Text Size

Adhyay 1

Pada 1, Verse 24-25

२४. ज्योतिश्चरणाभिधानात् ।

અર્થ
ચરણાભિધાનાત્ = એ જ્યોતિના ચાર પાદ કહી બતાવ્યા છે  માટે. 
જ્યોતિ: = જ્યોતિ: શબ્દ પરમાત્માનો વાચક છે.

ભાવાર્થ
હવે છાંદોગ્ય ઉપનિષદમાં આવતા જ્યોતિ શબ્દ વિશે પણ એવી જ શંકા થાય છે કે ત્યાં જ્યોતિ શબ્દ પણ પરમાત્માનો જ વાચક છે ? એ ઉપનિષદ જ્યોતિના સંબંધમાં જણાવે છે કે ‘આ મૃત્યુલોકથી અને સ્વર્ગલોકથી ઉપર જે દિવ્ય જ્યોતિ પ્રકાશે છે તે સમસ્ત વિશ્વના પૃષ્ઠ પર એટલે સૌની ઉપર, સર્વોત્તમ પરમધામમાં પ્રકાશી રહી છે. એ જ્યોતિ આ પુરૂષની અંદર જે આંતરિક જ્યોતિ છે તે જ છે.’

આ રહ્યું એ જ્યોતિ વર્ણન -
अथ यदतः पशे दिवो ज्योतिर्दीप्यते विश्वतः पृष्ठेषु सर्वतः पृष्ठेष्वनुत्तमेषूत्तमेंषु लोकेष्वीदं वाव तद्यदिदमस्मिन्नन्तः पुरूषे ज्योतिः ।
એમાં જે જ્યોતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે જ્યોતિ કોઈ સ્થૂળ સાધારણ જ્યોતિ નથી સમજવાની. જ્યોતિ શબ્દ ત્યાં પરમાત્માને માટે વપરાયલો છે.

ગીતા જેને જ્યોતિઓની જ્યોતિ તથા અવિદ્યારૂપી અંધકારથી પર કહે છે તે જ એ પરમાત્મજ્યોતિ છે.
ज्योतिषामेपि तज्ज्योतिस्तमसः परमुच्यते ।

ઉપનિષદમાં એ પરમ પ્રકાશમય પરમાત્માના ચાર પાદનું વર્ણન આવે છે. એ વર્ણન પ્રમાણે સમસ્ત ભૂતસૃષ્ટિને એમના એક પાદ તરીકે બતાવીને બીજા ત્રણ અને પરમધામમાં રહેલા કહી બતાવ્યા છે. વેદના પુરૂષસૂક્તમાં પણ એવી જ રીતે પરમપુરૂષ પરમાત્માના ચાર પાદનું વર્ણન છે. એટલે જે જ્યોતિ છે તે પરમજ્યોતિ પરમાત્મા જ છે. ત્યાં સામાન્ય જ્યોતિનું વર્ણન નથી કરવામાં આવ્યું. સામાન્ય લૌકિક જ્યોતિમાં એવી લોકોત્તર શક્તિની કલ્પના પણ ના કરી શકાય.

ભારતમાં ને ભારતની બહારના કેટલાક દેશોમાં જ્યોતિની પૂજા થાય છે તે પરબ્રહ્મ પરમાત્માના પ્રતીક તરીકે થાય છે. મંદિરોમાં, ધર્મસ્થાનોમાં, મંગલ પવિત્ર પ્રસંગો પર, જ્યોતિ અથવા અખંડ જ્યોતિ જગાવવામાં આવે છે. એ શું સૂચવે છે ? એ પરમાત્માની સ્મૃતિ કરાવે છે. અને પરમાત્માને પામવાની ને એને માટેના પુરૂષાર્થની પ્રેરણા પાડે છે. જીવન શાને માટે છે તેને સંકેતમાં સમજાવે છે. અવિદ્યારૂપી અંધકારનો અંત આણીને એવા જ પવિત્ર પ્રજ્ઞાના પ્રકાશમાં પ્રવેશવાનો સંદેશ આપે છે. જે શાસ્ત્રો, સંતો ને સદુપદેશકો ના સમજાવી શકે તે જીવનસંદેશને સહેલાઈથી સમજાવી દે છે.

જીવન જ્યોર્તિમય બનવું જોઈએ. બીજાને માટે પ્રકાશદાયક થવું જોઈએ. એમાં સત્ય, દયા, ક્ષમા, પ્રેમ, અભય, સેવાભાવ, શુદ્ધિ જેવા સદ્ ગુણોની, સદ્ વિચારોની, સદ્ ભાવોની ને સત્કર્મોની સુંદર અખંડ જ્યોતિ જાગી જવી જોઈએ. એવી જ્યોતિ વ્યક્તિ તથા સમષ્ટિનું કલ્યાણ કરી શકે. જ્યોતિમાં એવી જીવનપ્રેરક શક્તિ છે. એ જ્યોતિ બીજા કશાનું નહિ પરંતુ પરમાત્માનું જ પ્રતિનિધિત્વ કરે છે.

---

२५. छांदोङभिधान्नोति चेन्न तथा चेतोङर्पणनिगदात् तथा हि दर्शनम् ।

અર્થ
ચેત્ = જો.
છંદોઙભિધાનાત્ = ગાયત્રી છંદના ઉલ્લેખને લીધે. 
ન = પરમાત્માના ચાર પાદનું વર્ણન નથી એવું માનીએ. 
ઈતિ ન = તો તે બરાબર નથી.
તથા = એવા વર્ણન દ્વારા.
ચેતોઙર્પણનિંગદાત્ = પરમાત્મામાં ચિત્તનું સમર્પણ બતાવવામાં આવ્યું છે
તથા હિ દર્શનમ્ = એવું વર્ણન બીજે પણ જોવા મળે છે.

ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદના ત્રીજા અધ્યાયના બારમા ખંડમાં ગાયત્રીના નામથી પ્રકરણનો પ્રારંભ થયો છે. ગાયત્રી છંદનું નામ છે. તો ત્યાં છંદનું વર્ણન છે કે પરબ્રહ્મ પરમાત્માનું, એવી જિજ્ઞાસાના જવાબમાં આ સૂત્ર જણાવે છે કે ત્યાં ગાયત્રી શબ્દ પરમાત્માને માટે વપરાયેલો છે. ગાયત્રીને જો છંદ માનવામાં આવે તો એવા જડ છંદમાંથી જગતની ઉત્પત્તિ ના થઈ શકે. ચિત્તનું સમર્પણ એવા કોઈ છંદમાં નથી કરવાનું પરંતુ પરમાત્મામાં જ કરવાનું છે ઉદ્દગીથ પ્રણવ જેવા શબ્દો પણ પરમાત્માને માટે જ વપરાયા છે. ગાયત્રીની ઉપાસના એ પરમાત્માની જ ઉપાસના છે.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok