Text Size

Adhyay 1

Pada 1, Verse 02

२. जन्माद्यस्य यतः ।

અર્થ
અસ્ય = આ જગતનાં
જન્માદિ = જન્મ એટલે ઉત્પત્તિ, સ્થિતિ તથા પ્રલય.
યતઃ = જેને લીધે. (થાય છે તે બ્રહ્મ છે.)

ભાવાર્થ
આ સૂત્રમાં બ્રહ્મની સંક્ષિપ્ત સારગર્ભિત સુંદર વ્યાખ્યા આપવામાં આવી છે. બ્રહ્મની જિજ્ઞાસાથી પ્રેરાઈને બ્રહ્મની સમ્યક્ વિચારણાનો આરંભ કરવા તૈયાર તો થયા; એ વિચારણાના મહત્વને પણ સમજી લીધું; પરંતુ એ બ્રહ્મ શું છે, એની દ્વારા શું અભિપ્રેત છે, એ પણ જાણવું તો જોઈએ જ. એના વિના એ વિશેની વિચારણા આગળ કેવી રીતે વધી શકે અને સફળ પણ કેવી રીતે બને ? માટે જ આ સારવાહી સૂત્રની રચના કરવામાં આવી છે. એમાં બ્રહ્મ વિષયક મહત્વનો વિચાર રજૂ કરાયો છે. એ વિચારને અનુલક્ષીને કહેવું હોય તો કહી શકાય કે બ્રહ્મ કોઈ વ્યક્તિ નથી પરંતુ શક્તિ છે, ચેતના છે, પરમતત્વ કે સત્ય અથવા ચેતના છે. એની અંદરથી આ સમસ્ત જડ ચેતનાત્મક દૃશ્યમાન અથવા વિવિધ ઈન્દ્રિયો દ્વારા અનુભવગમ્ય જગત પ્રાદુર્ભાવ પામે છે, એની અસાધારણ શક્તિથી ચોક્કસ નિયમો કે સિદ્ધાંતોની મર્યાદામાં રહીને, એમનું પરિપાલન કરતાં ટકે છે, અને અંતે એની અંદર વિલય પામે છે. મોટા મોટા વિદ્વાનોને, વિચારકોને ને વૈજ્ઞાનિકોને પોતાની અલૌકિકતા, અસાધારણતા અને અનેકવિધતાથી આશ્ચર્યચકિત કરી નાખનારા આ સંસારના સર્જન, સંરક્ષણ અને વિસર્જનની પાછળ પરમાત્માની અદ્ ભુત અચિંત્ય લીલામયી સનાતન સર્વોપરી શક્તિ જ કાર્ય કરી રહી છે. સંસારનું શ્રેય એને જ ઘટે છે.

આવા સુવિશાળ સુદીર્ઘ સમયથી આવેલા જગતનો જન્મ કાંઈ એની મેળે અથવા આકસ્મિક રીતે તો નહિ જ થયો હોય. આ સૂર્ય, ચંદ્ર, તારાવાળું વ્યોમમંડળ, સરિતા તથા સાગર, પર્વતો ને વૃક્ષો, મનુષ્યાદિ યોનિઓ કે લોકલોકાંતરો તેમ જ ઋતુઓનાં ચક્ર પરિવર્તનો ને જન્મ મરણની રહસ્યમય ઘટનાઓ કાંઈ આપોઆપ નહિ બની હોય. એમના સર્જન અને સંચાલન પાછળ કોઈ શાશ્વત, સર્વશક્તિમાન સર્વશ્રેષ્ઠ સત્તા અવશ્ય અસ્તિત્વ ધરાવતી હશે. એ સત્તા કે ચેતના જ પરમાત્મા છે. એની અંદરથી આ બધું જગત પ્રાદુર્ભાવ પામે છે પરંતુ એ પોતે પરમ સનાતન સત્ય સ્વરૂપ હોવાથી એના આવિર્ભાવનું કારણ કશું જ નથી બનતું. એ તો અનંતકાળથી છે જ અને અજન્મા છે. એની સ્થિતિ માટે પણ એને કોઈની ઉપર આધાર નથી રાખવો પડતો. એ પરિપૂર્ણ આત્મતૃપ્ત અને આત્મનિર્ભર છે. એ સૌના મૂળરૂપ હોવાથી એની અંદર સઘળું વિલય પામે છે પરંતુ એનો વિલય કશામાં નથી થતો. એ સ્વતંત્ર તેમજ સનાતન છે. માટે જ પરમ અથવા શાશ્વત સત્ય કહેવાય છે.

