Text Size

Adhyay 1

Pada 1, Verse 03

३. शास्त्रयोनित्वात् ।

અર્થ
શાસ્ત્ર (વેદાદિ શાસ્ત્રગ્રંથમાં) એ બ્રહ્મને જગતના કારણ કહ્યા છે એટલા માટે.

ભાવાર્થ
પરમાત્માને આ અખિલ વિશાળ વિશ્વના મૂળાધાર અથવા જગતના જન્માદિના કારણરૂપ કેમ માની લેવાય, એવો સવાલ અત્યાર સુધીની ચર્ચા વિચારણા પરથી સામાન્ય રીતે જ સમુદ્ ભવે. ઉપનિષદાદિ ગ્રંથોમાં તો પરમાત્માને અકર્તા, અવ્યક્ત, અચિંત્ય, નિર્ગુણ, નિરાકાર કહેલા છે ! એવા સંભવિત પ્રશ્નના રુપે આ સૂત્રની રચના થઈ છે. એ દ્વારા કહેવામાં આવે છે કે એમાં શાસ્ત્રવચન પ્રમાણ છે. વેદાદિ ધર્મ ગ્રંથોમાં એવું વર્ણવેલું છે. જો કે ઉપનિષદાદિ શાસ્ત્રોમાં કેટલેક ઠેકાણે બ્રહ્મનું વર્ણન કરતી વખતે અકર્તા, અવ્યક્ત જેવા શબ્દોનો પ્રયોગ કરાયો છે તો પણ એ જ શાસ્ત્રોએ એમને માટે અન્યત્ર વિશ્વના ધાતા તથા પતિ જેવા શબ્દપ્રયોગો પણ કરેલા છે. એટલે પરબ્રહ્મ પરમાત્માનું વિશ્વકર્તૃત્વ સામાન્ય પદાર્થના કે વ્યક્તિના કર્તૃત્વ કરતાં છેક જ વિલક્ષણ છે. પરમાત્મા કર્તા છતાં અકર્તા છે. વ્યક્ત જેવા દેખાતા હોવા છતાં અવ્યક્ત છે.

આટલા મોટા જગતનું મૂળ, આદિ અથવા કારણ તો કશુંક હોવું જોઈએ ને ? પદાર્થનો પ્રાદુર્ભાવ પોતાની મેળે નથી થતો, એના પ્રાદુર્ભાવની પાછળ કશુંક નક્કર ચોક્કસ કારણ હોય છે. કોઈ ચેતના, સત્તા, રહસ્ય અથવા જીવનપ્રદાયિની શક્તિ કામ કરે છે. તો પછી આટલા મોટા જગતની પાછળ કોઈ જીવનપ્રદાયિકા શક્તિનું અસાધારણ અસ્તિત્વ કેમ ના હોય ? એવી એક સર્વોપરી સત્તા કે ચેતનાના અસ્તિત્વનું પ્રતીતિકારક અનુમાન અથવા વર્ણન કરવાને બદલે મહર્ષિ પાસે આ સૂત્રમાં શાસ્ત્ર પ્રમાણને મહત્વનું માન્યું છે અને પ્રમાણભૂત કહી બતાવ્યું છે એનું મુખ્ય કારણ એ કે એ જમાનામાં વેદાદિ શાસ્ત્રો પ્રત્યે અસાધારણ આદરભાવથી જોવામાં આવતું. એ શાસ્ત્રોના વચનો સૌની શંકાઓનું સમાધાન કરી દેતાં એમનો આધાર લઈને ભિન્નભિન્ન રૂચિ, પ્રકૃતિ તથા વિચારસરણીવાળા પુરૂષો પ્રેરણા મેળવતા.

મહર્ષિ વ્યાસનો સાધનાત્મક સ્વાનુભવ ખૂબ જ વિશાળ અને વાસ્તવિક હતો અને એમના યુગમાં પ્રભાવ પણ એવો જ અસાધારણ અને પ્રખર. એ જો એવું કહેત કે પરમાત્મા વિશેની આ વાત મારા અનુભવના આધાર પર કહી રહ્યો છું તો વિદ્વાનો કે વિચારકો એમની વાતને મોટે ભાગે માની લેત. પરંતુ પોતાની જાતને વચ્ચે લાવવાને બદલે એમણે શાસ્ત્રપ્રમાણનો નિર્દેશ કરી બતાવ્યો એ એમની નમ્રતા દર્શાવે છે. એ ઉપરાંત એમની વેદાદિ ધર્મગ્રંથો પ્રત્યેની પ્રબળ શ્રદ્ધાભક્તિ પણ પુરવાર થાય છે.

