પ્રેમ વિના ના છૂટે, બંધન પ્રેમ વિના ના છૂટે.
લાખ ઉપાય ન તૂટે, બંધન પ્રેમ વિના ના છૂટે,
કૃપા કરી દે કૃપાળુ ત્યારે આપોઆપ જ તૂટે.
શોક મોહ ને મદની જ્વાલા, મમતા ને આસક્તિ તાળાં,
તૂટે ત્યારે પ્રેમ પ્રકાશે અંગ કરી અલોકિત સારાં,
લાખ ઉપાય ન તૂટે, બંધન પ્રેમ વિના ના છૂટે.
જ્ઞાન પ્રેમનો પ્રકાશ એક જ ભેદભાવને દૂર કરી દે,
અવિચલ શાંતિ દે આતમને, ભય ને મૃત્યુ ધૂળ કરી દે,
લાખ ઉપાય ન તૂટે, બંધન પ્રેમ વિના ના છૂટે.
પ્રેમે કરી તું જપજે એને, શ્વાસે શ્વાસે રટજે નેમે,
વિયોગ મીરાં નરસીં જેમ જ તરી જશે કેવલ તું પ્રેમે,
લાખ ઉપાય ન તૂટે, બંધન પ્રેમ વિના ના છૂટે.
- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

