મહેલવાળાને મઢુલીવાળાની સાથે પ્રીત થઈ છે રે,
વધતી જાય છે એ તો નીત,
થઈ રહી એની પ્રતીત ....મહેલવાળાને
કમી નથી સાચે એના ભંડારમાં કોઈ,
મોહાઈ ગયું તેનું હૈયું તોયે દીન જોઈ,
પ્રીતની એવી રીત, પ્રીત થઈ છે રે ... મહેલવાળાને
સુધાના સરોવર જેવું મુખડું મધુર એનું,
ત્રિભુવનની સુંદરતાથી ચઢે છે સ્વરૂપ જેનું,
કુરૂપને ધરી દીધું ચિત્ત, પ્રીત થઈ છે રે ... મહેલવાળાને
ગંગા છે જ્ઞાનની એ, જમના છે ભાવનાની,
સરસ્વતી સાધનાની, ત્રિવેણી પવિત્રતાની,
હૈયું તો એનું નવનીત, પ્રીત થઈ છે રે ... મહેલવાળાને
ત્રિભુવન છે જેને ચરણે ભિક્ષા તે તો શી માગે,
ધન્યતામાં ન્હાય છે જે આંસુ તેને શેં જાગે,
યાચે તે સ્નેહનું સંગીત, પ્રીત થઈ છે રે ... મહેલવાળાને
રોતા ના થાકે છે એ તૃપ્તિ ધારે નહિ એ,
સ્વામી છે તોય ચાહે સેવકના સાથ ને રે,
થાય ના લગીરે ભયભીત, પ્રીત થઈ છે રે... મહેલવાળાને
મુનિ ને યોગીને ના જણાય છે સાર એનો,
લવલેશ તે જ જાણે ‘પાગલ’ છે પ્રાણ જેનો,
જુગ જુગ જીવો ભલે પ્રીત, પ્રીત થઈ છે રે.. મહેલવાળાને
- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

