પ્રેરણા
આકાશે મચ્યાં છે આજે કેવાં ઘન ઘોર,
ચપલાં ચમકે, કરે કેવો કેવો શોર;
ઉકળાટ ધરતીને થાય ચારે કોર,
વરસે છે વાદળાં ને કરે છે કિલ્લોલ !
અંધકાર ચારે કોર રહ્યો ભરપૂર,
આંખ ઠરે તોય જરી દેખાયે ના ધૂળ;
મુંઝાયે છે લોક કેમ પામવો પ્રકાશ,
દીપક જાગે છે, નાસી જાય છે અંધાર !
જ્યારે જ્યારે જીવનમાં આમ હો અંધાર
મુંઝાયે ને મન ત્યારે હો તમે પ્રકાશ;
તર્ક ને વિતર્ક કરે શોર ચારે કોર
ભય ને વિનાશ વીજ મૂકે દોટાદોટ
ત્યારે ત્યારે કરવાને અંતરને શાંત
વરસી રહેજો તમે કૃપા વરસાદ.
- શ્રી યોગેશ્વરજી