Text Size

Adhyay 3

Pada 4, Verse 07-09

७. नियमाच्च ।

અર્થ
નિયમાત્ = શ્રુતિમાં નિયમ તરીકે કહેવામાં આવ્યું હોવાથી. 
ચ = પણ. (કર્મ અવશ્ય કર્તવ્ય છે, અને વિદ્યા કર્મનું અંગ છે એવું સાબિત થાય છે.)

ભાવાર્થ
ઈશાવાસ્ય ઉપનિષદમાં કર્મના મહિમાનું પ્રતિપાદન કરતાં કહેવામાં આવ્યું છે કે કર્મ કરતાં જ જગતમાં સો વરસ સુધી જીવવાની ઈચ્છા રાખવી, અને કર્મ કરતાં કરતાં કર્મફળમાં કે બીજે ક્યાંય આસક્ત ના થવું. એ જ શ્રેષ્ઠ જીવનનો માર્ગ છે. એવી રીતે તૈત્તિરીય ઉપનિષદમાં પણ કહ્યું છે માતાપિતા, આચાર્ય અને અતિથિની પરમાત્માના પ્રતિનિધિ સમજીને સેવા કરવી અને સ્વાધ્યાયમાં કદી પણ પ્રમાદ ના કરવો. એવી રીતે જીવનપર્યંત કર્મ કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાથી સિદ્ધ થાય કે જ્ઞાન કર્મનું અંગ છે અને જીવનના પરમ પુરૂષાર્થની સિદ્ધિમાં કર્મ જ સવિશેષ મહત્વ ધરાવે છે.

---

८. अधिवनेपदेशात्तु  बादरायणस्यैवं तद्दर्शनात् ।

અર્થ
તુ = પરંતુ
અધિકોપદેશાત્ = શ્રુતિમાં કર્મો કરતાં બ્રહ્મવિદ્યાના મહિમાનું વર્ણન વધારે હોવાથી.
બાદરાયણસ્ય = ભગવાન વેદ વ્યાસનો અભિપ્રાય.
એવમ્ = પ્રથમ સૂત્રમાં જણાવ્યો છે તેવો જ છે. 
તદ્દર્શનાત્ = કારણ કે શ્રુતિમાં વિદ્યાની એવી વિશેષતા વર્ણવેલી છે.

ભાવાર્થ
અત્યાર સુધીનાં સૂત્રો દ્વારા આચાર્ય જૈમિનિના અભિપ્રાયનો સવિસ્તર ઉલ્લેખ કરીને મહર્ષિ વ્યાસ પોતાનો અભિપ્રાય આપતાં જણાવે છે કે પરમાત્માની પ્રાપ્તિ માટે કર્મ નહિ, કર્મમિશ્રિત જ્ઞાન નહીં પરંતુ એકમાત્ર જ્ઞાન અથવા બ્રહ્મવિદ્યા જ સાધન છે. બ્રહ્મવિદ્યા કર્મનું અંગ નથી પરંતુ સ્વતંત્ર સાધન છે. એનો આશ્રય લેવાથી પરમાત્માના સાક્ષાત્કારના પરમ ધ્યેયની સહેલાઈથી ને સંપૂર્ણપણે સિદ્ધિ થાય છે. એને માટે કર્મની આવશ્યકતા નથી સ્વિકારી શકાય તેમ, વેદ અને ઉપનિષદના અધ્યયન અને ચિંતન મનનથી પણ એ વાતને પુષ્ટિ મળે છે.

ઉપનિષદમાં કર્મ કરતાં જીવનના આત્યંતિક આત્મકલ્યાણની દૃષ્ટિથી વિચારીએ તો આત્મજ્ઞાનને જ વધારે મહત્વનું માનવામાં આવ્યું છે. પોતાના જીવનના સમ્યક્ ધારણ પોષણ, વ્યક્તિગત વિકાસ તથા લોકસંગ્રહને માટે કર્મની આવશ્યકતા રહે છે, અને જ્ઞાની પણ પ્રારબ્ધ કર્મને આધીન બનીને પોતાની પ્રવૃત્તિ કરતો હોય છે. તો પણ, પરમાત્માના સાક્ષાત્કારને માટે તો કોઈપણ પ્રકારના કર્મની નહિ પરંતુ આત્મજ્ઞાનની જ આવશ્યકતા હોય છે એવું ઉપનિષદ સંશયરહિત રીતે જણાવે છે.

મુંડક ઉપનિષદમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે 'કર્મથી પ્રાપ્ત થનારા લોકોના સારાસારનો સારી પેઠે વિચાર કરીને વિદ્વાન બ્રાહ્મણે એના પ્રત્યે વૈરાગ્ય બુદ્ધિ જગાવીને એનાથી ઉપરામ બનવું, ને સમજવું કે અકૃત અર્થાત્ સ્વતઃસિદ્ધ પરમાત્માની પ્રાપ્તિ કર્મો દ્વારા નથી થઈ શકતી. એ પરમાત્માની પ્રાપ્તિને માટે એણે શ્રોતિય અને બ્રહ્મનિષ્ઠ સદ્ ગુરૂની પાસે હાથમાં સમિધા લઈને જવું. એવી રીતે વિધિપૂર્વક પોતાની પાસે આવેલા પ્રશાંત મનવાળા, સંયમી, જિજ્ઞાસુ વિદ્વાનને જે દ્વારા જે અવિનાશી પરમાત્માનું દર્શન થાય એવી બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપવો.’ 

---

९. तुल्यं तु दर्शनम् ।

અર્થ
દર્શનમ્ = આચારનું દર્શન
તુ = તો.
તુલ્યમ્ = સમાન છે.

ભાવાર્થ
રહી શ્રેષ્ઠ પુરૂષોના આચારની વાત. તો એવા આચાર પરથી પણ બ્રહ્મવિદ્યા કર્મનું અંગ છે એવું કોઈ પણ રીતે સિદ્ધ નથી કરી શકાતું. ઉપનિષદોમાં બંને પ્રકારના આચારનું દર્શન થાય છે. જેવી રીતે ઉપનિષદમાં લોકહિતની ઉત્તમ ભાવનાથી પ્રેરાઈને યજ્ઞાદિ વિવિધ કર્મોનું અનુષ્ઠાન કરનારા પુરૂષોનું વર્ણન કરવામાં આવ્યું છે તેવી રીતે એવા પુરૂષોનું પણ વર્ણન છે જે સમસ્ત લૌકિક કર્મોને તિલાંજલિ આપીને આત્મજ્ઞાનનો આશ્રય લઈને આત્મદર્શનને માટે તત્પર થયા. એના પરથી એવું કદાપિ ના કહી શકાય કે જ્ઞાન કરતાં કર્મનો મહિમા મોટો છે અથવા જીવનના આત્યંતિક શ્રેય અથવા આત્મવિકાસને માટે કેવળ કર્મને જ મહત્વનું માનવામાં આવ્યું છે. એટલે જ્ઞાન કર્મનું અંગ છે અને કર્મ જ્ઞાન કરતાં શ્રેષ્ઠ છે એવા નિર્ણય પર પહોંચવાનું કોઈ પણ રીતે શક્ય નથી.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok