Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દુનિયા એક કુટુંબ, સારી દુનિયા એક કુટુંબ !
એક જ વાડી, એક માલિકી, દુનિયાની આ કુંજ ... દુનિયા.

કાળા, પીળા, લાલ, રંગમાં મૂળ ના કદી ભૂલ,
જુદી ડાળી પર છો ખીલે, બધાં ફૂલનાં ફૂલ ... દુનિયા.

ક્યાંક હર્ષ ને આંસુ ક્યાંક, તો ક્યાંક વેદના શૂળ,
જુદા જુદા હોય ભલે સૌ, એક ગીતના સૂર ... દુનિયા.

રંક રાય ને મહેલ મઢૂલી, ક્યાંક શિલા ને ધૂળ,
પીંજર નાનાં મોટાં સર્વે, વસે એક ત્યાં નૂર ... દુનિયા.

પ્રેમ, જ્ઞાન, સૌન્દર્ય, રાગ ને મમતાનું આ પૂર,
જગતપટે સઘળે જ વહે છે, દિશા તણી ના ભૂલ... દુનિયા.

સૌની પૃથ્વી પરે પથારી, વ્યોમ છત્ર અણમૂલ,
વાયુ વહે છે સૌને કાજે, લઇ એકતા-સૂર ... દુનિયા.

દેવોને પણ ઇર્ષ્યા થાયે એવી આ ફળદ્રુપ,
દુનિયામાં માનવ માનવને માટે જીવો ખૂબ ! ... દુનિયા.

ભેદ કરી દો દૂર, જલાવો અશાંતિ, વરસો નૂર,
સત્ય, પ્રેમ ને સેવા કાજે, ‘પાગલ’ હો ચકચૂર ... દુનિયા.

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit