Text Size

Adhyay 1

Pada 2, Verse 30-32

३०. अनुस्मृतेर्बादरिः ।

અર્થ
અનુસ્મૃતે = પરમાત્માનું વિશાળ રીતે સ્મરણ કરવા એમનો દેશવિશેષ સાથે સંબંધ દર્શાવવામાં.
(અવરોધ) = કોઈ વિરોધ નથી દેખાતો.
ઈતિ= એવું.
બાદરિઃ = આચાર્ય બાદરિ માને છે.

ભાવાર્થ
પરમાત્મા દેશ કાલાતીત હોવા છતાં ભક્તો એમનું સરળતાથી સ્મરણ, મનન ને નિદિધ્યાસન કરવા અને એમના પૂજન અને સંકીર્તનનો આધાર લેવા એમને કોઈક દેશ વિશેષ, નામ વિશેષ કે રૂપ વિશેષ સાથે સંકળાયલા માને છે. એથી એ ભક્તોને મદદ મળે છે. ભક્તોની ભાવનાને અનુલક્ષીને એ એમની ઉપર અનુગ્રહ કરવા પ્રકટે છે. આચાર્ય બાદરિનો એવો આવકારદાયક અભિપ્રાય છે.

---

३१. संपत्तेरिति जैमिनिस्तथा  हि दर्शयिति ।

અર્થ
સંપત્તેઃ = પરમાત્મા અનંત ઐશ્વર્ય શક્તિથી સંપન્ન હોવાથી.
ઈતિ = એવું.
જૈમિનિ = જૈમિનિ માને છે.
હિ = કારણ કે.
તથા = એવો જ અભિપ્રાય.
દર્શયતિ = બીજી શ્રુતિ પણ પ્રકટ કરે છે.

ભાવાર્થ
પરમાત્માની શક્તિ, યોગ્યતા અને એમનું ઐશ્વર્ય તથા સંકલ્પબળ અસીમ છે. એ સગુણ બને ને દેશ કાલાતીત હોવા છતાં દેશ કાળની મર્યાદાવાળા દેખાય તો કશી હાનિ નથી. એમની અંદર એવું સંભવી શકે છે. આચાર્ય જૈમિનિનું મંતવ્ય છે. रूपं रूपं प्रतिरूपो वभूव । ‘એક હોવા છતાં પરમાત્મા અનેક રૂપવાળા થયા.’ એવું જણાવીને મુંડક ઉપનિષદ પણ ભાવની પુષ્ટિ કરે છે.

---

३२. आमनन्ति चैनमस्मित् ।

અર્થ
અસ્મિન્ = આ વિષયમાં, આ સદ્ ગ્રંથમાં.
એનમ્ = આ પરમાત્માને.
(એવમ્) = એવા.
ચ= જ.
આમન્તિ = પ્રતિપાદન કરાય છે.

ભાવાર્થ
જુદા જુદા આદરણીય આચાર્યોના અને ઉપનિષદના અભિપ્રાયો તો અપાયા, પરંતુ આપનો અભિપ્રાય કેવો છે એવું પૂછવામાં આવે તો મહર્ષિ વ્યાસ એ સંબંધમાં જણાવે છે કે તમે સમજી શક્યા નહિ ? મારો અભિપ્રાય શાસ્ત્રને અનુકૂળ જ છે. જ્ઞાની પુરૂષો શાસ્ત્રના અને અનુભૂતિના આધાર પર પરમાત્માનું એવું જ પ્રતિપાદન કરે છે અને મને તે માન્ય છે. મુખ્ય વસ્તુ પરમાત્માનું શરણ લેવાની, પરમાત્મામય જીવન કરવાની ને પરમાત્માને ઓળખવાની છે. જીવનનું સાચું શ્રેય એમાં જ સમાયલું છે.

॥ અધ્યાય ૧ - પાદ ૨ સંપૂર્ણ ॥

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok