શ્રી રામ સ્તુતિ
વંદન રઘુવર દશરથ નંદન
શોભાસાગર રઘુકુલ ચંદન
ઋષિમુનિ શંકર સુરનર વંદન ... વંદન રઘુવર
સુંદરતાના સંપુટ શાશ્વત
નિર્મળતાના મધુમય ભાસ્કર
પ્રેમતણાં હે પ્રાણ પુરાતન
રક્ષક ભક્તોના નિશિવાસર ... વંદન રઘુવર
અંતર કેરી અનુપ અયોધ્યા
પ્રગટો પાવન કરવાને ત્યાં
નાશ નિશાચર કેરો કરવા
મંગલ મહિમા મુક્તિ ધરવા ... વંદન રઘુવર
શાંતિ છવાયે મણિમય મંદિર
વાજે વાદ્ય વિવિધ રસ મંડિત
જીવન સર્વ સમર્પે તમને
કૃતકૃત્ય બને આતમ સ્પર્શે ... વંદન રઘુવર
મંગલ મધુમય પ્રેમનિકેતન
પ્રાણ જગતના કેવળ ચેતન
શમવો સર્વ હૃદયના ક્રંદન
પ્રગટો પ્રેમે વંદન વંદન ... વંદન રઘુવર
- શ્રી યોગેશ્વરજી