Text Size

Shvetashvatara

Chapter 2, Verse 01

युञ्जानः प्रथमं मनस्तत्त्वाय सविता धियः ।
अग्नेर्ज्योतिर्निचाय्य पृथिव्या अध्याभरत् ॥१॥

yunjanah prathamam manastattvaya savita dhiyah ।
agnerjyotirnichayya prthivya adhyabharat ॥ 1॥

સકલ સૃષ્ટિના કર્તાભર્તા એવા મંગલ પરમાત્મા,
પ્રથમ અમારી મનબુદ્ધિને લગાવો તમારા રૂપમાં;
અગ્નિ વિગેરે દેવોની જે શક્તિ વિષયમાં વ્યાપી છે,
તેને પાછી વાળી સૌ ઈન્દ્રિયમાં રાખો સ્થાપીને.
વહી જાય ના જેથી શક્તિ ઈન્દ્રિયની કૈં કામ વિના,
સહાયક બને તે મનને આ તત્વપ્રાપ્તિના સાધનમાં. ॥૧॥

અર્થઃ

સવિતા - સૌને ઉત્પન્ન કરનારા પરમાત્મા
પ્રથમમ્ - પહેલાં
મનઃ - અમારા મન (અને)
ધિયઃ - બુદ્ધિશક્તિને
તત્વાય - તત્વની પ્રાપ્તિન્ માટે
યુંજાન્ - પોતાની અંદર જોડતાં
અગ્નેઃ - અગ્નિ (આદિ ઇન્દ્રિયાભિમાની દેવતાઓ)ની
જ્યોતિઃ - જ્યોતિને
નિચાય્ય - અવલોકીને
પૃથિવ્યાઃ - પાર્થિવ પદાર્થોથી
અધિ - ઉપર ઉઠાવીને
આભરત - અમારી ઇન્દ્રિયોમાં સ્થાપિત કરો.

ભાવાર્થઃ

પહેલાં અધ્યાયમાં પરમાત્માના સાક્ષાત્કારના સુંદર સર્વોત્તમ સાધન તરીકે ધ્યાનની અંતરંગ સાધનાનો મહિમા બતાવવામાં આવ્યો. ધ્યાનનું પ્રતિપાદન કરવામાં આવ્યું. હવે આ અધ્યાયના આરંભમાં ધ્યાનની સાધનાની સિદ્ધિને માટે પ્રાર્થનાનો આધાર લેવામાં આવે છે. મન તથા બુદ્ધિ જો પોતાની સમગ્ર શક્તિ સાથે બહિર્મુખ બનીને બાહ્ય વિષયોમાં વિહરવા માંડે તો ધ્યાનની અંતરંગ સાધના સફળ ના થાય અને એ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર પણ થઇ શકે નહીં. એટલા માટે પરમાત્માને પ્રાર્થવામાં આવે છે કે અમારા મનને અને અમારી સમસ્ત બુદ્ધિને સ્થિર કરો, અંતર્મુખ બનાવો, ને તમારા દિવ્ય સ્વરૂપમાં લગાડો, જેથી અમે તમારો સાક્ષાત્કાર કરીને તમારા તાત્વિક સ્વરૂપની પ્રાપ્તિ કરી શકીએ. અગ્નિ જેવા અન્ય ઇન્દ્રિયાભિમાની દેવોની વિષયોને પ્રકાશિત કરવાની શક્તિને, વિષયોમાંથી પાછી વાળીને ઇન્દ્રિયોમાં એકાગ્ર કરવાની શક્તિ આપો, જેથી અમારી ઇન્દ્રિયોની શક્તિ બહાર જવાને બદલે મન તથા બુદ્ધિને તમારી અંદર સ્થિર કરવામાં મદદ કરે.

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok