિખર પરથી પડી જવાનું જોતો નથી, અને મધના લોભથી પડી જઇને અંતે પશ્ચાતાપ કરે છે, તેમ તમે પણ આરંભમાં વિચાર કર્યા વિના હવે પશ્ચાતાપ કરો છો. શોક કરનારા મનુષ્યને અર્થપ્રાપ્તિ થતી નથી; અન્ય કોઇ ફળ મળતું નથી; લક્ષ્મી મળતી નથી; મોક્ષ મળતો નથી. જે પુરુષ પોતે જ અગ્નિને ઉત્પન્ન કરે છે અને એ અગ્નિને વસ્ત્રથી ઢાંકી દેવા જતાં બળી જાય છે તેમજ તેથી મનમાં પશ્ચાતાપ કરે છે તે પુરુષ પંડિત નથી.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok