Text Size

Adhyay 1

Pada 1, Verse 26-28

२६. भूतादिपादव्यपदेशोपपत्तेश्चैवम् ।

અર્થ
ભૂતાદિપાદવ્યપદેશોપપત્તે: = (એવું માનીએ તો જ) ભૂતાદિને પાદ માની શકાય છે.
ચ= અને.
एवम् = એવું જ છે પણ.

ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદમાં ગાયત્રીને ભૂત, પૃથ્વી, શરીર તથા હૃદયરૂપ - ચાર પાદવાળી કહી બતાવી છે. વળી એના મહિમાને વર્ણવતાં પુરૂષ નામવાચક પરમાત્મા સાથે એની એકતા બતાવતાં કહ્યું છે કે એનો એક પાદ ભૂતસમુદાય કે સંસારમાં છે અને અમૃતમય ત્રણ પાદ પરમધામમાં છે. એ વર્ણન ગાયત્રીને છંદ તરીકે માનવાને બદલે પરમાત્મા તરીકે માનીએ તો જ બંધબેસતું થઈ શકે છે. એટલે ગાયત્રી શબ્દનો પ્રયોગ પરમાત્માને માટે જ કરવામાં આવ્યો છે.

---
 
२७. उपदेशभेदान्नेतिचेन्नोभयस्मिन्नप्यविरोधात्  ।

અર્થ
ચેત્ = જો. 
ઉપદેશભેદાત્ = ઉપદેશમાં ભિન્નતાને લીધે. 
ન = ગાયત્રી શબ્દ પરમાત્માનો વાચક ના હોય.
ઈતિ ન = તો એ કથન બરાબર નથી.
ઉભયસ્મિન્ અપિ અવિરોધાત્ = કારણ કે વર્ણન બે જાતનું હોવા છતાં પણ એમાં કોઈ વિરોધ નથી.

ભાવાર્થ
જો એવી દલીલ કરવામાં આવે કે ઉપનિષદમાં ત્રણ પાદ દિવ્ય લોકમાં છે એવું જણાવીને દિવ્યલોકને પરમાત્માના ત્રણ પાદના આધાર તરીકે બતાવવામાં આવ્યો છે અને એ પછીના વર્ણનમાં જ્યોતિવાચક પરમાત્માને એ દિવ્યલોકથી પર કહ્યા છે; એવી રીતે આગળ પાછળના વર્ણનમાં ભેદ હોવાને લીધે ગાયત્રીને પરમાત્માનો વાચક ન માની શકાય; તો એવી દલીલના જવાબમાં જણાવે છે કે એવી રીતે ઉપલક વર્ણનમાં થોડોક ભેદ હોવા છતાં પણ ગાયત્રી તથા જ્યોતિ શબ્દ પરમાત્માને પરમધામમાં રહેલા કહ્યા છે એટલે એ વર્ણનમાં વસ્તુતઃ એકવાક્યતા છે, એમાં સંદેહ નથી. 

---

२८. प्राणस्तथानुगर्मात् ।

અર્થ
પ્રાણઃ = પ્રાણ શબ્દ. 
તથાનુગમાત્ = કારણ કે પૂર્વા પરના પ્રસંગને વિચારવાથી એવું જ જણાય છે.

ભાવાર્થ
પ્રાણ શબ્દ પરમાત્માને માટે વપરાયો છે એ આગળ પર જોઈ લીધું. પરંતુ કૌષીતકિ ઉપનિષદમાં ઈન્દ્રે પ્રતર્દનને કહ્યું છે કે હું જ્ઞાન-સ્વરૂપ પ્રાણ છું. તમે આયુ અને અમૃતરૂપથી મારી ઉપાસના કરો. તો પછી ત્યાં પ્રાણને ઈન્દ્રનો વાચક માનવો, પ્રાણવાયુનો, જીવાત્માનો કે પરમાત્માનો, એની સ્પષ્ટતા માટે આ સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ત્યાં પ્રાણ શબ્દ પરમાત્માને માટે જ વપરાયો છે. ત્યાં પ્રાણને પ્રજ્ઞાન સ્વરૂપ બતાવ્યો છે. પ્રાણને અજર, અમર, આનંદસ્વરૂપ, સૌનો પાલક, સર્વેશ્વર અને સર્વાધિપતિ કહ્યો છે. એના પરથી પ્રતીત થાય છે કે એ વર્ણન પરમાત્માનું છે, પ્રાણનું નથી. પ્રાણ શબ્દના પ્રયોગ દ્વારા પરમાત્માનું જ વર્ણન કરવામાં આવ્યું છે, બીજા કોઈનું નહિ.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok