Text Size

Adhyay 3

Pada 3, Verse 52-54

५२. परेण च शष्दस्य ताद्विध्यं भूयस्त्वात्त्वनुबन्धः ।

અર્થ
પરેણ = પાછળના મંત્રોથી (એ સિદ્ધ થાય છે.)
ચ = અને.
શબ્દસ્ય = એમાં કહેલા શબ્દ સમુદાયનો.
તાદ્દવિધ્યમ્ = એ જ જાતનો ભાવ છે.
તુ = પરંતુ બીજા સાધકોના.
ભૂયસ્ત્વાત્  = બીજા ભાવોની અધિકતાને લીધે.
અનુબન્ધઃ = સૂક્ષ્મ તથા કારણ શરીર સાથે સંબંધ રહે છે (એટલા માટે એ બ્રહ્મલોકમાં જાય છે.)

ભાવાર્થ
જે સાધકો બ્રહ્મલોકને મહત્વનો માને છે, અથવા જેમના મનમાં બ્રહ્મલોકની અને એના સુખોપભોગની ભાવના છે, તેમનો સૂક્ષ્મ તથા કારણ શરીર સાથેનો સંબંધ ચાલુ રહેતો હોવાથી તે સ્થૂળ શરીરને છોડીને બ્રહ્મલોકમાં પ્રવેશ કરે છે. પરંતુ આ જ શરીરથી પરમાત્માનો સાક્ષાત્કાર કરી લેનારા, કોઈ પણ પ્રકારની અન્ય કામનાને નહિ રાખનારા, સાધકો કે સત્પુરૂષોને બ્રહ્મલોકની પ્રાપ્તિ નથી થતી. તેવી પ્રાપ્તિનું કશું કારણ જ નથી હોતું.

ઉપનિષદમાં એ બંને પ્રકારની સદ્ ગતિનું સમર્થન કરેલું છે. મુંડક ઉપનિષદમાં કહ્યું છે કે વેદાંતના સમ્યક્ અને સ્વાનુભવસિદ્ધ જ્ઞાન દ્વારા જેમણે પરમાત્માના સ્વરૂપનો સુનિશ્ચય કરી લીધો છે, અને કર્મફળના ત્યાગરૂપ સાધન તથા યોગાભ્યાસથી જેમનું અંતઃકરણ નિર્મળ બની ગયું છે, તેવા મહાપુરૂષો મૃત્યુ પછી બ્રહ્મલોકમાં જઈને પરમ અમૃત સ્વરૂપ બનીને બંધનોમાંથી મુક્તિ મેળવે છે.’

---

५३. एक आत्मनः शरीरे भावात् ।

અર્થ
એકે = કેટલાક કહે છે કે.
આત્મનઃ = આત્માનો.
શરીરે = શરીર હોય છે ત્યારે જ.
ભાવાત્ = ભાવ હોવાને લીધે (શરીરથી અલગ આત્માની સત્તા નથી.)

ભાવાર્થ
કેટલા વિચારકોનું કહેવું છે કે શરીર હોય છે ત્યાં સુધી જ એમાં રહેલા આત્માની પ્રતીતિ થાય છે, જીવન બને છે, અને આત્માનું અસ્તિત્વ પણ ત્યાં સુધી જ હોઈ શકે છે. એથી સિદ્ધ થાય છે કે શરીર નથી હોતું ત્યારે આત્માનું અસ્તિત્વ પણ નથી રહેતું. મરણ પછી શરીર શાંત થાય છે એટલે આત્મા પણ શાંત જ થઈ જતો હોવો જોઈએ. તો પછી એ અવસ્થામાં એ બ્રહ્મલોકમાં પ્રયાણ કરે છે કે પરલોકમાં જઈને પોતાનાં કર્મોના ફળને ભોગવે છે એવી વાતમાં વિશ્વાસ કેવી રીતે રાખી શકાય ?  પ્રસ્તુત સૂત્રમાં એવા વિચારકોની વિચારસરણીનું દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે.

---

५४. व्यतिरेकस्तद् भावाभावित्वान्न तूपलब्धिवत् ।

અર્થ
વ્યતિરેકઃ = શરીરથી આત્મા અલગ છે.
તદ્ ભાવાભાવિત્વાત્ = કારણ કે શરીર હોય છે ત્યારે પણ એની અંદર આત્મા નથી રહેતો. એટલા માટે. 
ન = આત્મા શરીર નથી.
તુ = પરંતુ.
ઉપલબ્ધિવત્ = જ્ઞાતાપણાની ઉપલબ્ધિની જેમ (આત્મા શરીરથી ભિન્ન છે એવું સિદ્ધ થાય.)

ભાવાર્થ
ઉપલા સૂત્રની વિચારસરણીનો અહીં ઉત્તર આપવામાં આવે છે. સૂત્રકાર જણાવે છે કે આત્મા અને શરીર બંને એક નથી, પરંતુ અલગ અલગ છે. બંનેનાં બંધારણ અને કાર્યક્ષેત્ર જુદાં જુદાં છે. આત્મા અને શરીર જો એક જ હોય અથવા એ બંનેમાં કોઈપણ પ્રકારનો ભેદ જ ના હોય તો મૃત્યુ પછી શરીર રહે છે ત્યારે એની અંદર આત્મા પણ રહેવો જોઈએ. પરંતુ ખરેખર એવું નથી હોતું. એથી પુરવાર થાય છે કે આત્મા શરીર કરતાં જુદો છે, શરીરને શક્તિ આપે છે, અને એના શરીરમાંના અસ્તિત્વને લીધે જ જીવન બને છે. શરીરનો નાશ થાય છે તો પણ એનો નાશ નથી થતો. શરીર ના હોય તો પણ એનું અસ્તિત્વ તો રહે છે જ. એ સ્થૂળ શરીરમાં ના રહેતો હોય તો જડ શરીર પોતાની મેળે પોતાને કે બીજાને નથી જાણી શકતું. એનું જ્ઞાન ચેતન આત્મ સિવાય કદાપિ ને કોઈ રીતે થઈ શકે જ નહિ.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok