Text Size

Adhyay 1

Pada 3, Verse 03-06

३. नानुमानमतच्छब्दात् ।

અર્થ
અનુમાનમ્ = અનુમાન દ્વારા કલ્પિત પ્રધાન.
ન = દ્યુલોક અને પૃથ્વી વિગેરેનો આધાર ના હોઈ શકે.
અતચ્છબ્દાત્ = એનું પ્રતિપ્રાદન કરનારો કોઈ શબ્દ નથી એટલા માટે.

ભાવાર્થ
પૃથ્વી જેવા સઘળા પદાર્થો પ્રધાન અથવા જડ પ્રકૃતિના કાર્યરૂપ છે. તો પછી જડ પ્રકૃતિ અથવા પ્રધાનને જ આ બ્રહ્માંડના આધાર તરીકે માની લઈએ તો કશી હરકત છે ? એના પ્રત્યુત્તરરૂપે કહેવામાં આવે છે કે મુંડક ઉપનિષદના ઉપર્યુક્ત પ્રકરણમાં કોઈ પણ શબ્દ એવો નથી જેને લીધે સ્વર્ગ તથા પૃથ્વી વિગેરે પ્રકૃતિના આધારે ટકી રહ્યું છે એવું કહી શકાય. એટલે એવી નિરર્થક દલીલ કરવાનો કશો અર્થ નથી. ઉપનિષદના વર્ણન પરથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે પ્રકૃતિ નહિ પરંતુ પરમાત્મા જ સમસ્ત જગતના આધારરૂપ છે.

---

४. प्राणभृश्च ।

અર્થ
પ્રાણભૂત = પ્રાણધારી જીવાત્મા,
ચ = પણ.

ભાવાર્થ
પ્રકૃતિના સંબંધમાં જેવી રીતે દલીલ કરવામાં આવી એવી રીતે કોઈ જીવાત્માના સંબંધમાં પણ દલીલ કરે, તો તેવી દલીલના જવાબરૂપે અહીં સ્પષ્ટતા કરવામાં આવે છે કે પ્રકૃતિ જગતના આધારરૂપ નથી તેવી રીતે જીવાત્માને પણ જગતના આધાર તરીકે ના માની શકાય. કારણ કે એ પ્રકરણમાં જીવાત્માને માટે કોઈ શબ્દનો પ્રયોગ પણ નથી થયો. ત્યાં વપરાયલો આત્મા શબ્દ જીવાત્માને માટે નથી વપરાયો પરંતુ પરમાત્માને માટે જ વપરાયો છે. આનંદરૂપ અને અમૃત સરખા શબ્દપ્રયોગો જીવાત્માને માટે નથી કરવામાં આવ્યા પરંતુ વિશ્વાધાર પરમાત્માને માટે જ કરવામાં આવ્યો છે.

---

५. भेदव्मपदेशात् ।

અર્થ
ભેદવ્યપદેશાત્ = આત્માને પરમાત્માથી જુદો કહી બતાવ્યો છે તેથી.

ભાવાર્થ
મુંડક ઉપનિષદમાં જણાવ્યું છે કે એ આત્માને જાણો. એની ઉપરથી સહેજે અનુમાન થાય છે કે આત્મા કરતાં એનો જાણનાર જુદો હોવો જોઈએ. આત્માને જીવોની હૃદય ગુફામાં રહેલો જણાવ્યો છે એથી પણ એ અલગ છે એવું સાબિત થાય છે. એ પરમાત્મા જ સૌના આધાર છે.

---

६. प्रकरणात् ।

અર્થ
પ્રકરણાત્ = અહીં જે પ્રકરણ છે તે પરમાત્માનું જ છે એટલા માટે.

ભાવાર્થ
મુંડક ઉપનિષદનાં જે પ્રકરણ છે તે પરમાત્માનું જ છે. તેમાં સર્વાધાર સર્વશક્તિમાન વિગેરે વિશિષ્ટ શબ્દો દ્વારા પરમાત્માનો જ મહિમા ગાવામાં આવ્યો છે. જીવાત્માના અથવા પ્રકૃતિના મહિમાનો ત્યાં કોઈ અવકાશ જ નથી. એ આખાય પ્રકરણમાં પરમાત્માને જ સર્વશ્રેષ્ઠ કહીને શબ્દોની સમુચિત અંજલિ આપવામાં આવી છે. એટલે જગતના એકમાત્ર આધાર તરીકે પણ એમનો જ ઉલ્લેખ કરાયો છે; બીજા કોઈનો નથી કરાયો.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok