Text Size

Adhyay 3

Pada 1, Verse 13-15

१३. संयमने चनुभूयेतरेषामोराहावरोहौ  तद् गतिदर्शनात् ।

અર્થ
તુ = પરંતુ.
ઈતરેષામ્ = બીજાનું અથવા પાપકર્મ કરનારાનું.
સંયમને = યમલોકમાં.
અનુભૂય = પાપ કર્મોના ફળને ભોગવ્યા પછી.
આરોહાવરોહૌ = ચઢવા-ઉતરવાનું  અથવા આરોહણ- અવરોહણ થાય છે.
તદ્દગતિદર્શનાત્ = કારણ કે શ્રુતિમાં એમની ગતિનું એવું જ વર્ણન જોવા મળે છે.

ભાવાર્થ
ઉપનિષદમાં ચંદ્રલોકની પ્રાપ્તિનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યાં એવું નથી કહેવામાં આવ્યું કે અશુભ કર્મ કરનારા મનુષ્યો પણ ચંદ્રલોકની પ્રાપ્તિ કરી લે છે. એટલે શુભ કર્મ કરનારાને ચંદ્રલોકની પ્રાપ્તિ થાય છે એ ચોક્કસ છે. વળી ચંદ્રલોકમાં શુભ કર્મોના જ ફળોપભોગને માટે જવાનું હોય છે એટલે અશુભ અથવા પાપ કર્મોવાળા મનુષ્યો ત્યાં નથી જઈ શકતા એવું આપોઆપ ફલિત થાય છે. અશુભ અથવા પાપ કર્મ કરનારા મનુષ્યો એ કર્મોના ફળને ભોગવવા માટે ચંદ્રલોકમાં નથી જતા પરંતુ યમલોકમાં જાય છે. એ લોકમાં રહીને પોતાનાં કુકર્મોના ફળને ભોગવી લીધા પછી એ ફરી પાછા મૃત્યુલોકમાં જન્મે છે ને મૃત્યુલોકમાં શુભાશુભ કર્મો અનુસરીને સારી કે નરસી, ઉત્તમ અથવા અધમ ગતિની પ્રાપ્તિ કરે છે. અથવા ઉપનિષદમાં કર્મોને અનુસરીને થનારી એવી વિરોધી ગતિનું વર્ણન આવે છે.

કૌષીતકિ બ્રાહ્મણોપનિષદમાં ચંદ્રલોકમાં જવાની જે વાત કરવામાં આવી છે તે વાત કેવળ સત્કર્મ પરાયણ કે પુણ્યશાળી આત્માઓને માટે જ કરવામાં આવી છે. એવી રીતે સમજવામાં આવશે તો એ વિષયને લગતાં ઉપનિષદ વચનોમાં કશો વિરોધ નહિ લાગે.

---

१४. स्मरन्ति च ।

અર્થ
ચ = અને.
સ્મરન્તિ = સ્મૃતિમાં પણ એનું સમર્થન કરવામાં આવ્યું છે.

ભાવાર્થ
અશુભ અથવા પાપકર્મ કરનારા માનવોને આસુરી યોનિની અથવા નરકની પ્રાપ્તિ થાય છે. એવું ગીતા જેવા સ્મૃતિ ગ્રંથમાં પણ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે. ગીતાના સોળમાં અધ્યાયમાં કહ્યું છે કે 'સંસારમાં અધમ--નરાધમ એવા એ દુષ્ટ ને ક્રૂર માનવોને હું અશુભ અને આસુરી યોનિમાં અવારનવાર નાખ્યા કરું છું. એવા આસુરી યોનિને પામનારા મૂઢ માનવો હે અર્જુન, મને મેળવ્યા વિના જન્મે જન્મે અધમ ગતિની પ્રાપ્તિ કરે છે. સ્મૃતિની વિચારસરણી શ્રુતિને અનુરૂપ જ છે.

---

१५. अपि च सप्त ।

અર્થ
અપિ ચ = એ સિવાય.
સપ્ત = પાપકર્મના ફળને ભોગવવા માટે મુખ્યત્વે સાત નરકનું પણ વર્ણન છે.

ભાવાર્થ
પુરાણ ગ્રંથોમાં જુદાં જુદાં રૌરવાદિ મુખ્યત્વે સાત નરકનું  વર્ણન જોવા મળે છે. એ નરકમાં પડીને જુદી જુદી યાતનાઓને કોણ ભોગવે છે ? કુકર્મપરાયણ અથવા પાપી મનુષ્યો. સત્કર્મ પરાયણ પુણ્યાત્મા પુરૂષોને માટે તો એવાં નરકોમાં જવાનો કોઈ પ્રશ્ન જ નથી પેદા થતો. નરકનું એવું વર્ણન પણ પાપ કર્મવાળા મનુષ્યોની ઘોર દુર્ગતિનું સૂચન કરે છે.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok