Text Size

Adhyay 3

Pada 3, Verse 49-51

४९. श्रुत्यादिबलीयस्त्वाच्च न बाधः ।

અર્થ
શ્રુત્યાદિબલીયસ્ત્વાત્ = પરકરણ કરતાં શ્રુતિપ્રમાણ અને લક્ષણ વિગેરે બળવાન હોવાને લીધે
ચ = પણ.
બાધઃ = પ્રકરણ દ્વારા સિદ્ધાંતનો બાધ. 
ન = નથી થઈ શકતો.

ભાવાર્થ
એકાદ પ્રકરણમાં કોઈ કારણે કોઈક વાત આવી હોય અથવા કોઈક વિષયની ચર્ચાવિચારણા થઈ હોય તે વાત અથવા ચર્ચાવિચારણા શ્રુતિના પ્રમાણ તથા લક્ષણો કરતાં વધારે શક્તિશાળી નથી મનાતી. શ્રુતિનું પ્રમાણ એના કરતાં વધારે વજનદાર મનાય છે અને એનું જ મહત્વ પણ માનવું પડે છે. એકાદ પ્રકરણ કાંઈ શ્રુતિના સર્વમાન્ય સિદ્ધાંતને અસત્ય ના ઠરાવી શકે અને એની વચ્ચે આવીને એમાં અંતરાયરૂપ પણ ના બની શકે. શ્રુતિના સર્વસંમત અભિપ્રાયનું મહત્વ બીજા છૂટાછવાયા અભિપ્રાયો કરતાં ઘણું મોટું છે, અને એને અનુસરીને જ ચાલવું જોઈએ. એટલે બ્રહ્મવિદ્યા દ્વારા જ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે ને મુક્તિ મળી શકે છે એ હકીકત નિર્વિવાદ છે.

---

५०. अनुबन्धादिभ्यः प्रज्ञन्तरपृथक्त्वबद्  द्दष्टश्च तदुक्तम् ।

અર્થ
અનુબન્ધાદિભ્યઃ = ભાવવિષયક અનુબંધ આદિના ભેદથી.
પ્રજ્ઞાન્તરપૃથક્ ત્વવત = પ્રયોજનભેદથી કરાતી બીજી ઉપાસનાઓના ભેદની જેમ. 
ચ = એમાં પણ ભેદ છે એવું  કથન.
દ્દષ્ટઃ = તે તે પ્રકરણોમાં જોવામાં આવ્યું છે.
તદુક્તમ્ = તથા તેનો નિર્દેશ પહેલાં પણ કરાયો છે.
 
ભાવાર્થ
બધી બ્રહ્મવિદ્યાઓ પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનો ને જીવાત્માને સદાને માટે સર્વ પ્રકારનાં દુઃખોમાંથી છૂટવાનો સંદેશ આપે છે. એમનું પ્રયોજન એ જ છે. તો પછી કોઈ ઠેકાણે એનું ફળ બ્રહ્મલોકાદિની પ્રાપ્તિ કહ્યું છે તો વળી કોઈક બીજે ઠેકાણે શરીરમાં રહીને જ પરમાત્માની પ્રાપ્તિ કહ્યું છે. એવો ફળભેદ કેમ દેખાય છે તેની સ્પષ્ટતા માટે આ સૂત્ર રચવામાં આવ્યું છે. એનો વિચાર અત્યંત ઉપયોગી થઈ પડે તેવો છે.

---

५१. न सामान्यादप्युपलब्धेमृत्युवन्न हि लोकापत्तिः ।

અર્થ
સામાન્યત્ = બધી જાતની બ્રહ્મવિદ્યા સમાન રીતે મોક્ષના કારણરૂપ છે.
અપિ = તો પણ.
ન = વચગાળાના ફળભેદનો નિષેધ નથી.
હિ = કારણ કે.
ઉપલબ્ધેઃ = પરમાત્માનો સાક્ષાત્કાર થયા પછી
મૃત્યુવત્ = મૃત્યુ થયા પછી જીવાત્માનો જેવી રીતે સ્થૂળ શરીર સાથે સંબંધ નથી રહેતો એવી રીતે એનો સૂક્ષ્મ અથવા કારણ કોઈ પણ શરીર સાથે સંબંધ નથી રહેતો એટલા માટે. 
લોકાપત્તિઃ = કોઈ પણ લોકની પ્રાપ્તિ.
ન = નથી થઈ શકતી.

ભાવાર્થ
બ્રહ્મવિદ્યા છેવટે તો મોક્ષના કારણરૂપ છે એ હકીકતનો સૌએ સર્વસંમતિથી સ્વીકાર કરેલો છે તો પણ એ વિદ્યાના વચગાળાના ફળભેદનો સ્વીકાર પણ કરવામાં આવ્યો છે. એવા ફળભેદમાં માનવામાં કોઈ પ્રકારનો વાંધો નથી. જે પરમાત્મા પ્રાપ્તિની જ અભિલાષા રાખે છે અને એ સિવાયના બીજા લૌકિક કે પારલૌકિક પદાર્થો કે વિષયોની લાલસા નથી રાખતા અને પરમાત્માની પ્રાપ્તિ કરી લે છે, તે તો પરમાત્માની જ પ્રાપ્તિ કરી લે છે.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok