Adhyay 1

Pada 3, Verse 07-08

७. स्थित्यदनाभ्यां च ।

અર્થ
સ્થિત્યદનાભ્યામ્ = શરીરમાં એકની સાક્ષી રૂપે સ્થિતિ કહી છે ને બીજા દ્વારા સુખદુઃખ રૂપી ફળોનો ઉપભોગ કહી બતાવવામાં આવ્યો છે એથી.
ચ = પણ.

ભાવાર્થ
મુંડક ઉપનિષદમાં જણાવ્યું છે કે 'એક સાથે રહેનારાં, પરસ્પર પ્રેમભાવવાળા, જોડા જેવાં જીવાત્મા તથા પરમાત્મારૂપી બે પક્ષી એક જ શરીરરૂપી વૃક્ષનો આશ્રય લઈને વાસ કરે છે. એમનામાંથી એક જીવાત્મા રૂપી પક્ષી એ વૃક્ષના કર્મફળનો અથવા સુખદુઃખનો ઉપભોગ કરે છે, અને બીજું પરમાત્મા રૂપી પક્ષી અનશનવ્રત ધાર્યું હોય એમ કેવળ જોયા કરે છે.

'એક જ વૃક્ષ પર વિરાજેલો જીવાત્મા વિષય રસમાં ડૂબીને સંમોહિત બનીને શોક કરે છે, એ જ્યારે સર્વશ્રેષ્ઠ પરમાત્માનું દર્શન કરે છે અને એમના મહિમાને જાણી લે છે ત્યારે શોકરહિત બની જાય છે.’

द्वा सुपर्णा सयुजा सरवाया समानं वृक्षं परिषस्वजाते ।
तयोरन्यः  पिप्पलं स्वाद्वत्त्मननश्नन्नन्यो  अभिचाकशीति ॥
सगाने वृक्षे पुरूषो निमग्नो अनीशया शोचति मुह्यमानः ।
जुष्ट यदा पश्यत्यनन्यमीशमस्य महिमानमिति वीतशोकः ॥

એ શ્લોકમાં જીવાત્માનો ને પરમાત્માનો ભેદ સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યો છે. જીવાત્મા કર્મફળનો ભોક્તા, વિષયાસક્ત, સંમોહિત તથા શોકમગ્ન છે ને પરમાત્મા સાક્ષી. એવી રીતે પરમાત્મા જીવાત્માથી શ્રેષ્ઠ છે અને જગતનો આધાર પણ એ જ છે.

---

८. भूमा  सम्प्रसादादध्युपदेशात् ।

અર્થ
ભૂમા = ભૂમા બ્રહ્મ જ છે.
સમ્પ્રસાદાત્ = કેમ કે એને પ્રાણ શબ્દ વાચ્ય જીવાત્માથી પણ.
અધિ = ઉપર.
ઉપદેશાત્ = બતાવેલ છે માટે.

ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદના સાતમા અધ્યાયમાં દેવર્ષિ નારદે સનત્કુમારને આત્માના સ્વરૂપ વિશે જે પૂછ્યું છે એના ઉત્તરમાં સનત્કુમારે નામ, વાણી, મન, સંકલ્પ, ચિત્ત, ધ્યાન, વિજ્ઞાન, બળ, અન્ન, જળ, તેજ, આકાશ, સ્મરણ અને આશાને ઉત્તરોત્તર ઉત્તમ બનાવીને એ સૌ કરતાં પ્રાણને શ્રેષ્ઠ કહ્યો ને એની જ ઉપાસના કરવા જણાવ્યું છે. એ માહિતી પ્રમાણે પ્રાણ સૌથી શ્રેષ્ઠ હોય અને ભૂમા અથવા આત્મા નામથી એનો જ ઉપદેશ આપવામાં આવતો હોય તો એ પ્રકરણમાં પ્રાણ શબ્દ વાચ્ય જીવાત્માને જ સૌનો આધાર માનવો જોઈએ એવી દલીલના ઉત્તર રૂપે આ સૂત્ર રચાયું છે. છાંદોગ્ય ઉપનિષદમાં પ્રાણને સૌથી શ્રેષ્ઠ બતાવતાં કહેવામાં આવ્યું છે કે 'આરા રથના પૈડાં નાભિના આધારે રહે છે તેમ સમસ્ત જગત પ્રાણના આધારે રહેલું છે. પ્રાણ જ પ્રાણ દ્વારા ગમન કરે છે. પ્રાણ જ પ્રાણને આપે છે, પ્રાણને માટે આપે છે. પ્રાણ પિતા, માતા, ભ્રાતા, ભગિની, આચાર્ય અને પ્રાણ જ બ્રાહ્મણ છે." 

એના પરથી સમજાય છે કે ત્યાં પ્રાણ શબ્દ દ્વારા જીવાત્માનું જ વર્ણન કરાયલું છે. એ પ્રાણ શબ્દવાચ્ય જીવાત્માના સંબંધમાં આગળ પર એવું પણ કહેવામાં આવ્યું છે કે 'આ સર્વ કાંઈ પ્રાણ જ છે, એ પ્રકારે ચિંતન કરનાર, જોનાર અને જાણનાર અતિવાદી થાય છે. એ કથન પરથી  જીવાત્માને સૌથી શ્રેષ્ઠ કહ્યો છે એવું લાગે છે પરંતુ ભગવાન સનત્કુમારે દેવર્ષિ નારદને એ પ્રકરણમાં એથી પણ આગળનો ઉપદેશ આપીને જણાવ્યું છે કે વિજ્ઞાન, મનન, શ્રદ્ધા, નિષ્ઠા તથા ક્રિયા સત્યના સાક્ષાત્કારનાં સાધન છે અને ભૂમા અથવા સૌથી શ્રેષ્ઠ પરમાત્મા જ પરમ સુખરૂપ છે. એવી રીતે પ્રાણ શબ્દ વાચ્ય જીવાત્મા કરતાં ભૂમાની શ્રેષ્ઠતા બતાવવામાં આવી છે. ભૂમા શબ્દ ત્યાં જીવાત્માનો કે પ્રકૃતિનો વાચક નથી પરંતુ સચ્ચિદાનંદસ્વરૂપ પરમાત્માનો જ વાચક છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.