Text Size

Adhyay 3

Pada 1, Verse 10-12

१०. आलर्थक्यमिति चेन्न तदपेक्षत्वात् ।

અર્થ
ચેત્ = જો કહેતા હો કે.
આનર્થક્યમ્ = (કોઈ પણ પ્રકારના કારણ વિના ઉપલક્ષણના રૂપમાં ચરણ શબ્દનો પ્રયોગ કરવાનું) નિરર્થક છે.
ઈતિ ન = તો એવું કથન ઠીક નથી.
તદ્દપેક્ષત્વાત્ = કારણ કે કર્માશયમાં આચરણ આવશ્યક છે.

ભાવાર્થ
જો કોઈ એવું કહેતું હોય કે ચરણ શબ્દનો પ્રયોગ શેષ કર્મસંસ્કારોના ઉપલક્ષણના રૂપમાં નથી કરવામાં આવ્યો તો તેવું કથન આદર્શ અથવા બરાબર નથી. કારણ કે કર્મસંસ્કાર રૂપ અનુસાર શુભાશુભ આચરણ અથવા કર્મોથી જ બની શકે છે. કર્માશયને માટે આચરણની આવશ્યક્તા હોય છે જ. એટલે ચરણ શબ્દનો પ્રયોગ ત્યાં નિરર્થક કરવામાં આવ્યો છે એવું નથી માની શકાતું. એ પ્રયોગ સહેતુક છે અને સાર્થક રીતે કરવામાં આવ્યો છે.

---

११. सुकृतदुष्कृते एवति तु बादरिः ।

અર્થ
બાદરિઃ તુ = બાદરિ આચાર્ય તો.
ઈતિ = એવું (માને છે કે.)
સુકૃતદુષ્કૃતે = એ પ્રકરણમાં ચરણ શબ્દ દ્વારા શુભાશુભ કર્મ.
એવ = જ કહેલાં છે.

ભાવાર્થ
આ સૂત્રમાં આચાર્ય બાદરિના અભિપ્રાયને ટાંકતા જણાવવામાં આવે છે કે આચાર્ય બાદરિ તો કહે છે કે ચરણ શબ્દને ઉપલક્ષણ માનવાની કોઈ જ આવશ્યક્તા નથી, ત્યાં રમણીય ચરણ શબ્દ પુણ્ય કર્મોને માટે અને કપૂય ચરણ શબ્દને પાપ કર્મોને માટે વપરાયેલો છે. રમણીય ચરણ શુભ કર્માશયવાળા ને કપૂય ચરણ અશુભ કર્માશયવાળાને કહેવામાં આવે છે. એ શબ્દપ્રયોગ દ્વારા સ્પષ્ટ થાય છે કે જીવાત્મા શેષ રહેલા કર્મસંસ્કારોની સાથે જ પાછો આવે છે.

---

१२. अनिष्टादिकारिणामषि  च श्रुतम् ।

અર્થ
ચ = પરંતુ.
અનિષ્ટાદિકારિણામ્ = અશુભ આદિ કર્મ કરનારાનું
અપિ = પણ (ચન્દ્રલોકમાં જવાનું)
શ્રુતમ્ = વેદમાં સાંભળવામાં આવ્યું છે.

ભાવાર્થ
કૌષીતકિ બ્રાહ્મણોપનિષદમાં જણાવ્યું છે કે 'જે કોઈ પણ આ લોકમાંથી જાય છે તે બધા ચંદ્રમાને જ પ્રાપ્ત કરે છે.'
ये चैके चास्माल्लोकात्  प्रयन्ति चंद्रमसमेव ते सर्वे गच्छन्ति ।

એના ઉપરથી તો એવું લાગે છે કે બધા જ ચંદ્રલોકની પ્રાપ્તિ કરી લે છે. કારણ કે એ ઉપનિષદમાં એવો નિર્દેશ નથી કરવામાં આવ્યો કે શુભ કર્મ કરનારને જ ચંદ્રલોકની પ્રાપ્તિ થાય છે અને અશુભ કર્મ કરનારાને નથી થતી. વેદ અથવા ઉપનિષદમાં અન્યત્ર એવું કહેવામાં આવ્યું છે કે ઈષ્ટાપૂર્ત અને યજ્ઞદાનાદિ શુભ કર્મોનું અનુષ્ઠાન કરવાવાળા ધૂમમાર્ગથી ચંદ્રલોકમાં પ્રવેશ કરે છે. એ કથન સાથે ઉપર્યુક્ત શ્રુતિ વચનનો વિરોધ દેખાય છે એવું નથી લાગતું ?

આ સૂત્રમાં પૂર્વપક્ષીએ કરેલી શંકાનું હવે પછીના સૂત્રમાં સંતોષકારક રીતે સમાધાન કરવામાં આવે છે.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok