Text Size

Udyog Parva

શ્રીકૃષ્ણ દ્વારા સમજાવટનો પ્રયાસ

કૌરવો તથા પાંડવો વચ્ચે કુરુક્ષેત્રની ભૂમિમાં જે મહાભારતનું મહાભયંકર મહાયુદ્ધ ફાટી નીકળ્યું તે સર્વસંહારક મહાભીષણ મહાયુદ્ધને અટકાવવા કૃષ્ણ પોતાનાથી બનતું બધું જ કરી છૂટેલા.

પાંડવોના સંદેશવાહક કે વિષ્ટિકાર બનીને એ કૌરવોની સભામાં જઇને જે કાંઇ બોલેલા તે ખાસ યાદ રાખવા જેવું છે. એમના એ કથનનો સારાંશ આ રહ્યોઃ

હે ભારત ! હે ધૃતરાષ્ટ્ર ! વીર પુરુષોનો વિનાશ વહોર્યા વિના કૌરવ-પાંડવોની વચ્ચે સુલેહ થાય એવી માગણી કરવા માટે હું અહીં આવ્યો છું. હે રાજન ! મારે તમારા હિતને માટે આ વિના બીજું કોઇ વચન કહેવાનું નથી; કેમ કે તમે જાણવા યોગ્ય સર્વ જાણો જ છો.

હે રાજન ! આજે કુરુકુળ સર્વ રાજ્યોમાં શ્રેષ્ઠ છે, શાસ્ત્રજ્ઞાન તથા સદવર્તનથી સંપન્ન છે, અને સર્વગુણોથી ઝળકી રહ્યું છે. પારકાના સુખને માટે યત્નરૂપી દયા, પારકાના દુઃખ જોવાથી ત્રાસરૂપી અનુકંપા, પારકાનું દુઃખ મટાડવાના યત્નરૂપી કારુણ્ય, પારકાને દુઃખ ના આપવારૂપી આનૃશંસ્ય, સરળતા, ક્ષમા અને સત્ય એ બધું કુરુવંશીઓમાં બીજાઓના કરતા વિશેષ છે. આવા સદગુણસંપન્ન મહાન અને પ્રતિષ્ઠિત કુળમાં ખાસ કરીને તમારા જ નિમિત્તે દયા વિગેરેથી વિરુદ્ધ વિપરીત વર્તન થાય તે કુરુકુળને યોગ્ય નથી.

તમે કુરુઓના વડીલ હોવાથી તમારે આ કુળમાં જે કોઇ ગુપ્ત રીતે અથવા જાહેર રીતે અયોગ્ય વર્તન કરતા હોય તેમને રોકીને મર્યાદામાં રાખવા જોઇએ.

તમારા અસભ્ય, અમર્યાદ અને લોભથી ભાન ભૂલી ગયેલા દુર્યોધન જેવા પુત્રો, ધર્મ તથા અર્થને પાછળ નાંખીને, પોતાના બંધુઓ સાથે ક્રુરની પેઠે વર્તે છે. તમે એ બધું જાણો છો.

આ મહાભયંકર આપત્તિ કૌરવોમાંથી જ પ્રગટ થઇ છે. અને જો તેની તરફ બેદરકારી રાખવામાં આવશે તો તે આખી પૃથ્વીનો નાશ કરશે. તમે જો કુળના નાશની ઇચ્છા ના રાખતા હો તો એ આપત્તિને શાંત કરી શકાય તેમ છે. બંને પક્ષમાં શાંતિ કરવી કઠિન નથી એમ હું માનું છું. એ શાંતિ તમારે તથા મારે અધીન છે. તમે તમારા પુત્રોને મર્યાદામાં રાખો એટલે હું પાંડવોને મર્યાદામાં રાખીશ.

અનુયાયીઓ સહિત તમારા પુત્રોએ તમારી આજ્ઞા પ્રમાણે વર્તવું જોઇએ. કારણ કે તમારી આજ્ઞામાં રહેવાથી તેમનું મહાન હિત છે. પાંડવોનું પણ હિત છે.

તમારી આજ્ઞાને તમારા પુત્રો પાળે એવી શુભેચ્છાથી પ્રેરાઇને હું સંધિને માટે પ્રયત્ન કરું છું. તેમાં મારું પણ હિત છે.

હે રાજા ! તમે વેરને નિષ્ફળ સમજીને મૈત્રી કરો. તેમ કરવાથી ભરતવંશી વીરો તમારા સહાયકો થશે. પ્રયત્ન કરવાથી પણ પાંડવો જેવા સહાયકો મળી શકે તેમ નથી. માટે તમે પાંડવોની સાથે સંધિ કરી તેમના સંરક્ષણ હેઠળ ધર્માથનું સેવન કરો. પાંડવોથી રક્ષાતા તમને દેવો સહિત ઇન્દ્ર પણ જીતવાને સમર્થ થશે નહીં. તો સામાન્ય રાજા તો ક્યાંથી જીતી શકે ?

તમે જો કૌરવો તથા પાંડવોની સાથે થશો તો મહાન લોકેશ્વરપણાને પામશો, અને શત્રુઓ તમારો પરાભવ કરી શકશે નહીં. સમાન અને તમારાથી શ્રેષ્ઠ રાજાઓ પણ તમારી સંધિ કરશે. તમે પુત્રો, પૌત્રો, પિતાઓ અને સ્નેહીઓથી સુરક્ષિત થઇને સુખમાં જીવન ગાળી શકશો. તમે પાંડવોને આગળ કરીને તેમનો પૂર્વની પેઠે સત્કાર કરશો તો નિષ્કંટક સમગ્ર પૃથ્વીને ભોગવશો. તમે પાંડવો અને પોતાના પુત્રોની સાથે બીજા શત્રુઓનો પરાભવ કરશો એ જ તમારો સંપૂર્ણ સ્વાર્થ છે. જો તમે તમારા પુત્રો, મંત્રીઓ અને પાંડવોની સાથે સલાહ કરશો તો પાંડવોએ સંપાદન કરેલી પૃથ્વીને પણ ભોગવશો.

યુદ્ધ કરવામાં તો ભારે વિનાશ જ દેખાય છે.

સંગ્રામમાં મહાબળવાન પાંડવો અથવા તમારા પુત્રો હણાશે તેથી તમે કેવા સુખને મેળવશો ? પાંડવો અને તમારા પુત્રો શૂરા છે. અસ્ત્રવિદ્યામાં કુશળ છે અને યુદ્ધની આકાંક્ષાવાળા છે. માટે તમે તેને મહાભયમાંથી બચાવી લો.

પૃથ્વી ઉપરના સર્વરાજાઓ એકઠા થયા છે, તેઓ ક્રોધને અધીન થઇને આ પ્રજાનો સંહાર કરી નાખશે. તમે આ લોકોનું રક્ષણ કરો. પ્રજા નાશ ના પામે તેમ કરો, તમે સત્વગુણ ધારણ કરશો તો સર્વ બચી જશે.

પાંડવો બાળક હતા ત્યારે તમારી તેમના ઉપર જેવી પ્રીતિ હતી તેવી જ પ્રીતિ તમારી છેલ્લી અવસ્થામાં પણ તમે રાખો. અને તેમની સાથે સંધિ કરો. પિતા વિનાના પાંડવોને તમે જ ઉછેર્યા હતા. માટે અત્યારે પણ ન્યાય પ્રમાણે તેમનું તથા પુત્રોનું પાલન કરો.

પાંડવો આજ સુધી ધર્મ તરફ દૃષ્ટિ રાખીને મૌન બેઠા છે. પાંડવોને રાજ્યભાગ આપવા વિના બીજું શું કહી શકાય તેમ છે ?

હે ભરતશ્રેષ્ઠ ! તમે ક્રોધને અધીન ના થાવ. પાંડવોને તેમનો રાજ્યભાગ આપીને તમે કૃતાર્થ બનો તથા પુત્રોની સાથે વૈભવ ભોગવો.

હું તો તમારું અને તેમનું કલ્યાણ ઇચ્છું છું.

શત્રુદમન પાંડવો તો તમારી સેવા કરવા અને યુદ્ધ કરવા પણ તૈયાર છે. માટે એ બેમાંથી તમને જે વધારે અનુકૂળ લાગે તેને સ્વીકારો.

શ્રીકૃષ્ણના વિચારોને ભીષ્મે, દ્રોણે, તથા ગાંધારીએ પણ ટેકો આપ્યો. અન્ય રાજાઓએ પણ અનુમોદન આપ્યું. એમણે અને ધૃતરાષ્ટ્રે, દુર્યોધનને, કર્ણને અને શકુનિને સમજાવી જોયા, પરંતુ એમણે ના માન્યું. દુર્યોધનનું અંતર લેશ પણ ના પીગળ્યું.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok