શ્રી કૃષ્ણ સ્તુતિ
MP3 Audio
વંદન નંદ-યશોદા નંદન (૨)
માત દેવકીનાં પ્રિયનંદન,
કરો અસુરદળ કેરું ખંડન,
પ્રણિપાત પરમ યદુકુલચંદન ... વંદન
મન મથુરાના મંગલવાસે,
મૂર્તિ મધુરી નિશદિન હાસે,
અંતર કરતું પ્રેમે ક્રંદન ... વંદન
ભાવ ભક્તિની નિર્મળ યમુના,
વહે નિરંતર રમણ કરો ત્યાં,
અરજી એ અઘ અખિલનિકંદન ... વંદન
વેણુ વગાડો રાસ રમાડો,
તરસ તમારી તીવ્ર લગાડો,
અર્પીએ આત્મિક અભિનંદન ... વંદન
પ્યાસ તમારી આશ તમારી,
ઉર ઉપવનમાં રસની ક્યારી,
સફળ કરો હે મુનિમન મંડન ... વંદન
અંતરમાં શુચિ ભાવ ભરી લો,
દર્શન દેતાં ધન્ય કરી દો,
સાર્થક સર્વ કરી દો સ્પંદન ... વંદન
- શ્રી યોગેશ્વરજી