પરમાત્મા પ્રેમમય, દયામય, ન્યાય કરનારા, કર્મફળના પ્રદાતા, જ્ઞાનસ્વરૂપ અને રસના નિધાન અથવા રસમય છે એવાં એવાં વિધાનો કેટલાક ધર્મગ્રંથોમાં જોવા મળે છે. એવા વિધાનોની ચર્ચાવિચારણામાં પડવાને બદલે મહર્ષિ વ્યાસે આ સૂત્રમાં પરમાત્માના એક જ મૂળભૂત સર્વસ્વીકાર્ય લક્ષણ તરફ અંગુલિનિર્દેશ કર્યો છે. એ લક્ષણ ખૂબ જ મહત્વનું છે. હવે તો આધુનિક વૈજ્ઞાનિકો પણ ભાતભાતના ને જાતજાતના પ્રયોગોને પરિણામે માનવા માંડ્યા છે કે આ વિશાળ વિશ્વ જડ પદાર્થોનો સંઘાત નથી, પોતાની મેળે નથી બન્યું કે નથી ટકતું, પરંતુ એની પાછળ કોઈક અપાર્થિવ વિરાટ શાશ્વત ચેતના કાર્ય કરી રહી છે. ભારતના સ્વધામધન્ય પ્રાતઃસ્મરણીય ઋષિઓએ સંસ્કૃતિના ઉષઃકાળથી જ એ પરમચેતનાનો વિચાર તથા સાક્ષાત્કાર કરેલો ને કહેલું કે સૌના મૂળમાં અને સૌની અંદર એ ચેતના રહેલી છે. એ જ ચેતનાનો અપરોક્ષ અનુભવ કરવા જેવો છે. તૈત્તરિય ઉપનિષદમાં કહ્યું છે : ‘આ બધા જીવો કે પદાર્થો જેમાંથી પ્રાદુર્ભાવ પામે છે, પ્રાદુર્ભાવ પામીને જેના આધારે, જેની શક્તિથી ટકે છે, તથા જેના પ્રતિ પ્રયાણ કરીને જેની અંદર પ્રવેશે છે, તેને જ જાણવાની પ્રવૃત્તિ કર. તે જ બ્રહ્મ છે.’
यतो वा ईमानि भूतानि जायन्ते, जातानि जीवन्ति, यत्प्रयन्त्स्यभिसंविशन्ति ।
तद्विजिज्ञासस्व । तद् ब्रह्मेति ।

માંડૂક્ય ઉપનિષદ પણ કહે છે કે ‘પરમાત્મા સંપૂર્ણ જગતના પ્રાદુર્ભાવસ્થાન કે કારણ છે.’ एषः योनिः सर्वस्य । ગીતાના સાતમા અધ્યાયના છઠ્ઠા શ્લોકના ઉત્તરાર્ધમાં પણ કહ્યું છે કે ‘આ સંપૂર્ણ સંસારના પ્રાદુર્ભાવ તથા પ્રલયનું કારણ હું જ છું.’ अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तया ।

પરમાત્માના નામો તો અનેક છે પરંતુ એ બધાં નામોમાંથી વધારે વિખ્યાત નામ સચ્ચિદાનંદ છે. એ નામમા ઊંડું રહસ્ય રહેલું છે. પરમાત્મા પરમ સત્યસ્વરૂપ છે એટલે અવિકારી, અપરિવર્તનશીલ, અજ, અજર અને અમર છે. એમનો કદી હ્રાસ કે નાશ નથી થતો. એ પરમજ્ઞાનસ્વરૂપ છે એટલે અવિદ્યારુપી અંધકારથી અને એની અસરોથી સર્વથા મુક્ત છે. બંધનરહિત, પરિપૂર્ણ અને પરમ આનંદરૂપ છે. આત્મા પોતે એમનો અંશ અને એમનાથી મૂળભૂત રીતે અવિભક્ત હોવાથી એવા જ ગુણધર્મોથી સંપન્ન છે અને એનો એવો અખંડ અનુભવ હોય કે ના હોય તો પણ એ અનુભવની ઉચ્ચત્તમ અવસ્થા માટે જ્ઞાત અથવા અજ્ઞાત રીતે ઝંખે છે. એને લીધે એના મૂળભૂત સ્વરૂપનું અનુમાન સહેલાઈથી થઈ શકે છે. એ અધિકાધિક સુખશાંતિની, આનંદની અને દીર્ઘ જીવનની ઈચ્છા કરે છે. કારણ કે પોતે સચ્ચિદાનંદસ્વરૂપ પરમાત્માનો મૂળભૂત અંશ છે અને એ પરમાત્માની પાસે પહોંચવા માગે છે.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok