Text Size

Adhyay 3

Pada 1, Verse 16-18

१६. तत्रापि च तद् व्यापारादविरोधः ।

અર્થ
ચ = અને. 
તત્ર = એ યાતનાનાં સ્થાનોમાં.
અપિ = પણ.
તદ્દવ્યાપારાત્ = એ યમરાજની જ આજ્ઞાનુસાર કાર્ય થતું હોવાથી. 
અવરોધઃ = કોઈ જાતનો વિરોધ નથી.

ભાવાર્થ
નરકોનું વર્ણન કરનારા ગ્રંથોમાં કહ્યું છે કે નરકોમાં ચિત્રગુપ્ત તથા બીજા અધિકારી રહે છે તો પછી યમદેવનું સ્થાન ક્યાં રહ્યું ? નરકોમાં એ અધિકારીઓનું વર્ચસ્વ હોય છે કે યમદેવનું ? એનો ઉત્તર આપતાં આ સૂત્ર દ્વારા કહેવામાં આવે છે કે નરકમાં ચિત્રગુપ્તાદિ જે જુદા જુદા અધિકારી રહે છે તે ત્યાંના સર્વ સૂત્રધાર અથવા નિયામક યમદેવની સૂચના અથવા આજ્ઞાનુસાર જ વર્તે છે. એ બધા યમદેવના હાથ નીચે રહીને કામ કરતા હોવાથી એમની અને યમદેવની વચ્ચે કશો ગજગ્રાહ કે વિરોધ નથી પેદા થતો. એવા ગજગ્રાહ કે વિરોધની કલ્પના પણ નિરર્થક છે.

---

१७. विद्याकर्मणोरिति तु प्रकृतत्वात्  ।

અર્થ
વિદ્યા કર્મણો= જ્ઞાન અને શુભ કર્મ બંનેના.
તુ = જ.
પ્રકૃતત્વાતાત્ = પ્રકરણને લીધે.
ઈતિ = એવું કથન યોગ્ય જ છે.

ભાવાર્થ
એવું માનીએ તો પણ સૌ કોઈને માટે ચંદ્રલોકમાં જવાનું જે કથન જોવા મળે છે તેનું શુ સમજવું ? એના ઉત્તરમાં અહીં ફરી કહે છે કે કૌષીતકિ ઉપનિષદમાં જ્ઞાન તથા શુભ કર્મોનું ફળ બતાવનારૂં જે પ્રકરણ છે તેમાં જ એ ફળનો નિર્દેશ કરેલો છે. તેમાં અશુભ કર્મ કરનારાનો કશો ઉલ્લેખ જ નથી કરવામાં આવ્યો. એટલે એમને માટેની ગતિ પ્રાપ્તિનો કોઈ પ્રશ્ન જ નથી પેદા થતો. ઉપનિષદનું એ આખું પ્રકરણ શુભ કર્મ કરનારા મનુષ્યોનું અને એમની ઉત્તમ ગતિનું હોવાથી શુભ કર્મ કરનારાને જ ચંદ્રલોકની પ્રાપ્તિ થાય છે એવો સ્પષ્ટ નિર્દેશ એમાંથી મળી રહે છે.

---

१८. न तृतीये तथोपलब्धेः ।

અર્થ
તૃતીયે = ત્યાં કહેલી ત્રીજી ગતિમાં.
ન = (યમલોક ગમનની ગતિનો) અંતર્ભાવ નથી થતો. તથા
ઉપલબ્ધેઃ = કારણ કે એ વર્ણનમાં એવી જ વાત મળે છે.

ભાવાર્થ
કઠોપનિષદમાં પાપી જનોને માટે યમલોકમાં જવાનું કહ્યું છે તે છાંદોગ્ય ઉપનિષદમાં કહેલી ત્રીજી ગતિની અંતર્ગત છે કે અલગ છે, એના સ્પષ્ટીકરણ માટે આ સૂત્રની રચના થઈ છે. છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે દેવયાન તથા પિતૃયાન માર્ગ દ્વારા ઊર્ધ્વલોકોમાં નથી જતા તે જીવો ક્ષુદ્ર તથા વારંવાર જન્મવા ને મરવાવાળા હોય છે. આ મૃત્યુલોક જ એમનું ત્રીજું સ્થાન છે.' આ કથન દ્વારા સ્પષ્ટ રીતે સમજાય છે કે એમાં મૃત્યુલોકની જ વાત કહેવામાં આવી છે. યમલોક જેવા કોઈ બીજા લોક વિષેની વાત નથી કરવામાં આવી એટલે યમલોકનો કે નરકનો સમાવેશ છાંદોગ્ય ઉપનિષદની ત્રીજી ગતિમાં નથી થતો. એ બંને જુદાંજુદાં છે.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok