પ્રવાસી, પ્રેમનગર રસ પી
પ્રવાસી, પ્રેમનગર રસ પી.
પ્રેમનગરમાં ભક્તિ તણો પથ ઇશ્વરને વશજી,
તેને પામી વશ તું કરી લે, ખોબે ખોબે પી ...પ્રવાસી
જીવન જાયે પળ પળ ચાલે કાલ જતો કરથી;
ધારે તે તું કરી શકે છે, અમુલખ સર્વ ઘડી ...પ્રવાસી
ઇન્દ્રિય સુખને અલ્પ ગણી લે,વશ ક રને મનજી;
શ્રદ્ધા ઘોડે સ્વાર બની લે, ચિંતા મૂક અમથી ...પ્રવાસી
શાંતિ મળે ના અન્ય નગરમાં, સુખનો લેશ નહીં ;
ભ્રમણા સઘળે, પ્રેમનગરમાં સુખની સદા ઝડી ...પ્રવાસી
'પાગલ' કૈંક પ્રેમરસ પી પી, મસ્ત થયા શું ઋષિ;
પીશે તો શું બાકી રે'શે, ધન્ય જઇશ બની ....પ્રવાસી
- શ્રી યોગેશ્વરજી