સામાન્ય અથવા અસામાન્ય માનવે પ્રેરણા, પ્રકાશ તથા પથપ્રદર્શનને માટે ક્યાંક તો પોતાની શ્રદ્ધાભક્તિને ધારવી કે સ્થાપવી જ રહી. કોઈક સ્વાનુભવસંપન્ન સંત અથવા સદ્ ગુરૂમાં, દેવમાં, પરમેશ્વરમાં, પોતામાં કે શાસ્ત્રમાં. શાસ્ત્ર પરમાત્માના પરમકૃપાપાત્ર સ્વાનુભવસંપન્ન સર્વોત્તમ સંતપુરૂષોના સુવિચારો કે સદુપદેશોનો અલૌકિક અમર અક્ષરદેહ છે. એ દૃષ્ટિએ એનું મહત્વ ધાર્યા કરતાં ઘણું મોટું છે. એમાં પણ વેદ અને ઉપનિષદ જેવા મહા મૂલ્યવાન ધર્મગ્રંથો પોતાનું આગવું સ્થાન ધરાવે છે. એમની અંદર સમાયલા ચિંતન, મનન અને અનુભવના ઉદ્ ગારોનો મહિમા ઘણો મોટો છે. માટે જ મહર્ષિ વ્યાસ એમના પ્રત્યે અદભૂત આદરભાવ બતાવે છે. એ આદરભાવ અભિનંદનીય છે. એનો વિરોધ અથવા અનાદર કરવાનું કશું જ કારણ નથી. શંકાસમાધાન માટે શાસ્ત્રો તરફ વળવામાં આવે અથવા એમનો આશ્રય લઈને એમની મદદ મેળવવામાં આવે એમાં કશું ખોટું નથી. એથી માનવની સ્વતંત્ર બુદ્ધિનું અપમાન નથી થતું. એ સ્વતંત્ર બુદ્ધિનો ઉપયોગ કરીને વિચારવાનું તો છે જ, પરંતુ એવી બુદ્ધિ જ્યાં આગળ ના વધે અને સંશયાત્મિકા મટીને નિશ્ચયાત્મિકા ના બને ત્યાં શાસ્ત્રોની મદદ મેળવીને એને પુષ્ટ તથા પરિપકવ બનાવવાની પ્રવૃત્તિ કરવાની છે. એમાં કશું ખોટું નથી.

જે પોતાની મેળે જ નિર્ણય કરી શકે છે તેને માટે શાસ્ત્રપ્રમાણની આવશ્યક્તા નથી રહેતી. તેનું જીવન, લેખન તથા સંભાષણ શાસ્ત્રરૂપ બની જાય છે. તે તો શાસ્ત્રને રચે છે પણ ખરો. પરંતુ એવું વિધાન તો એકાદ મહામાનવને જ લાગુ પડી શકે. બીજાએ તો એનો અથવા શાસ્ત્રોનો આધાર લઈને જ ચાલવું પડે. શાસ્ત્રવચનથી પોતાની બુદ્ધિ જુદું કહેતી હોય ત્યારે પણ એનો અનાદર ના કરે પણ અધિકાધિક અનુભવ મેળવે. ગીતાએ સોળમા અધ્યાયના અંતિમ શ્લોકમાં એ સંદર્ભમાં જ જણાવ્યું છે કે ‘કાર્ય અને અકાર્યનો નિર્ણય કરતી વખતે શાસ્ત્રને પ્રમાણ માનીને શાસ્ત્રના વિધાનને જાણી અથવા અનુસરીને આ જગતમાં કર્મો કરવાં જોઈએ.’
तस्माच्छास्त्रं  प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ ।
ज्ञात्वा  शास्त्रविधानोक्तं   कर्म  कर्तुमिहार्हसि ॥

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok